સઘન વાચન અને ગોખણ

સાહિત્યરચનાને આત્મસાત્ કરવા માટે સઘન વાચન જરૂરી. પછી એનું ગોખણ. સભામાં આખેઆખું બોલી જવાય. વટ પડે.

શ્રીહર્ષ ભલે કાવ્યના તરીકાથી પણ ગૌરવ તો કરે છે, જ્ઞાનનું. એક જ શ્લોકના ત્રણ-ત્રણ ચચ્ચાર અર્થ થતા હોય.

સંસ્કૃત સાહિત્યના મારા વિદ્યાભ્યાસની કેટલીક વાતો આજે મારે તમારી સાથે શૅઅર કરવી છે. કંઇક સાહિત્યોપયોગી એમાં પણ સંતાયેલું છે. બી.એ. ઍમ.એ.-માં મારો મુખ્ય વિષય ગુજરાતી, અને સંસ્કૃત ગૌણ. સંસ્કૃતમાં ભારે સાહિત્યિક મૂલ્યોવાળી રચનાઓ ભણવામાં હતી. અભ્યાસક્રમનિયત તો ખરી જ, ઉપરાન્ત, અભ્યાસેતર પણ ખરી : કાલિદાસનું ‘શાકુન્તલ’. શૂદ્રકનું ‘મૃચ્છકટિક’. ભાસનું ‘પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ’. ભારવિનું ‘કિરાતાર્જુનીય’. ‘શ્રીહર્ષનું ‘નૈષધીયચરિતમ્’. બાણની ‘કાદમ્બરી’. ઍમ.એ.-માં શ્રીહર્ષ અને બાણને તો અંગ્રેજીમાં ભણવાના હતા. પરીક્ષા પણ અંગ્રેજીમાં આપવાની હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ત્યારે સાહિત્યના શિક્ષણનું માધ્યમ પણ અંગ્રેજી હતું. હું વાત કરું છું, ૧૯૬૩-૬૪-નાં વર્ષોની.
મારી વાતોના કેન્દ્રમાં શ્રીહર્ષનું ‘નૈષધીયચરિતમ્’ છે. નળ-દમયન્તીના કથાવસ્તુનું નિરૂપણ કરતી બે ભાગમાં વિભાજિત ૨૨ સર્ગની આ સુદીર્ઘ કૃતિ, મહાકાવ્ય છે. સંસ્કૃતનાં પાંચ મહાકાવ્યોમાં એનું ગૌરવવન્તું સ્થાન છે. રાજશેખરે ’પ્રબન્ધકોશ’-માં શ્રીહર્ષ વિશે લખ્યું છે. કહે છે કે શ્રીહર્ષની આ કૃતિનો એવો તો સ્વીકાર થયેલો કે સૌ એને ‘નરભારતી’ કહેતા. શ્રીહર્ષનાં અન્ય સર્જનોમાં ‘વિજયપ્રશસ્તિ’ જેવાં અનેક પ્રશસ્તિકાવ્યો છે. શ્રીહર્ષ કવિ ઉપરાન્ત મીમાંસા, યોગશાસ્ત્ર અને ખાસ તો ન્યાયના મોટા પણ્ડિત હતા. અદ્વૈત વેદાન્તી ય ખરા. પણ્ડિતો બે પ્રકારે જાણીતા થતા હોય છે : મત કે વિચારનું મણ્ડન કરનારા અને મત કે વિચારનું ખણ્ડન કરનારા. શ્રીહર્ષ મુખ્યત્વે ખણ્ડનકાર હતા. એઓ ન્યાય-ગ્રન્થોના સક્ષમ ખણ્ડનકાર તરીકે ખ્યાત થયેલા. એમના એક ગ્રન્થનું શીર્ષક છે, ‘ખણ્ડનખણ્ડકખાદ્યમ્’. આ વીગતો એટલું જ સૂચવવા આપી કે ‘નૈષધ૦’-નું કાવ્યત્વ પાણ્ડિત્યપ્રચુર છે. શ્રીહર્ષ ભલે કાવ્યના તરીકાથી પણ ગૌરવ તો કરે છે, જ્ઞાનનું. ક્યારેક તો એક જ શ્લોકના ત્રણ-ત્રણ ચચ્ચાર અર્થ થતા હોય. એટલે તો ‘નૈષધ૦’ વિશે કહેવાય છે કે એ ‘વિદ્વદૌષધ’ છે -વિદ્વાનોનું ઔષધ. કનડે, પણ મટાડી દે એવી દવા.
