ટૉયલેટપેપર વગેરે

ગાંધીયુગમાં વાસ્તવ વાસ્તવ ચાલ્યું. એની સામે, સુરેશ જોષીના સમયમાં અતિવાસ્તવ આવ્યું પણ બહુ ઓછું આવ્યું. પેલું ખોબે ખોબે, તો આ ચાંગળુક.

છિ:-માં પણ કલા સંભવી શકે, રસપ્રદ હોઇ શકે, એવી સુજ્ઞ-વિવેચનાની મિત્ર-સિફારશ કામ લાગી નહીં

આમ્સ્ટર્ડામના લોકો કલારસે રસાયેલા છે. રૅમ્બ્રાન્ડ્ટ (1606-1679) અને વાન ગોઘ (1853–1890) જેવા જગવિખ્યાત કલાકારોની કલાના વારસદારો છે. જાતભાતની સર્જનાત્મક અળવીતરાઇઓ કરી જાણે છે. આ વખતે પણ મેં અતિ વિચિત્ર વસ્તુઓ જોઇ :

સાચું છે કે પાલતુ કૂતરાંને એકી-બેકી માટે કે ફ્રેશ ઍર માટે બહાર લઇ જવાં જોઇએ. પણ નગરસંસ્કૃતિમાં હવે તો એની ફૅશન પડી ગઇ છે. જોકે, આમ્સ્ટર્ડામમાં એ માત્રફૅશન નથી. કૂતરાંને રસ્તાની બાજુએ એકી-બેકી કરાવ્યા પછી માલિકવ્યક્તિ એની છિ: વાળીને નૅપિમાં પૅક કરી આખો લોચો નજીકના નક્કી ડસ્ટ-બીનમાં નાખી આવે છે. પણ એ શુક્રવારે, મેં છિ: તો જોઇ, પણ જોયું કે એ પર કોઇએ નેધરલૅન્ડસ્-નો એકાદ ઇન્ચનો નાનો ફ્લૅગ ખોસેલો ! છિ: પર રાષ્ટ્રધ્વજ ! કાર્ડનો હતો એટલે ફરફરતો ન્હૉતો. મને નવાઇ થઇ. બીજી જ પળે મગજમાં વિચાર પ્રગટ્યા : બાઇ કે ભાઇ -જે હશે એ- નાગરિકધર્મ પાળવાને વિશે સુસ્ત હશે : એ સુસ્તની ફજેતી કરવા કોઇ બીજી વ્યક્તિએ છિ: પર ફ્લૅગ ખોસી દીધો હશે : જોકે, એથી તો શી ફજેતી થવાની’તી ? એટલે, છેલ્લે જે વિચાર આવ્યો, એ બરાબર હતો, એમ કે એ દાઝીલા રાષ્ટ્રપ્રેમીએ વાવટો ફરકાવીને અન્ય નાગરિકોનું ધ્યાન દોરેલું -મિત્રો ! ચાલતાં સંભાળજો, અહીં છિ: છે.

ધારો કે આ દૃશ્ય આપણા કોઇ અતિવાસ્તવવાદી -સર્રીયાલિસ્ટ- કવિ જુએ છે, તો શું થવાનું ? એમાં એમને છિ: અને ફ્લૅગનું જક્સ્ટાપોઝિશન દેખાવાનું. બે દૂર દૂરની વસ્તુઓને સર્જક કલાકારે સાથેસાથે કરી લીધી હોય એને જક્સ્ટાપોઝિશન -સન્નિધીકરણ- કહેવાય. જેમકે, ક્યાં છિ: ને ક્યાં રાષ્ટ્રધ્વજ ! પરિણામે, એમને અને એમની કક્ષાના ભાવકોને એ વાસ્તવ અતિવાસ્તવ લાગવાનું. દેખીતું છે કે આવા આવિષ્કારોને હમેશાં સુજ્ઞ વિવેચનાની જરૂર પડે. જોકે એવી વિવેચના કરી આપનારા મિત્રો મળી પણ આવે. એઓ તુરન્ત બે સિદ્ધાન્ત સમજાવવાના : આ દાખલામાં, ભાવકો છિ: કે ફ્લૅગ નહીં પણ છિ:ફ્લૅગ નામના એક ત્રીજા જ પદાર્થને પામે છે. તેથી, સિધ્ધાન્ત :૧: એ ત્રીજો છિ:ફ્લૅગ પદાર્થ, આર્ટ-વર્ક છે, કલાકૃતિ છે : અને, ધ્યાન છિ: જેવા વાસ્તવિક અને ચિરપરિચિત પદાર્થ પરથી ખસી જાય છે; એમની સમક્ષ નવ્ય દૃશ્ય રચાય છે; એમને એવો ભાવન-ઝટકો વાગે છે કે એમનાં ચિત્ત વાસ્તવથી અતિવાસ્તવ પર, પરિચિત-થી અપરિચિત પર, સુખે પ્હૉંચી જાય છે. તેથી, સિદ્ધાન્ત :૨: કલાનો અનુભવ હમેશાં વાસ્તવ-થી અતિવાસ્તવ ભણીનો, કહો કે, પરિચિત-થી અપરિચિત ભણીનો હોય છે -નોન ટુ અન્નોન.

