સાહિત્યસર્જનનું પ્રયોજન

વહાલાં-દવલાંને સુવર્ણચન્દ્રકોથી શણગારતી કોઇપણ સંસ્થા ‘સુવર્ણ’ અને ‘ચન્દ્રક’ બન્નેને અભડાવે છે. દાતા તરીકેના એના ચારિત્ર્ય અંગે સાહિત્યસમાજે અને પ્રજાએ પ્રશ્નો ઉઠાવવા જોઇએ

સર્જક પાસેથી નિજી દૃષ્ટિમતિ અનુસારનું ચિન્તન મળવું જોઇએ, એ વાતના આપણે ત્યાં વખા છે

કહે છે કે કશું પ્રયોજન ન હોય તો મૂરખ માણસ પણ હાલતો નથી; હાલતો પણ નથી. સાહિત્યકારોનું તો પૂછવું જ શું ! પ્રયોજન વિના લખે કદી ? કહે છે, જશ મળે એ પ્રયોજનથી લખે છે. બધાં વાહ વાહ કરે એ નાનામોટા દરેક સાહિત્યકારને ગમે : આ આપણા બહુ મોટા નાટ્યકાર છે, હૉં : એને શેર લોહી ચડે : આ આપણા મૂર્ધન્ય નવલકથાકાર છે, સામાજિક નિસબતવાળા : સવા શેર ચડે : લોકો ખાસ તો કવિઓને સાચાંખોટાં વ્હાલ બહુ કરતા હોય છે : આ તો સર્રીયલ કવિ છે. આ ગઝલસમ્રાટ છે -એમની પાછળ અમેરિકામાં nrg ગાંડાં છે. કોઇ કોઇ તો, ‘કવિશ્રી’ ‘કવિવર’ કે ‘કવિરાજ’ પણ કહે. ઝીણી નજરે જુઓ તો ‘રાજકવિ’ પણ મળી આવે. ટૂંકમાં, સૌ સાહિત્યકારોમાં, કવિને તો પાંચ શેર ચડે છે. જોકે, બલવંતરાય ઠાકોરે ‘કવિતડાં’ જેવો પ્રયોગ કરેલો, એ ય વિચારવાલાયક છે.

યશ પછી ધન. ધન મળે એ પ્રયોજનથી લખે. રાજાઓ કવિઓનું ભરણપોષણ કરતા. ગામગરાસ લખી આપે. વર્ષાસન બાંધી આપે. આજનો આપણો સાહિત્યકાર ધનના પ્રયોજનથી લખવા જાય તો એને રડવા વારો આવે. સાહિત્યના મામલામાં ‘ધન’ શબ્દ ભારે પડે છે. પુરસ્કારોમાં નગણ્ય રકમ મળે, શબ્દસ્વામી એને ય બે વાર ગણી પણ લે, તેમછતાં, એને ધન ન કહેવાય. નસીબ હોય તો ઇનામ કે અવૉર્ડ રૂપે લાખેક મળી જાય. સાહિત્ય ઉપરાન્તનું બધું આવડતું હોય, ઝટ મળી જાય, અવળું નસીબ સવળું થઇ જાય. સુવર્ણચન્દ્રકો પર સાહિત્યકારોનો જીવ પહેલેથી ચૉંટેલો હોય છે. આપનારા એટલા જ ગણતરીબાજ. છેક છેલ્લે આપે -જીવ જવાને વારે. પૂછવાજોગ સવાલ એ કે કોઇપણ ચન્દ્રકમાં સોનું હોય છે ખરું ? કેટલું ? ઘરવાળી પૂછે -મળતાં મળી તો ગયો, પણ ક્હૉ તો ખરા, કેટલા તોલાનો છે ? એને જવાબ ન આવડે. એક ચન્દ્રકદાતા સંસ્થાના મોવડી ચતુર બહુ. કહે -ચન્દ્રક અમારો, સુવર્ણ તમારું. ‘વર્ણ’ એટલે, અક્ષર. ‘સુવર્ણ તમારું’-થી એમ ઠસાવવા ચાહતા’તા કે તમારા અક્ષર, ‘સુ’ છે -સારા- માટે તમને નવાજીએ છીએ ! અસલિયતને છુપાવવાની કેવી કુટિલ વાક્પટુતા ! હક્કદારોને આઘા મેલીને વહાલાંદવલાંને સુવર્ણચન્દ્રકોથી શણગારતી કોઇપણ સંસ્થા ‘સુવર્ણ’ અને ‘ચન્દ્રક’ બન્નેને અભડાવે છે. દાતા તરીકેના એના ચારિત્ર્ય અંગે સાહિત્યસમાજે અને પ્રજાએ પ્રશ્નો ઉઠાવવા જોઇએ.