અમને ‘નૈષધ૦’ પ્રો. અરુણોદય જાની ભણાવતા. ખાસ તો ‘નૈષધ૦’-માં રહેલા શ્રીહર્ષના પાણ્ડિત્યની ચર્ચા ઊલટથી કરતા. હા, એઓ પણ એટલા જ erudit, એટલે કે, પણ્ડિત હતા. સંસ્કૃત, પ્રાકૃત અને પાલિના વિદ્વાન. એ ત્રણેય ભાષા-સાહિત્યોને માટેના યુનિવર્સિટી-ડિપાર્ટમૅન્ટના અધ્યક્ષ. ‘A Critical Study of Shreeharshas Naishdhiyacaritam’-ના અધ્યયનકાર, સમીક્ષક, લેખક (1957). કહે કે યાદ રાખજો, આ કવિ એના erudition માટે, પાણ્ડિત્ય માટે, જાણીતો છે. મહત્ત્વના શ્લોક બ્લૅકબૉર્ડ પર શ્રમપૂર્વક લખે ને શબ્દ શબ્દ સમજાવે. Erudition of Shreeharsha બોલતી વખતે જાનીસાહેબનો ક્યાંક ચૉકસ્ટિકની રજ-ચૉંટેલો ગૌર ચહેરો તેજ-રતુમ્બડો થઇ જતો.
હા પણ એટલે, એ બે-બે પણ્ડિતોને અંગ્રેજીમાં ભણવાનું અમારા માટે અઘરાથી અઘરું થઇ જતું. મને એક ટેવ એવી કે આગલી સાલનાં પ્રશ્નપત્રોનો પણ અભ્યાસ કરું. શોધી કાઢું કે કઇ વસ્તુ અવારનવાર પૂછાય છે. મેં જોયેલું કે Erudition of Shreeharsha વિશે અનેકવાર પૂછાયું હતું. એટલે મેં નક્કી કર્યું કે એ બાબતનો ઉત્તર બરાબ્બર તૈયાર કરવો. એ પેપરમાં બાણની ‘કાદમ્બરી’ પણ ભણવાની હતી. ‘કાદમ્બરી’ મારી માણીતી રચના પણ પરીક્ષાદેવી ખાતર મેં એને ‘ડાબી’ કરી દીધેલી. મેં મારું ઘણું ધ્યાન શ્રીહર્ષમાં ઇન્વેસ્ટ કરી દીધેલું. સાંભળો, શું કરેલું તે : મેં કાળજીપૂર્વક એવા શ્લોક શોધી કાઢ્યા જેમાં કવિશ્રીનું પાણ્ડિત્ય ઝળહળતું હોય. કુલ ૩૦ કાઢ્યા. એક ફુલ્સકૅપ પર એક જ શ્લોક સંસ્કૃતમાં લખવાનો. નીચે દરેકનું અંગ્રેજીમાં ભાષાન્તર લખવાનું. એની નીચે દરેકની અંગ્રેજીમાં મહત્તા દર્શાવતી ટિપ્પણી લખવાની. એવા મેં ૩૦ ફુલ્સકૅપ્સ તૈયાર કર્યા. ઍળે કે બૅળે રોજ સવારે એનું પારાયણ કરતો; બીજું વાંચવાનું એ પછી.
પરીક્ષામાં આ erudition-નો પ્રશ્ન આવ્યો જ. પેલી ગોખણ-સામગ્રી મેં તો ભઇ, સાવચેતીથી છતાં ખાસ્સી ઉતાવળથી, બસ ઠાલવી દીધી. શ્લોક, તેનું અંગ્રેજી, કવિના પાણ્ડિત્યની ઉપકારકતા, તન્તોતન્ત લખ્યાં. ૧૮-૨૦ શ્લોકનો ‘માલ’ મેઇન આન્સરબુકમાં ને પછીનો સપ્લિમૅન્ટરીઝમાં. જુનિયર સુપરવાઇઝર સ્મિતપૂર્વક જુએ. મને થતું, ખાસ્સો ઇમ્પ્રેસ થયો છે. આંટાફેરાની મહેનત બચાવવા મારી આસપાસમાં ફર્યા કરતો’તો. બાણની ‘કાદમ્બરી’-ના પ્રશ્નનો ઉત્તર મેં લખ્યો ખરો, પણ અરધોપરધો. કેમકે ટાઇમ હતો જ નહીં ! તમને સવાલ એ થશે કે ખાલી દોઢ પ્રશ્નના ઉત્તરો લખવાથી તો પાસ પણ શી રીતે થવાય. પણ સાંભળો, તે જમાનામાં અમારી આ યુનિવર્સિટીમાં ક્વૉલિટી-ની દરકાર કરાતી. ક્વૉલિટેટિવ ઍસેસમૅન્ટ થતું. તમે ભલે દોઢ લખ્યો, પણ એની ગુણવત્તા જોઇને માર્ક્સ અપાય, પાંચે પાંચ લખવા જરૂરી નહીં. એ વખતની એક વધારાની વિશેષતા એ કે પરીક્ષા પૂરી થયા પછી અમુક દિવસે તમારે મૌખિક પરીક્ષા પણ આપવાની -viva voce. એમાં પરીક્ષકસાહેબોએ મને ‘કાદમ્બરી’-ના એ અધૂરા ઉત્તર માટે તો પૂછ્યું જ; પણ પછી કહે, ‘નૈષધ૦’-ના આટલા બધા શ્લોક, તેનું અંગ્રેજી, તેની મહત્તા, વગેરે તમે શી રીતે યાદ રાખી શકેલા. મેં તરત કહેલું, ગોખીને. તો કહે, ફલાણો શ્લોક બોલો. હું તો સડસડાટ બોલી ગયેલો. સૌ ખુશ થઇ ગયેલા.