ગુજરાતી સાહિત્યના પણ્ડિતયુગમાં લગ્નસ્નેહ કે સ્નેહલગ્ન વગેરે વિશે ઝકાઝકી બહુ ચાલેલી. ગાંધીયુગમાં વાસ્તવ વાસ્તવ ચાલ્યું. એની સામે, સુરેશ જોષીના સમયમાં અતિવાસ્તવ આવ્યું પણ બહુ ઓછું આવ્યું. પેલું ખોબે ખોબે, તો આ ચાંગળુક. એટલે, ભાવકોની રુચિ ગંઠાયેલી રહી, વિકસી નહીં. બધા ભડકીને ભાગી ગયા. પરમ્પરાગત વિવેચનાએ ભગાડી મૂક્યા એમ પણ કહેવાય. છિ:-માં પણ કલા સંભવી શકે અને એ પણ એટલી જ રસપ્રદ હોઇ શકે એવી સુજ્ઞ-વિવેચનાની મિત્ર-સિફારશ કામ લાગી નહીં. કલા-સ્વીકારને માટેનો અસીમ મનોલ્લાસ પ્રગટ્યો જ નહીં. સમયની તાસીર જોઇને અતિવાસ્ત્વવાદી આધુનિકો પણ વાસ્તવવાદી અનુ-આધુનિકો થઇ ગયા. એક વિકાસશીલ પ્રાદેશિક સાહિત્ય માટે આ કેટલું મોટું નુક્સાન છે એનો અંદાજ તો માત્ર કલાના મર્મજ્ઞોને જ આવી શકે, એટલો બધો સૂક્ષ્મ છે.

મને તો આ વાતો સારી લાગી છે. ભાવન-ઝટકો જે હોય એ. એ દૃશ્ય સાથે જોડાવાથી આંખને જે જોણું ને નાકને જે સૂંઘણું થાય છે, એથી લાગે છે કે આ છિ:, છિ: નથી પણ કશી અળવીતરી કલા-કૃતિ છે. નથી લાગતું કે માણસને આવા ઝટકા અવારનવાર વાગવા જોઇએ ? નહિતર, ચિત્તમાં ગંઠાઇ ગયેલા ગઠ્ઠા -મૅન્ટલ બ્લૉક્સ- શી રીતે તૂટવાના’તા ? સાચી કલાના અનુભવે નવતર તાજી સંવેદના માટે મગજમાં જગા થતી હોય છે. જાણે ધરબાયેલા ગોટલામાંથી ચૉમાસાની ઠંડકભરી સવારે નાનકડો મજાનો આંબો ફુટ્યો ! છેવટે તો એટલું જ કહેવાનું કે છિ:ફ્લૅગ નામના આર્ટ-વર્કનો જયજયકાર થાય છે.

