ઇન્સ્ટૉલેશન આર્ટ 

સાહિત્યના આધુનિક અને અનુઆધુનિક વારાફેરા દરમ્યાન સાહિત્યશબ્દ ભીંસમાં આવ્યો અને પરિદૃશ્ય ઘણું બધું બદલાયું
હવે હું ઇન્ડિયન કે અમેરિકન-ઇન્ડિયન કે એશિયન ? હવે હું ગુજરાતી કેટલો ? હવે મારા હિન્દુ હોવાનું શું વજૂદ ?

દરેક વ્યક્તિના ચહેરા જેવો દુનિયામાં એક બીજો ચહેરો પણ હોય છે એ વાત આ વખતે આમ્સ્ટર્ડામમાં મારા પૂરતી સાચી પડી. ચિ. મદીરને ત્યાં એનાં મિત્રોએ મારા માનમાં પાર્ટી કરેલી. એમાં એની એક મિત્ર ફિઓના પણ આવેલી. જમવા સાથે બધાં આનન્દપ્રમોદ કરતાં’તાં. થોડીવાર પછી ફિઓના સાદ પાડીને જણાવે છે કે “મિસ્ટર શાહ’સ ફેસ ઇઝ મોસ્ટ રીસેમ્બ્લીન્ગ ટુ માય ફાધર્સ ફેસ”. બધાં, ખાસ તો હું, અચમ્બો પામીએ છીએ. અને જ્યારે એણે પોતાના મોબાઇલમાંથી એના પિતાનો ચ્હૅરો બતાવ્યો, મારા / અમારા આશ્ચર્યનો પાર ન્હૉતો. મારા જેવા હોઠ, નાક, મારા જેવી હૅઅર-સ્ટાઇલ…ઘણું…આઇ વૉઝ ટચ્ડ.
અગાઉ હું બે સુખ્યાત અમેરિકી સાહિત્યકારોને રૂબરૂ મળ્યો છું. ૧૯૯૨માં જ્યૉફ્રે હાર્ટમેનને અને ર૦૦૩માં સુસાન સૉન્ટાગને. અને ૨૦૧૭માં યુરપમાં આ ફિઓનાને. એનું સરનેમ સાથેનું નામ છે, ફિઓના તન -Fiona Tan. (1966- ). એ વિશ્વખ્યાત વિઝ્યુલ આર્ટિસ્ટ છે. કારકિર્દી શરૂ થઇ ફોટોગ્રાફી, ફિલ્મ-મેકિન્ગ અને વિડીઓગ્રાફીથી. હવે એ એનાં વિડીઓ-ઇન્સ્ટૉલેશન્સ માટે વધારે જાણીતી છે. પાર્ટી પછી ફિઓનાએ મારી જોડે ફોટો લેવરાવેલો. મેં એની સાથે એના આ કામ વિશે વાતો કરેલી. ફિઓનાનાં ઇન્સ્ટૉલેશન્સમાં મુકાયેલાં પોર્ટ્રેઇટ્સનાં પુસ્તકો થાય છે. પુસ્તકોનું સર્વલક્ષી નામ છે, vox populi અથવા voice of the people. પછી મેં અમારી હોમ-લાઇબ્રેરીમાં એ પુસ્તકો જોયાં, વાંચ્યાં. ફિઓના વિશે મદીરની પત્ની લૅતિઝ્યા પાસેથી પણ ઘણું જાણ્યું.
૧૧-મી ફેબ્રુઆરીએ આમ્સ્ટર્ડામની નજીકના શહેરમાં ફિઓનાનું સોલો ઍક્ઝિબિશન હતું. એ પહેલાં, જર્મની જપાન લક્ઝમબર્ગ ઓસ્લો ફિલાડેલ્ફીઆ ટોકિયો લન્ડન પૅરીસ વૉશિન્ગટન-ડીસી મુનિચ વેનિસ રોટરડામ જ્હૉનિસબર્ગ વગેરેમાં એનાં સોલો ઍક્ઝિબિશન્સ થયાં છે. ૩૦-૩૫ જેટલાં ગ્રુપ ઍક્ઝિબિશન્સ થયાં છે. સાઓ પાઓલો, ઇસ્તમ્બુલ, સિડની અને યોકોહામાનાં ‘ડૉક્યુમૅન્ટા’ અને ‘બાયઍન્યુઅલ’ આન્તરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં એણે ભાગ લીધો છે. ૨૦૦૯-ના વિયેના ‘બાયઍન્યુઅલ’-માં એણે નેધરલૅન્ડ્સને રજૂ કરેલું. આમસ્ટર્ડામ અને ન્યૂ યૉર્કનાં મ્યુિઝયમોમાં તેમજ ટેટ મૉડર્ન જેવાં સંગ્રહાલયોમાં એની રચનાઓ સંઘરાઇ છે. ‘ફર્થ સ્ટ્રીટ ગૅલેરી, લન્ડન’ અને ‘વાકો વર્ક્સ, ટોકિયો’-એ ફિઓનાને રીપ્રેઝન્ટ કરી છે. ઉમેરવાની જરૂર નથી કે એને અનેક અવૉર્ડ્સ અને ઇનામો મળ્યાં છે.
