જાળ

હું પોતે વાર્તાકાર નથી. એમનો કથક છું. એ માલિક, હું સેવક. ક્હૅ એ કરું. એઓ પણ, જેણે માણસ નામની વાર્તા માંડી છે એ મૂળેરા વાર્તાકારના કથક નથી તો શું છે ? એઓ ય એ માલિકના સેવક તો છે ! બે દિવસ પર ક્હૅ, તું માનસીને ત્યાં જા ને એના હાલ જાણી જણાવ મને. જૅન્તી-હંસાવાળી આપણી પ્રિયાતિપ્રિય હંસાની સગી  –એ માનસી. જા, ફોન કરજે !

તે, મળસ્કાનો માનસીને ત્યાં ઘૂસ્યો છું. સેલની રિન્ગ-સ્ટાઇલને વાઇબ્રેટ –માં ફેરવી છે. અજાણ્યો જણ અજાણી યુવતીના ઘરમાં દૃશ્ય હોય એ કેમ ચાલે ? ચકલી થઇ જઉં ? ના. ચીં ચીં તો કરું જ ને ! પડછાયો ? ના, એ તો બિલકુલ નહીં ! યુવતીની કાયાને ચલિત કરી દેનારો માદક પવન બનું ? ના. તને, એ રાઇટ નથી. એના કરતાં હવા બન. તે, બન્યો. હવા તો પાતળી ચીજ. હૃદય, મન કે શરીરના કોઇપણ ભાગમાં જઇ પ્હૉંચે. ત્યારનો માનસીના ઘરમાં અદૃશ્ય હરતોફરતો છું. કોઇની જાણ બ્હાર કોઇનું અંદર-બહારનું જાણવાની કેવી મજા. સ્વામીની સેવા કરવાનો સુખદાયી તરીકો ! જોઇ રહ્યો છું કે માનસી સવાર સવારમાં જ ફોન પર અટવાઇ ગઇ છે…

રેખા ! ફોન કર્યો ! નવરી…! કેમ હમણાં ને હમણાં ? ગયા મહિને તો મળેલાં. કંઇ ખાસ…?

માનસી, આ અમેરિકામાં નવરી નવરો કોઇ નથી, સૉરી યાર, ડિસ્ટર્બ્ થઇ હોય તો. લૅન્ડલાઇન લાગ્યો નહીં એટલે તારો સેલ જોડ્યો.

એક વાત છે, માનસી હંસા જેવી રૂપાળી નથી. પાતળા પણ જરૂરી આકારની ખરી, નમણી. નજર ચૉંટેલી રહે. આવ્યો ત્યારથી જોતો’તો –એક માખી એના મગજની આસપાસ ઊડ્યા કરતી’તી. બબડતી’તી : રાકેશે પેનડ્રાઇવ કેમ મોકલ્યું ! નહીં આવે ? ના-ના, કાયમ તો આવે છે, આવશે, એવો નથી, જરૂર આવશે. પ..ણ, આમાં પાછું શુંયે હશે. પેન-ડ્રાઇવ કમ્પ્યૂટરમાં ખોસી એ સાંભળવા જતી’તી, ઢળી ગયેલા વાળ ઉલાળીને પાછળ મોકલતી’તી, ત્યાં જ રેખાનો ફોન રણકેલો –એણે મૉં મચકોડીને પણ લીધેલો.

લાગ્યો કેમ નહીં ? ચાલુ તો છે !

