શરૂઆત વ્યાકરણથી નહીં પણ સર્જનથી

rjhdkj

 

 

વાદળાં કેવી રીતે બંધાય છે એ વાતવિસ્તરણમાં પડ્યા રહેવાને બદલે ધોધમાર વરસતા વરસાદમાં ન્હાવું શું વધારે મજાનું નથી ?

શિવતત્ત્વથી બિન્દુ, બિન્દુમાંથી નાદ, નાદમાંથી શક્તિ, શક્તિમાંથી વર્ણો, અને વર્ણોમાંથી શબ્દો જન્મે છે

હર્ષદેવ માધવ સંસ્કૃત ભાષા-સાહિત્યના જ્ઞાતા છે, કવિ પણ છે. એમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘મૃગયા’-ને ૧૯૯૭ના વર્ષનો અવૉર્ડ અપાયો છે -મહાશ્વેતાદેવીના હસ્તે. અત્યારે મારા હાથમાં એમણે રચેલી એક નાનકડી પુસ્તિકા છે, ‘સંસ્કૃતના ઉપવનમાં’ -પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ.
એના એક વિભાગમાં, ‘અમરકોશ’-નો વિનિયોગ કરીને હર્ષદેવે કેટલાક સંસ્કૃત શબ્દો, શબ્દગુચ્છો કે સુભાષિતોને મુક્તકની મદદથી ગુજરાતીમાં સમજાવ્યાં છે. દાખલો આપું : અઙ્ગના ભીરુ: કામિની વામલોચના / પ્રમદા માનિની કાન્તા લલના ચ નિતમ્બિની / સુન્દરી રમણી રામા…ભામિની…વગેરે. સંસ્કૃત વાંચતાં, ગભરાઇ જવાની જરૂર નથી. આ બધાં સ્ત્રીનાં લક્ષણવર્ણનો છે. વળી સ-ચિત્ર છે. પુસ્તિકા આખીમાં ચિત્રો છે. ચિત્રો સામાન્ય છે એ જુદી વાત છે. ગુજરાતીમાં આમ થાય : સુન્દર અંગોવાળી, ડરપોક, કામવતી, રૂપાળાં નેત્રોવાળી, મદ ભરેલી, માનવાળી, કાન્તના મનને હરનારી, લાલિત્યસભર, આકર્ષક નિતમ્બવાળી, રમણી -કેમકે રમણ કરાવનારી. નારીદેહના સૌન્દર્યને વિશેની સંસ્કૃતવાળાઓની આ સૂઝસમજ અને રસવૃત્તિ કેવી તો ગજબનાક છે ! ઉપરાન્ત, હર્ષદેવે ‘ટહુકો’ કરીને સંલગ્ન કશુંક ઉમેર્યું હોય છે. જેમકે : રત્નો પોતાની કાન્તિથી વિભૂષિત નથી થતાં, સ્ત્રી જ રત્નોને વિભૂષિત કરે છે, કેમકે સ્ત્રીઓ રત્નરહિત હોય તો પણ મનને હરી લે છે : વાત સાચી છે, કેટલાક બચારાઓ તો સ્ત્રી સર્વાર્થે રહિત હોય ત્યારે વધારે હરાય છે !
પુસ્તિકાની વિશેષતા એ છે કે હર્ષદેવ કોઇપણ વસ્તુનો સંદર્ભ આપે છે, સ્રોત દર્શાવે છે. બીજાઓની જેમ બધું નિરાધાર નથી પધરાવતા. બાકી, અન્યનું પોતાને નામે ચડાવીને સાહિત્ય-ચૉકમાં મ્હાલનારા બેશરમોને કોણ નથી જાણતું ? એક વિભાગમાં, હર્ષદેવે વિવધ અર્થવાળા શબ્દોની સમજ આપી છે : ’કૌશિક’ એટલે કોશનો જાણકાર, પણ ‘કૌશિક’-ના વિવિધ અર્થો, ઇન્દ્ર, ગૂગળ, ઘુવડ, ગારુડી, વિશ્વામિત્ર, નૉળિયો : ‘દ્વિજ’ એટલે બ્રાહ્મણ, પણ દાંત, પક્ષી : ‘અમરકોશ’-માં આ માહિતી બે પંક્તિમાં સમ્પન્ન થઇ હોય, એને સમજીને ગોખીને જો સ્મૃતિમાં સાચવી લઇએ, તો સમજો, આપણે કાયમ માટે એ શબ્દાર્થના ધણી થઇ ગયા ! મારું ચાલે તો ‘અમરકોશ’-ને દરેક ભાષા-સાહિત્યના અભ્યાસક્રમમાં દાખલ કરું. અભ્યાસક્રમો જેમના વરદ હસ્તે ઘડાય છે એમણે આ કરી જોવા જેવું છે.