આપણા ચિત્રકાર અતુલ ડોડિયા પોતાનાં કેટલાંક પેઇન્ટીન્ગ્સને ઇસ્ટૉલેશન્સથી રજૂ કરે છે. પણ ઇસ્ટૉલેશન શું છે એની આપણને ભાગ્યેજ ગતાગમ છે. એ આર્ટ છે. કલા-રચનાને કોઇ એક સ્થાને નક્કી કરેલા કોઇ સમય માટે એવી રીતે ગોઠવવી, સ્થાપવી, જેથી સઘળું એકરૂપ બની જાય. આખું જાણે પ્રાણસભર સ્થાપત્ય દીસે. એવા સર્જનાત્મક હેતુથી કરાયેલી સ્થાપન-કલા તે ઇન્સ્ટૉલેશન આર્ટ. એ મિક્સ્ડ્-મીડિયા ઍસેમ્બ્લાજ છે. મિશ્રમાધ્યમ સં-સંયોજના. ફિઓના એ કરે છે. ફોટોગ્રાફ, ફિલ્મ અને વિડીઓગ્રાફીનાં સર્જનાત્મક સમ્મિલન. એવા વિલક્ષણ માહોલમાં દર્શકની સંવેદના તેમજ બુદ્ધિમત્તા ખીલે છે. સ્મૃિત સળવળે. અધ્યાસો જાગે. કશીક મનોરમણા શરૂ થઇ જાય. એમ બહુવિધે સંડોવાઇ ગયેલો દર્શક જુએ કે પોતે પોતાનાં જેવાં અનેકોની વચમાં છે. ત્યારે સર્જક પોતે પણ હાજર હોય છે. જેમકે, ફિઓના. સર્જકની ઉપસ્થિતિ ઇન્સ્ટૉલેશનનો એકમ બની જાય છે. આખો ઉપક્રમ જીવન્ત જીવન્ત. ટૂંકમાં, ઇન્સ્ટૉલેશનમાં સર્જક સર્જન અને ભાવન એકરૂપ ઘટનારૂપે ઘટતાં ચાલે છે. સમજો, એ એક આર્ટ-હૅપન્નિન્ગ છે.
ફિઓના જાતે ફોટા પાડે, વિડીઓ ઉતારે. પર્સનલ ફોટો-આલ્બમ્સ મેળવે. દુનિયાભરના દેશોમાંથી મેળવ્યાં છે. પછી એનાં પોર્ટ્રેઇટ પિક્ચર્સ કરે. લગભગ દરેક વખતે ૨૦૦-૩૦૦ જેટલાં પસંદ કરે. ધ્વનિ, શબ્દાર્થ અને છબિઓનું ક્રિએટિવ ઍડિટિન્ગ કરે. ઇન્સ્ટૉલેશનને શીર્ષક આપે. દાખલા તરીકે, બર્લિનનું ‘કાઉન્ટેનન્સ’. એ માટે એણે બર્લિનવાસીઓનાં ૨૦૦ જેટલાં પોર્ટ્રેઇટ કરેલાં. લગભગ દરેક વખતે એ જ ફોરમેટ, એવી જ ફ્રેમ્સ. લયબદ્ધ ભાતમાં દીવાલ પર કે જમીન પર બધું સ્થપાયું હોય. દર્શકની નજર સીધી કન્ટેન્ટ પર જાય. ફિઓનાની સૃષ્ટિમાં દર્શક ટ્રાવેલ કરે છે. ટ્રાવેલરને એ સતત પ્રશ્નો માટે સંકોરે છે : જાતને આપણે કેવા પ્રકારે રજૂ કરીએ છીએ ? જે બીજાંઓ રજૂ થયાં છે તેઓને આપણે કઇ રીતે ઘટાવીએ છીએ ? : દર્શકને ફંફોસવા પ્રેરે કે ઇમેજીસની પીઠ પાછળ શું છે ને આગળ શું ડોકાં કાઢી રહ્યું છે. એની એક ફિલ્મ ‘z.t.’-માં ફિઓના પોતે આમ્સ્ટર્ડામની શેરી વચ્ચે સ્થિર ઊભી છે, રાહદારીઓને અડચણ થાય છે. રાહદારીઓ કલાકારની પાસે થઇને વહેતા રહે છે પણ એને અડતા નથી. એક સ્થિર છબિ અને એના વિરોધમાં કલાકારના નિશ્ચિત બિન્દુથી પ્રવહમાન લોકો. એટલે, દર્શકચિત્તમાં વિચારોનું દ્વન્દ્વ પ્રગટે છે. વૈયક્તિક ઓળખ અને સામૂહિક અભિવ્યક્તિનું આવું અવિનાભાવી સાયુજ્ય ફિઓનાની સૃષ્ટિનો પ્રાણ છે.