સાહિત્યકારો વ્યવહાર-જ્ઞાન માટે પણ લખે. એમ કે પ્રજાને પોતે વ્યવહારજ્ઞાન પીરસી શકે એમ છે. આમાં પૂર્વશરત છે -પીરસનારા પાસે હોવું જોઇએ. હા, સૂક્ષ્મ પ્રકારનું જીવન-જ્ઞાન સાહિત્યકારને ખુદને જરૂર લાધે છે અને એનો કોઇ જોટો નથી. પણ ત્યાં લગી પહોંચવાનું બધાની કલમમાં જોર નથી હોતું. જન-માન્યતા એવી છે કે સાહિત્યકારો વ્યવહારજીવનમાં નિર્દોષ હોય છે -ભોળિયા. વાતમાં કિંચિત્ સત્ય ખરું. બાકી આ લોકોના જેવા અઠંગ વૅવારિયા કોઇ નહીં. વ્યવહાર સાચવવા સાહિત્યનો અદ્દલ ઉપયોગ કરી જાણે.

આ પરત્વે, મારે ફંટાઇને કહેવું પડશે : અગ્રણી સાહિત્યકાર પાસે પ્રસ્તાવના લખાવવાની ઘેલી રસમ આપણે ત્યાં આગળના વખતથી છે. ત્યારે અગ્રણીઓ સામેથી કહેતા : ભાઇ, તમારું લેખન સુન્દર છે, આશાસ્પદ છો તમે. મારાજોગું કંઇ કામ હોય તો કહેજો. એટલે પેલો ફૂલીને ફાળકો થઇ જાય. એને સપનું આવે. જુએ કે કોઇ મોટા અવૉર્ડ માટે રેડિયોવાળા એનું નામ જાહેર કરી રહ્યા છે. છાપામાં વીગતે સમાચાર છે. ચૉકઠામાં ફોટો છે. સગાંવહાલાં ગાંડાંતુર છે. ફ્લૅટવાળાં હારતોરા લઇ ઊભાં છે. મીઠી મુસ્કાન સાથે વાટ જોતી પત્ની હૉલમાં આંટાફેરા કરી રહી છે. એ તો પ્હૉંચ્યો અગ્રણીના ઘરે. ત્યારે ફોનની આજે છે એવી સુલભમીઠી સગવડ નહીં. મોટા મોટાઇના માર્યા કોઇને ત્યાં જાય નહીં. બોલાવો તો, ઉડાઉ વાયદો કરે. કોઇ કોઇ તો હજીયે એ હલકી રસમને વળગી રહ્યા છે. પણ જો મોટાને ત્યાં નાનો જઇ ચડે, તો, વાંધો નહીં. અકળાયા જેવું કરે પણ તરત સ્મિત આપે, કેમકે અંદરથી ગરવાયા હોય. સ્વપ્નિલ દાખલ થયો. અગ્રણી ઊભા થઇ પોલું પોલું ભેટ્યા : તમે ક્યાંથી ! બહુ આનન્દ થયો; બેસો બેસો : બન્ને ગોઠવાયા : એક ગુજરાતી સાહિત્યનો સો-કૉલ્ડ વડલો ને સામેવાળો હજી ઊગીને ઊભું થયેલું તરણું -પણ સાચકલું ! : શિદને આવવું થયું ? : સંકોચ થાય છે છતાં કહું કે આ મારી પહેલી લઘુનવલ છે, આપ એની પ્રસ્તાવના લખો તો એને મારું અહોભાગ્ય સમજીશ : ઓહો. ભલે. જરૂર. પ…ણ, વાર લાગશે, વ્યસ્તતા બહુ છે, રાહ જોઇ શકશો ? : તરણું પણ કાબેલ; કહે : અરે, આપની પ્રસ્તાવના વગર આ છપાશે જ નહીં ! આપ આવકારો-સ્વીકારો છો, એ જ મોટી વાત ! : પછી એ બન્ને જણાએ લાંબી ગુફ્તેગો કરી; શી એની મને નથી ખબર. ખબર એટલી છે કે અગ્રણીએ ૩ દિવસમાં પેલાને પાછો બોલાવીને એના હાથમાં પ્રસ્તાવનાની ગરમાગરમ હસ્તપ્રત દાબીને મૂકતાં કહેલું -ભાઇ, જ્યારેત્યારે ઓલા કામમાં મને તમારી જરૂર પડશે, ખપ લાગશોને ? : હા-હા ! કેમ નહીં ! વચનબદ્ધ છું -બોલતો બોલતો કાલોવ્હાલો થતો ઝટપટ નીકળી ગયેલો. આ વ્યવહારને તો કિંચિત્ પણ લિટરરી ગણાય. બાકી સૅમિ ને નૉન-લિટરરી કેટલાય ચાલે છે. સાચો અગ્રણી પ્રસ્તાવના લખવાની ‘ના’ પાડે છે; કહે છે -તારી કૃતિને બોલવા દે, ધીરજ ધર. એવા અગ્રણીઓના એવા ન-ગમતા વ્યવહારને આજની નવી પેઢી સમજી શકે છે. અને એવી આડકતરી રીતે અગ્રણીઓ સદ્વ્યવહાર શીખવે છે.