એક બીજા વિભાગમાં, હર્ષદેવે આત્મા, બ્રહ્મ, ધર્મ, કામ, ક્રોધ, મન, પુરુષ, સ્ત્રી, માતા કે વાણી/ભાષા જેવા ૪૯ વિષયો અંગેના સર્જકો/ચિન્તકોના વિચારોની પ્રસાદી આપી છે : જેમકે, ભર્તૃહરિ કહે છે : વાણીરૂપી ભૂષણ જ આભૂષણ છે : ભાસ કહે છે : ભલે શાન્તિભર્યું પણ અકાળે બોલાયેલું વાક્ય ક્રોધ ઉપજાવે છે : પ્રિયતમો વિશે કાલિદાસ : ભલે પ્રિયતમા સહેલાઇથી ન મળે, પણ એના ભાવોનાં દર્શનથી મનને આશ્વાસન તો મળે છે. પ્રેમ સફળ ન થયો હોય ત્યારે પણ પરસ્પરની અભિલાષા આનન્દ આપે છે : ભારવિ : આનન્દનાં સાધનો પ્રિયજનના સમાગમમાં રુચિકર લાગે છે…
‘ફુવારો’ વિભાગમાં, હર્ષદેવે મુક્તકોનું નિરૂપણ કર્યું છે. એક માણસ સૂતેલો ચીતર્યો છે, લખ્યું છે, ‘શેતે નિપદ્યમાનસ્ય’. એટલે કે, સૂતેલાનું નસીબ સૂતું રહે છે. ‘ચરાતિ ચરતો ભગ:’ -ચાલતાનું ભાગ્ય ચાલતું રહે છે. બાજુમાં એક જણને ચાલતો ચીતર્યો છે. ‘શ્રોત્રં શ્રૂતેનૈવ ન કુણ્ડલેન’ -કાન શોભે છે, શાસ્ત્રને સાંભળવાથી, નહીં કે કુણ્ડળથી. ‘ઘાસના મેદાનમાં ધીંગા મસ્તી’ વિભાગમાં થોડુંક વ્યાકરણવિષયક છે, જેને હર્ષદેવ ‘મગજની કસરત’ કહે છે. સાતેય વિભક્તિઓ સમજાવી છે. ‘બાંકડો’ વિભાગમાં, ‘એકાન્તચિન્તન’ આપ્યું છે, જેમાં પ્રાણાયામની ઉપાસના વગેરે વિશે નિર્દેશો કર્યા છે.
મને વર્ણોનાં રહસ્યની વાત મજાની લાગી. કહે છે : ય ર લ વ -નો સમ્બન્ધ સ્વપ્નાવસ્થા સાથે છે. એટલે શું એમ સમજવાનું કે ય-શવન્ત, ર-મા, લ-તા કે વ-સુબેન હમેશાં સપનાંમાં જીવે છે ? કહે છે, અ-થી હ સુધીનો વર્ણસમુદાય શિવ સ્વયં છે. શિવતત્ત્વથી બિન્દુ, બિન્દુમાંથી નાદ, નાદમાંથી શક્તિ, શક્તિમાંથી વર્ણો, અને વર્ણોમાંથી શબ્દો જન્મે છે. વિતણ્ડાવાદે ચડેલા સાહિત્યકારો કે પ્રજાને માથે ચડી બેઠેલા રાજકારણીઓ શબ્દનો આવો શિવસમ્બન્ધ યાદ રાખે, તો વાણીપ્રયોગો સમજીવિચારીને કરે. બકવાસ ન કરે, કેમકે શિવ એટલે રૂદ્ર અને રૂદ્ર ભગવાનથી તો, ડરે કે નહીં ? આવું રહસ્યભર્યું કોઇકે તો એમને કહ્યું જ હોય છે, એમણે સાંભળ્યું ય હોય છે. પણ વાંક એમનો એટલો જ કે સાંભળ્યા પછી બેતમા થઇ જતા હોય છે. તેમછતાં વૈચિત્ર્ય જુઓ કે વૃત્તિ-પ્રવૃતિ બાબતે હમેશાં નિ-ર-દો-ષ દીસે છે !