એની સર્જકતાનું હર હમ્મેશનું કેન્દ્ર છે, મનુષ્યવિષય, હ્યુમન સબ્જેક્ટ. ફિઓના જિવાતા જીવનના પ્રશ્નો હાથ ધરે છે : વર્તમાનનો સળગતો સવાલ તો ઓળખની કટોકટી છે -ક્રાઇસિસ ઑફ આઇડેન્ટિટી. સાહિત્યકારની કસોટી કરનારું થીમ. જુઓ, નારી, દલિત અને અશ્વેતનું સાહિત્ય તો પ્રગટ્યું. પણ એમાં ઉમેરાયાં વિસ્થાપિતો -માઇગ્રન્ટ્સ. પૂર્વની પ્રજાઓને પશ્ચિમનું ઘેલું લાગ્યું છે. સૌની સ્વપ્નનગરી આજકાલ વિ-દેશે ખડી છે. આપણી જ વાત કરોને ! છેલ્લાં ૫૦ વર્ષોમાં કેટલાંય ભારતીયો સ્વેચ્છાએ કે વડીલોની ઇચ્છાએ, અમેરિકા, યુ.કે. કે યુરપ પહોંચી ગયાં છે. હમણાંથી ફિઓના સ્મૃિત પર કામ કરી રહી છે. સ્મૃિત દર્શાવે છે કે ચિત્તમાં છપાઇ ચૂકેલી છબિઓ ભલે ધૂંધળી છે તેમછતાં કેવું કેવું સરજે છે. જેમકે, એ વિસ્થાપિત ભારતીય વ્યક્તિ અગાઉ સંભવેલા ઇતિ-હ-આસના ગૂંચળા જેવા ભૂતકાળને વીસરી શકતી નથી. એ ‘ભાગલા’-ની, એ ભૂકમ્પની, કે એ ‘ગોધરાકાણ્ડ’-ની સ્મૃિતઓ એને દમે છે. ઉપરાન્ત, વિદેશે સૅટલ થઇ ઠરીઠામ થવાની લાંઆંબી પ્રક્રિયા દરમ્યાન જાતની ઓળખ અંગે એને ઝીણા ઝીણા મૂંઝારા પણ થતા રહે છે : હવે હું ઇન્ડિયન કે અમેરિકન-ઇન્ડિયન કે એશિયન ? હવે હું ગુજરાતી કેટલો ? હવે મારા હિન્દુ હોવાનું શું વજૂદ ? વગેરે.
ઓળખની આ અસ્તવ્યસ્તતાને ફિઓનાએ પચાવી છે. એ એનો જાતઅનુભવ પણ છે. એની ખુદની ઓળખનો પ્રશ્ન. કેમકે એનો જન્મ ઇન્ડોનેશિયામાં. પિતા ઍથનિક ચાઇનીઝ-ઇન્ડોનેશિયન. માતા ઑસ્ટ્રેલિયન. બચપણ મેલ્બોર્નમાં. હાલ નિવસે છે, આમ્સ્ટર્ડામમાં. ૧૯૮૮માં ભણવા આવેલી, પણ પછી કાયમ માટે રહી પડી. ઓળખના મુદ્દાને એણે પોતાની ફિલ્મોમાં, વિડીઓઝમાં, ડૉક્યુમેન્ટરીઝમાં, ઝીણવટથી તપાસ્યો છે. ૧૯૯૭ની ‘મે યુ લિવ ઇન ઇન્ટરેસ્ટિન્ગ ટાઇમ્સ’ ડૉક્યુમૅન્ટરીમાં એણે સ્થાનાન્તરણ, વિસ્થાપન, સંસ્કૃિતભિનન્તા અને પોતાના જ પરિવારની અનેક પેઢીઓના ફોટોગ્રાફ્સનો વિનિયોગ કરીને જાત-ઓળખની મથામણને કલામય આકાર આપ્યો છે.
આપણી આ ‘સાહિત્ય સાહિત્ય’ કૉલમમાં ફીઓનાની વાત કરવાનો શો મતલબ છે ? મતલબ છે. એ નિમિત્તે મારે ઇન્સ્ટૉલેશનના સાહિત્યપરક વિનિયોગ વિશે કહેવું છે. સાહિત્યના આધુનિક અને અનુઆધુનિક વારાફેરા દરમ્યાન સાહિત્યશબ્દ ભીંસમાં આવ્યો અને પરિદૃશ્ય કેવું બધું બદલાયું એ કહેવું છે. મારે મારા સમકાલીન સાહિત્યકારમિત્રોને કહેવું છે કે ચલો આગે, અનુ-આધુનિકતા કેટલી તો પ્રસરણશીલ છે. પણ આવતા શનિવારે…
= = =

Facebook Auto Publish Powered By : XYZScripts.com