Oxote વિશે

ચારથી છ કલાકની Lsd-ની અસર નીચે ‘દુ:ખદ’ કહેવાય એવી આ ઘટના હકીકતે પરમ સુખ આપનારી હતી

 આમાંથી એવો મૅસેજ ન લેવાય કે તાજપભર્યું લખવા Lsd જેવાં દ્રવ્યોનું સેવન કરવું !

 બ્રહ્મ સ્વયંભૂ છે. શબ્દો પણ સ્વયંભૂ છે. કેમકે શી રીતે જન્મે છે એ કોઇ નથી જાણતું. આ સંદર્ભે અમારા એક મિત્રનો જોરદાર અનુભવ રજૂ કરું છું : ગુજરાતી/ભારતીય સાહિત્યકારો, કલાકારો, છીંકણી સૂંઘે, મૉંમાં તમાકુ-ચૂનો દબાવે, ચરસ-ગાંજો કરે, બીડી-સિગારેટ પીએ, એમાં કશી નવાઇ નથી. જ્ઞાનપીઠ વિજેતા પણ ચિરૂટ, અને પદ્મભૂષણ સમેતના સૌ, દારૂ પીએ એ તો પાણી પીવા જેવું સામાન્ય ગણાય. પણ મારીજુઆના કે એના જેવાં તીવ્ર ડ્રગ્સ લેવાનું, ખાસ તો, ગુજરાતી શબ્દસ્વામીઓ માટે સહેલું નહીં. ઊંધું એમ સંભળાવવાના કે -એવાં બધાં ધતિંગની અમારે જરૂર નથી ! પણ અમારા એ વિદ્વાન સાહિત્ય-ચિન્તક મિત્રે એક વાર પ્રયોગ ખાતર Lsd પીધેલું. એટલે કે, કાર્ડ પરથી ચાટી લીધેલું. Lsd મૂડ-ચેન્જિન્ગ કૅમિકલ છે. સફેદ. નિર્ગન્ધ. માયાવી અનુભવ રચાતો ચાલે એવી ભીષણ-સંકુલ psychedelic effect આપે. દુનિયાભરની અનેક સુખ્યાત વ્યક્તિઓ Lsd લઇ ચૂકી છે. સ્ટીવ જૉબ્સ એ દ્રવ્યના રસપાનને પોતાના જીવનનાં બે-ત્રણ પ્રમુખ કર્મોમાંનું એક ગણતા. મારા આ લેખનો વિષય Lsd નથી, પણ શબ્દ છે. કેમકે મિત્રને એ દારુણ અનુભવ દરમ્યાન oxote નામનો એક શબ્દ મળી આવેલો. આખો અનુભવ પત્રમાં એમણે મને આ પ્રમાણે લખી જણાવેલો :

‘હું લેટેલોહતો. મિત્ર દવે મારાપર ઝૂમીને દ્રાક્ષનું ઝૂમખું લઇને એમાંથી મને દ્રાક્ષ ખવડાવતો હતો. હું કોઇ શાહજાદાની જેમ મોગલાઇ બાદશાહી તાનમાં હતો. અચાનક વિઝન શરૂ થયાં. હું ક્રૉસરોડ પર બરાબર સૅન્ટરમાં હતો. રસ્તા સફેદ રંગના હતા અને પલ્સેટિન્ગ (ધબકતા) હતા. પછી રસ્તા સંકોચાવા લાગ્યા. એમના સંકોચાવાની સાથે હું રૂંધાતો હતો. જોકે અંદરથી વિસ્તરવાનો એક લય ચાલુ થઇ ગયેલો. એ રિધમને લીધે મને રાહત થતી હતી. છતાં સ્થાયીભાવ રૂંધામણનો હતો. આવી વિરોધાભાસી ક્ષણોમાં ક્યાંકથી શબ્દ ફૂટ્યો, oxote, અને મને અતિશય રાહત થઇ. ક્રૉસરોડનો ખદબદાટ અટકી ગયો. અને હું બધાં સાંભળે એમ એમનું ધ્યાન ખૅંચવા લાગ્યો, બોલ્યો -જાણે કે એઓ બધાં મારા એ વિઝનના સહભાગી હોય- ‘બરાબર ધ્યાન રાખો; એ છે, oxote; સ્પૅલિન્ગ છે, ઓ ઍક્સ ઓ ટી ઇ.’