ચોટલીવાળા પરસોતમ પુરાણી માધ્યમિકમાં અમને સંસ્કૃત શીખવતા. ‘પુરુષોત્તમ’; પોતે સંસ્કૃતના; છતાં ‘પરસોતમ’-નો એમને વાંધો નહીં. ‘રામ: રામૌ રામા:’ શીખવે બરાબર, પણ ગોખી લેવાનો આગ્રહ દુરાગ્રહની હદે રાખે -બીજે દિવસે વર્ગમાં પેસવા જ ન દે ! હું સમજું છું કે કશાકને સમજ્યા પછી ગોખી રાખ્યું હોય તો અણીને વખતે જરૂર કામ આવે. બાકી, લૂખા ગોખણવેડાથી શું વળે ? ’રામૌ’ દ્વિવચન છે એમ બોલી જાય, પણ સમજાવે નહીં કે દ્વિવચન એટલે શું. પછી ખબર પડી કે ‘દ્વિ’ એટલે ‘બે’ અને ‘દ્વિવચન’ એટલે બે-ની સંખ્યા સૂચવનારું વચન. ’રામૌ’ એટલે બે રામ. મને મૂંઝવણ થતી કે એક રામ તો બરાબર છે, ‘રામ: વનમ્ ગચ્છતિ’, પણ બે રામ શું કામ વનમાં જાય ? સાથેસાથે જતા હશે ? પરસોતમ ‘મિ વસ્ મસ્ સિ થસ્ થ તિ તસ અન્તિ’ પણ ગોખાવે. પરસ્મૈપદી અને આત્મનેપદી સમજાવવામાં જરાક ફાવ્યા હોય, પણ ઉભયપદી વખતે લોચાટિયું કશુંક બોલીને આગળ ધપી જાય. એટલે પછી, અમે તો ‘વનમ્ વને વનાનિઇઇઇ’ -કરીને અમારી ચીડ કાઢતા.
પરસોતમની જેમ ઘણા શિક્ષકો એમ જ સમજે છે કે સંસ્કૃત શીખવાની શરૂઆત વ્યાકરણથી થવી જોઇએ, ઝટ આવડે. પણ બને છે ઊધું. આમેય સંસ્કૃત વ્યાકરણ કષ્ટસાધ્ય; એમાં ઉમેરાય શિક્ષકના હઠાગ્રહો; છોકરું થોડા જ દિવસમાં ભાગી જાય છે. ખબર નથી કે શાળાઓમાં સંસ્કૃત શીખવાય છે કે કેમ. વ્યાકરણથી પ્રારમ્ભ કરીને શીખવાતું હોય તો એ પ્રરૂઢ પ્રથાને ઝડપથી તિલાંજલિ આપી દેવી જોઇએ. સંસ્કૃત કે કોઇપણ ભાષા શીખવાનો પ્રારમ્ભ વ્યાકરણથી કરીએ એટલે ભાષા આવડી જાય એમ માનવું ઠીક નથી. શરૂઆત વ્યાકરણથી નહીં પણ એ ભાષામાં સરજાયેલા સાહિત્યસર્જનથી થવી જોઇએ. વિદ્યાર્થીને સુભાષિતોથી શુભારમ્ભ કરાવાય. કાલિદાસાદિ કવિઓની દન્તકથાઓ કે રામાયણ-મહાભારતની કથાઓ એને ગમે. પંચતન્ત્રની વાર્તાઓનાં વાચિકમ્ કરાવી શકાય. હર્ષદેવ માધવની પુસ્તિકા એ દિશાની છે. સર્જનની રીતે સંસ્કૃતને વિશેની પ્રીતિ જગવે છે.
જતાં જતાં, મારે ભાષા શીખવનારાઓને પૂછવું છે કે તમે લોકો શબ્દાર્થ અને વ્યાકરણ બાબતે ચીકણા પુરવાર થતાં સંકોચાતા નથી, એ અલબત્ત, સારી વસ્તુ છે. પરન્તુ સાહિત્ય-સર્જનના હૃદ્યરસિક રસ્તે જલ્દીથી પ્હૉંચી જવામાં મૉડું શું કામ કરો છો ? સમુદ્રમાંથી વાદળાં કેવી રીતે બંધાય છે એ વાતવિસ્તરણમાં પડ્યા રહેવાને બદલે ધોધમાર વરસતા વરસાદમાં ન્હાવું શું તમને વધારે મજાનું નથી લાગતું ? ગાંઠે બાંધવા સરખો સાર એ કે ભરપૂર માણ્યા પછી ભલે નિરાંતે જાણીએ; અને એ ક્રમ-ઉપક્રમનો શિક્ષણમાં નિરન્તર મહિમા કરીએ.
= = =

(18 February, 2017)

Facebook Auto Publish Powered By : XYZScripts.com