કહે છે સાહિત્યકારો મનુષ્યજીવનમાં જે અશુભ છે, એના નાશ માટે લખે છે. આ પ્રયોજન તો ત્યારે સાચું પડે જ્યારે એવું કંઇક પરિણામ આવે. બાકી, કલાની ઊંડી અસર જરૂર સંભવે છે. સુજ્ઞ સર્જકને તેમજ સજાગ વાચકને જીવનનાં શુભ અને દુરિતની ગમ પડે છે. ક્રમે ક્રમે માણસમાં દુરિતનો સામનો કરવાનું બળ આવે છે. સદ્ સાહિત્ય શુભ શીખવે જ. માણસ સંકલ્પ કરે કે પોતા તરફથી કોઇને કશો અનાડ ન થાય, પોતાનાથી કોઇને દુભાવાનું ન થાય.

સાહિત્યકારો ઉપદેશ આપવા પણ લખે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીએ ચોખવટ કરી કે ઉપદેશ બરાબર, પણ કાન્તાની રીતનો. કાન્તા એટલે પ્રિયા. પ્રિયા જેમ પિયુને લલચાવીને લાડ-પ્યાર કરતી ઉપદેશ શિખામણ કે સલાહ આપે છે; સાહિત્યકારે એ રીત રાખવાની છે. મોટા વિવેકી સાહિત્યકાર અપનાવી શકે એવું અઘરું છે આ પ્રયોજન. મોટાભાગનાઓ બીજાઓએ કહેલું રટ્યા કરતા હોય છે. ઘણા બધા ગુજરાતી લેખકો સૅકન્ડહૅન્ડ ને ચવાઇ ચૂકેલાં ઉપદેશવચનો ઠપકારતા હોય છે. એક સર્જક કલાકાર પાસેથી કિંચિત્ પણ નિજી દૃષ્ટિમતિ અનુસારનું જે ચિન્તન મળવું જોઇએ, એના આપણે ત્યાં વખા છે. છેવટે તો સાહિત્યકારો આનન્દના પ્રયોજનથી લખે છે. સાહિત્ય, સૌ પહેલાં એના સર્જક-લેખકને ને પછીથી અધિકારી વાચકને આનન્દ આપે છે. આ પ્રયોજન સર્વશ્રેષ્ઠ છે. પણ આપણે ત્યાં ઘણીયે વાર એ જ લટકતું જોવા મળે છે. લેખકો યશ ધન વ્યવહારજ્ઞાન કે ઉપદેશમાં અહર્નિશ વ્યસ્તમસ્ત રહેતા હોય, પછી તો શું થાય… (7 January 2017)
= = =

Facebook Auto Publish Powered By : XYZScripts.com