મારો આ દાખલો સાહિત્યવ્યાસંગીઓને ઘણું સૂચવે છે. એક તો એમ કે કોઇપણ સાહિત્યરચનાને સમજીને આત્મસાત્ કરવા માટે એનું સઘન વાચન કરવું જરૂરી છે. બીજી વાત એ કે પછી જો એને ગોખી મારો તો બહુ કામ આવે. મને તો, જુઓને, એ ગોખણ અઘરી પરીક્ષા પાર કરાવી ગયું. એ પેપરમાં મને પૂરા ૬૨ માર્ક્સ મળેલા ! ત્યારે ૬૦-એ પહોંચે એ સ્કૉલર ગણાય. ૯૦-૯૨-૯૬ જેવા ફુગાવા ન્હૉતા. ઍમ.એ.-માં મારો ફર્સ્ટ ક્લાસ આવેલો, હું ફર્સ્ટ પણ હતો. ગોલ્ડ મૅડલ મળેલો. ત્રીજી વાત મોટા લાભની કે કોઇપણ સભામાં આખેઆખું બોલી પાડો તો પેલા સ્મિતાળવા સુપરવાઇઝરની જેમ ઑડિયન્સ પણ ઇમ્પ્રેસ થઇ જાય. વટ પડે. આજે મને એ ૩૦-માંનો એકપણ શ્લોક યાદ નથી. છતાં કહું કે જો એમાંનો એકાદ પણ સામે મળી જાયને, તો એને બરાબ્બર યાદ કરાવી શકું, એની જોડેનો મારો એ ખન્ત-તન્તભર્યો લગાવ. પાકા કોઇપણ સમ્બન્ધને હું ફરીથી બેઠો કરી શકું એવી મારામાં સંજીવની વસે છે. જોકે અત્યારે તો સમક્ષ થાય છે, સભાઓમાં સુભાષિતો કે કાવ્યપંક્તિઓ મૉજથી ઉચ્ચારતા વક્તાઓ -જેઓની મને હમેશાં ઇર્ષા થતી હોય. એ સફળ ગોખુઓમાં અલબત્ત સમજથી સજ્જ સમજુ ગોખુઓ પણ છે ને તેથી એઓને હું સઘન વાચનકારો ગણું પણ છું. છતાં, ઇર્ષા તે બળ્યામુખી ઇર્ષા જ ! પણ જે લોકો સમજ્યા વિના ગોખે, એકલું ગોખે, એમને માફ ન કરાય. સર્જક તો કેવા કેવા સંકુલ ને કેટલા બધા કઠિન મનોવ્યાપારોમાંથી પસાર થયો હોય છે. એના એ દોહ્યલા કર્મફળને આમ જડતાથી બથાવી પાડવું ઠીક નથી. જાણે તમે કોઇનું વ્હાલસોયું સન્તાન તફડાવીને ભાગી નીકળ્યા ! એવું ગોખણ સૂક્ષ્મ પ્રજ્ઞાપરાધ છે. અરે પણ, આ બધું હું તમને શું કામ કહું છું ? સાંભળનારો છે કોઇ સાહિત્યવ્યાસંગી ? કોઇ સાચુકલો પરીક્ષાર્થી ? કોઇ સમજસભર વ્યાખ્યાનોનો કરનાર ? હશે, જરૂર હશે. નહિતર ? રામ રામ.
= = =

Facebook Auto Publish Powered By : XYZScripts.com