પત્રમાં ઉમેર્યું હતું : ‘આ શબ્દ ડિક્ષનરીમાં નથી મળતો. ઍસોસિએશન ઑવ વર્ડ્ઝથી (શબ્દના અધ્યાસથી) સંયોજાયેલો હોય, તો પણ એનું કશું અર્થવતું વિશ્લેષણ સૂઝતું નથી. હું એ કડાકૂટમાં પડ્યો પણ નથી. કદાચ, કોઇ ઍન્થ્રોપોલૉજિકલ (નૃવંશવિજ્ઞાનીય) સાહિત્યમાં એવો શબ્દ મળી આવે. પરન્તુ મહત્ત્વની અને રસિક વાત એ હતી કે ‘ઑક્ષોટ’ સૂઝવાથી એ સંકુલ પરિસ્થતિનું નામકરણ થયું. પરિણામે, હું મને રૂંધતી અનુભૂતિમાંથી મુક્ત થઇ ગયો, કહો કે ઊગરી ગયો. ચારથી છ કલાકની Lsd-ની અસર નીચેની અનુભવ-શૃંખલામાં, ‘દુ:ખદ’ કહેવાય એવી આ ઘટના હકીકતે પરમ સુખ આપનારી હતી. એ સુખ કેટલી ક્ષણોનું હશે તેનો કોઇ અંદાજ નથી. આમાં આપણે જ નટ અને આપણે જ પ્રેક્ષક હોઇએ છીએ.’

આ આખી વાત ૧૯૮૫-ની છે. હું ‘સમકાલીન’ દૈનિકમાં ‘વેઇટ્ એ બિટ્’ શીર્ષકથી કૉલમ લખતો’તો. કૉલમમાં મેં મિત્રના આ અનુભવને આ જ રીતે જાહેરમાં મૂકેલો. વાચકો વિચારતા રહી ગયેલા, જાતભાતની પૂછપરછ કરતા મારા પર ફોન આવેલા. જોકે મિત્રે તો જિજ્ઞાસાવશ માત્રઅનુભવ ખાતર Lsd-નો આશરો લીધેલો. દરમ્યાન પ્રગટેલી રૂંધામણ એની રીતે શમી ગયેલી. આમ તો શબ્દમાત્ર, ચિત્તની કે હૃદયની ગૂંગળામણભરી પરિસ્થતિનો સુખદ નિકાલ કરી દે છે. પણ, આપણી આ ક્રૂર વાસ્તવિક દુનિયામાં રૂંધામણોનો પાર નથી. મને સાહિત્યના માણસ તરીકે હમેશાં સવાલો થાય : ગુજરાતી લેખકો જીવનની કશી વાતે કદી રૂંધાય છે ખરા ? પોતાના અનુભવજગતને કદી ફંફોસે છે ? એમની રચનાઓ કશી પીડામાંથી જન્મી હોય છે કે ટેવવશ, બસ કલમ ઘસ્યે રાખે છે ? : વાત એમ છે કે ભાષા, ચિત્ત-બુદ્ધિ અને મન-હૃદય પછીથી આવે છે. સાહિત્યકલા તો, એનીયે પછીથી. ટેવવશ પણ લખાય, મગજને આમ Lsd-થી હચમચાવીને પણ લખાય. એક કૂચા જેવું હોય, બીજું, નવપલ્લવિત પુષ્પસમું ! જોકે આમાંથી એવો મૅસેજ ન લેવાય કે તાજપભર્યું લખવા Lsd જેવાં દ્રવ્યોનું સેવન કરવું ! યમ-નિયમમાં રહી તપ-સાધનાભર્યું અનુષ્ઠાન ઊભું કરવાથી પણ પ્રફુલ્લતા કે તાજપ માટે સજ્જ થઇ શકાય છે.