હા પણ ના લાગ્યો. યુ નો વ્હૉટ, એક વાત બની. મૉર્નિન્ગમાં જિમમાં ગયેલી. લૉન્ગ વીકેન્ડ છે. એક અજાણ્યા ભૈ મળ્યા, રાકેશ નામ; તે બોલ, મને આપણો રાકેશ દેખાઇ રહ્યો ! ખુશ થૈ ગઇ. ઇન્ટ્રેસ્ટિન્ગ ન ? સો આઇ કૉલ્ડ યુ…

મારા જીવની દુશ્મન સાલી ! જ્યારે ને ત્યારે રાકેશ ! કોઇ-ને-કોઇ બ્હાને ફોન ! ખાસ્સી મુસીબત થવાની, આજે રાકેશ આવવામાં છે, આવ્યો જ સમજો, તે આ લપૂડી ક્હૅવાની –સો લકી આયૅમ, હાઉ નાઇસ–  સાલીને કાપી જ નાખુંવધારામાં, પૂણેથી સાવિ આવી; બોલાવેલી સૅકન્ડ સૅટરડે પર, પણ આજે આવી ! ઠીક છે…જોકે પણ આવી ગઇ એ બી સારું થયું…

માનસીને એકલાં એકલાં બોલવાની આદત છે કે શું !

…માનુ ડીયર, રેસ્ટ ઍસ્યોર, આઇ હેવ નો ક્લેઇમ, રાકેશ હવે તારો છે. તે દિવસે તેં બધું કહ્યું, તમારા ડેટિન્ગનું ના કહ્યું. હું તો યાર, રાકેશની ડેટ ક્યારેય થઇ શકી જ નહીં…ચાન્સ જ ના મળ્યો…નેવર…

સૉરી રેખા, મારો આ સેલ દગો કરવામાં છે, ચાર્જિન્ગમાં મૂકું, લૅન્ડ-લાઇન તું ફરીથી ટ્રાય કર.

એના કરતાં બીજું કરીએ, તને સ્કાયપી  પર ફાવશે ? મને ખાસ તો એમ છે કે આજે તું રાકેશને ફોન કરી બોલાવ; બોલાવ, બોલાવ ને બોલાવ. હું જોઉં એને –અમેરિકા પછી જોયો જ ક્યાં છે ?  વાતો કરું; સ્ક્રીન પર આપણે ત્રણેય જણાં મજા કરીએ…ડન ?

ડન. બ..ટ, ઠીક છે, પ..ણ…, ઓકે. કમ્પ્યૂટર ઑન  છે; ગિવ મી વન સૅક !

ફાઇન ફાઇન…

સાવિ ડીયર, જોને, બાથરૂમ જઉં કે ફોન અટેન્ડ કરું… શું કરું…ઓ ગૉડ…બીફોર યુ ડુ ઍનીથિન્ગ, ફ્રેશ થા, આ કૉફી પી, બિસ્કીટ ખા, આરામ કર.

ઓકે ઓકે ! જસ્ટ રીલેક્સ !

આ સાવિ એની કોઇ પુરાણી બ્હૅનપણી લાગે છે. હું આવ્યો, પછી એ આવેલી –મૉર્નિન્ગ ફ્લાઇટ, સો લેટ, પૂણે નાઉ ચેન્જ્ડ અ લૉટ, વગેરે બધું બોલતી’તી.

નસીબની ફૂટલી છું, મને દેખાય છે, રસ્તાઓ મારા એવા ને એવા ઉઘાડા છે ને સામે એ જ જાળ પથરાયેલી છે…બાથરૂમ…

મેં જોયું કે એના હોઠ પરથી શબ્દો ત્રમ્ ત્રમ્ ત્રમ્ ફૂટતા દોડી ગયા. –શેની જાળ –શી વાત…

સાવિ, આ ઍમસી  બી આ મહિને વધારે ને વધારે આવતું છે…તને કહું, આ રેખાડી રાકેશની ગર્લફ્રૅન્ડ, હતી, હવે ઍક્સ  છે. અમેરિકા ગઇ તો ય છાલ નથી મેલતી ! તને ખબર છે અબાઉટ રાકેશ ? પરહેપ્સ નૉટ. નાવાડેઝ હી ઇઝ માય બૉયફ્રૅન્ડ. હરેક વીકેન્ડમાં આવે છે અહીં. આજે બી હમણાં જ આવશે. સાલી નો ક્લેઇમ નો ક્લેઇમ તો ખાલી ખાલી બોલે છે. જ્યારે ને ત્યારે ચાન્સ ના મળ્યો, ચાન્સ ના મળ્યો ! હરામડીને આજે રાકેશને જોવાનો ભસ્કો ઊપડ્યો છે, ને તે ય મારી પ્રેઝન્સમાં, મારા સ્ક્રીન પર…શું કરું…