મેં બીજી વિચિત્ર વસ્તુ પણ જોઇ. 200 Uro-નું ટૉયલેટપેપર ! એટલે કે, ટૉયલેટ પેપર પર 200 Uro-ની નૉટ છાપેલી ! મને થાય, આ તો અતિવિચિત્ર છે ! આ પેપરનો ય સીધો સમ્બન્ધ છિ: સાથે છે. સ્વાભાવિક છે કે સૂગ થાય, ચીતરી ચડે. આપણે તો નૉટોને લક્ષ્મી ગણીને પૂજનારી પ્રજા. એક વાર એક મિત્રને ત્યાં મેં અનોખી લક્ષ્મીપૂજા જોયેલી. અનેક ભગવાનો સામે, ૧-ની ૨-ની ૫-ની ૧૦-ની ૨૦-ની ૫૦-ની અને ૧૦૦-ની એક એક નૉટને ગોઠવીને સુવાડી રાખેલી. દરેક પર કંકુનો ચાંલ્લો. પૂજકની અનુપસ્થિતિ. મૂક સુસુપ્ત પૂજા. ભગવાનો ભેગા મળીને એ નૉટોનું ધ્યાન રાખતા હશે ! પણ આ ટૉયલેટપેપરવાળી વિશે મારે શું કહેવું ? 200 Uro-ના આજની તારીખે રૂપિયા બતાવે છે, 14223 ! આટલી મોટી રકમની આવી નાલેશી ! આવી દુર્ગતિ ! આપણું સાલું મગજ વીફરે કે નહીં ?

ભરત મુનિએ ‘નાટ્યશાસ્ત્ર’-માં બીભત્સ રસ-નો પણ નિર્દેશ કર્યો છે. રસમીમાંસા કહે છે અને સાચું કહે છે કે ચીતરી ચડેલી એ ભાવ બદલાઇને રસ થઇ જતો હોય છે. પરન્તુ ઠાવકા ગુજરાતી સાહિત્યકારો બીભત્સ રસમાં નથી માનતા. આપણી નૉટો તો આમેય મૅલી-ચુંથાયેલી, પણ આ 200 Uro-વાળી તો રંગે રૂપે નરી સ્વચ્છ સુન્દર. હથેળીમાં મૂકીને રસદૃષ્ટિથી જોઇએ તો કાગળનું શિલ્પ લાગે, ટૉયલેટ યાદ આવે જ નહીં ! જો આપણે છિ:-ફ્લૅગને કલાની કૃતિ ગણતા થઇ ગયા હોઇએ, તો આને શિલ્પ ગણવામાં મગજને જોર નથી પડતું. આ, કલાનું સત્ય છે. એ સત્યની વ્યાખ્યા કરવા જાઓ તો ખાસ ફાવો નહીં. કેમકે કલામાત્ર, બસ, અનુભવવાની ચીજ છે.

ત્રીજી વિચિત્ર વસ્તુ પણ જાણી -ctaste નામની એક અનોખી રેસ્ટોરાં. એમાં પૂરું અંધારું રાખવામાં આવે છે. પૈસા ખરચીને અંધારામાં જમવાનું. એમને ખબર કે અંધારામાં ય કૉળિયો મૉંમાં જ જવાનો ! તમને ગાઇડ કરનારાંને તેમજ પીરસનારાંને પણ ‘આંધળાં’ રાખવામાં આવ્યાં હોય. સ્વાદ સંગીત સ્પર્શ અન્ધકારમાં માણવાનાં. રેસ્ટોરાંની મૅનેજમૅન્ટનું કહેવું એમ છે કે તમારી સુધબુધને અહીં તમે જુદી જ રીતે ઓળખી શકશો ને વધારે માણી શકશો. પણ ભલાભાઇ, એ માટે આટલું મોટું અને સુનિયોજિત વિધિવિધાન કરવાની શી જરૂર ! ઠીક છે. અન્ધકાર બધે સરખો હોય, જાણીએ છીએ, તો પણ આપણને ભારતીયોને તો બહુ અઘરું પડે. જોકે કદાચ, ન પણ પડે. કેમકે આપણે તો ઊંડા અંધારાના રીઢા અનુભવી. ખરું કે નહીં ? એટલે પ્રાર્થીએ પણ છીએ કે ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા’. ખૅર, છોડો ! સ્વીકારીએ કે આમાં ય કલાનુભવની પૂરી ગુંજાઇશ છે. મારે ctaste-માં જવું’તું, પણ અનુકૂળ સમય ન મળ્યો, અફસોસ !

(11 February 2017)

= = =

Facebook Auto Publish Powered By : XYZScripts.com