જોકે આમજનતા એમ સમજે છે કે ભગવાને જીભ બોલવા માટે આપી છે, ને તેથી, ભાષા પણ ભગવાને આપી છે. પણ આ એક પાકી ગેરસમજ છે. સમજ એ છે કે ભાષા, માનવીય શોધ છે. જીભ હોઠ દાંત વગેરેનો તો એ માત્રઉપયોગ કરે છે. માણસે જોવાનું છે કે આ શોધનો ઉપયોગ સારામાં સારો શી રીતે થાય. એ માટે, સ્વીકારો કે શબ્દો, સ્વયંભૂ છે જ છે. જોકે સ્વયંભૂ છે તે, આમ જ છે, અ-કારણ છે. અમુક જાનવરને આપણે ‘ગાય’ શું કામ કહીએ છીએ ? કોઇ કારણ છે જ નહીં ! પૂર્વજો ‘ગૌ’ કહેતા, તેથી કહીએ છીએ. પણ એ લોકોય કયા કારણે કહેતા, એની એમને કે કોઇને ય ખબર નથી. જે પહેલા મનુષ્યે ‘ગૌ’ ઉચ્ચાર કરેલો તે એની પોતાની ઇચ્છાથી કરેલો ! એટલે, બીજું એ સ્વીકારો કે શબ્દો, સ્વયંભૂ છે તેમ માણસની મરજી કે ઇચ્છાથી ઉચ્ચારાયેલા -યાદૃચ્છિક- પણ છે. જતે દિવસે, આ યાદૃચ્છિકો વપરાશથી એટલા બધા રૂઢ થઇ જાય છે કે ‘કુદરતી’ લાગવા માંડે છે. ત્રીજી વાત સ્વીકારો કે એ યદૃચ્છ સ્વયંભૂઓ મરણશીલ પણ છે. કેટલાય શબ્દો વપરાશથી ઘસાઇને મરી જાય છે.

ચૉથી સ્વીકારવાજોગ વાત એમ છે કે શબ્દ પાસે ન-છૂટકે જ જવું. નિ:શબ્દ થઇ જવું. મિત્રને oxote મળી આવ્યો એટલે રૂંધામણ ટળી. બરાબર. ન મળ્યો હોત તો પણ કોઇ બીજી રીતે ટળી હોત. જીવનની રૂંધામણોનો નિકાલ ભાષાથી જ થાય એવું નથી. તમે નિ:શબ્દ પ્રાર્થના કરો, ઈશ્વરને પહોંચી શકે. વગર બોલ્યે, નતમસ્તક ઊભા રહો, ક્ષમા મળી શકે. મૂંગા રહીને, ઠપકો પહોંચાડાય. અપશબ્દ વાપર્યા વિના, વ્યક્તિને સીધી કરી શકાય. મૂગું વ્હાલભર્યું આલિંગન પ્રિયાને ઘણું કહી દે છે. પ્રિયાની નરી મીઠી નજર તમને આર્દ્ર -ભીના- કરી શકે છે. શબ્દબાણથી વધારે તીણાં અને કામઢાં, નયનબાણ હોય છે. જેને વાગ્યાં હોય, એ જાણે.

સ્વયંભૂ યદૃચ્છ મરણશીલ શબ્દ પાસે માણસે હજાર વાર વિચારીને જવું. બોલનારે, લખનારે, છાપનારે કે વાંચનારે હમેશાં એનું ધ્યાન રાખવું. ‘ઓઅમ્’ જેવો પ્રાણવાન શબ્દ બ્રહ્માંડનો આભાસ રચી દે. ‘તથાસ્તુ’ જેવો ક્રોધજન્ય શબ્દ સર્વનાશ નૉંતરે. સાહિત્યકારે તો આ ત્રણેય વાતે તેમજ નિ:શબ્દ રહેવા જેવી ચૉથી વાતે પણ અતિ સાવધ રહેવું ઘટે છે. એ શબ્દાર્થજ્ઞાની છે. સામાન્ય ભાષકોની સરખામણીએ વિશેષાધિકાર ભોગવે છે. એ અધિકારનો દુરુપયોગ કરવાનો એને અધિકાર નથી. ભાષકોનાં ભાષાવિષયક સ્ખલન ક્ષમ્ય છે, સાહિત્યકારોનાં નહીં. એઓ સમજે છે, આ જે બધું મેં કહ્યું એ -ખરું કે નહીં ? (11 February 2017)

= = =

 

 

Facebook Auto Publish Powered By : XYZScripts.com