જલ્દી પતાવી દેને રાકેશ આવી રહૅ એ પ્હૅલાં. ભૂંસી કાઢ રાકેશને એના મગજમાંથી ! ના ચાલે ! નો વે ! : સળગાવું સાલીને અમારા ડેટિન્ગની વાતો કરીને…હા જોકે પણ…મારા ડેટિન્ગમાં ડેટ સિવાયનું શું બળ્યું’તું…ફર્સ્ટ ઑફૉલ, બાથરૂમ : તારી તબિયત સારી નથી…યુ લૂક સો વીક…તો પણ કોઇપણ રીતે, સળગાવ એને, જસ્ટ ફાયર અપ !

વન મૉર સૅક  પછી સ્કાયપી  પર બન્ને બ્હૅનપણીઓ વાતોએ વળગી છે. ધ્યાનથી સાંભળું :

આયૅમ ઓકે; વાતમાં કાંઇ માલ નથી બચ્યો રેખા; રાકેશ જોડે હું ગૂંચવૈ ગઇ છું. મરવાનું મન થાય છે. ઍનીવેઝ, સાંભળ.

બોલ, નિરાંતે વાત કર, આજે અમારે ફુલ્લ-નાઇટ કૉમ્યુન છે. જસ્ટ નાઉ, ઍમ્પલ ટાઇમ.

તું ગંદી, તારું કૉમ્યુન ગંદું ! તારા ગયા પછી હું ને રાકેશ થોડા મહિના માટે ફંટાઇ ગયેલાં. સૉર્ટ ઓવ્ અ બ્રેક-અપ. એનું ક્હૅવું એમ હતું કે એને મારી જોડે, નથી મજા પડતી. ક્હૅ –ક્યારેક ફોન કરીશ, કોઇ વાર મળી લેશું, બાકી તું તારી ઑર્બિટમાં, હું મારીમાં –બાઆય. ને મેં પણ એને બાય  કરી દીધેલું.

વાત બરાબર, પણ તેં ભૂલ કરી ક્હૅવાય. ડેટ્સ શરૂ કરી દીધી હોય તો તારાથી કે એનાથી છટકાય નહીં, ફિટ થઇ જવાય, ચસ્કાય જ નહીં ! ટૅસ પડી ગયો હોય…કે નહીં…?…શું ક્હૅ છે…?

કાયમથી ક્હૅતી એ ત્યારે પણ કહેલું : રાકેશ, આઇ લવ યુ સો મચ, પણ તારે–  એ તરત બોલેલો, હા મારે મારા આ ચસ્કેલ દિમાગને સંભાળવાની જરૂર છે, ખરું ? મેં કહેલું, અફકોર્સ ખરું. એ ક્હૅ, ઓકે, પ્રૉમિસ. પણ પછી ક્હૅ, તો પછી, ચલ, આપી દે, જે તેં હજીલગી નથી આપ્યું ! : રેખા, મેં એને ત્યારે પણ નહીં આપેલું, જે એ કાયમથી માગતો હોય છે—

તેં માનસી, સારું ના કર્યું, એવે વખતે હા પાડીને આપી દેવાનું હોય. હું તો આપી દઉં. ભોગવવા દેવાથી રીલેશનનો કલર બદલાઇ જાય. સમજે છે કે નહીં ?

…. … …

કેમ, ચૂપ કેમ ?

બસ, એમ જ ! બનેલું એવું કે મને પાર્ટ વન-નો નિમેષ મળી ગયેલો. નિમેષ ક્હૅ, એ તો સાયકિક છે, શેને યુ વેસ્ટ યૉર ટાઇમ. પણ નિમેષે છેલ્લે મને ના  પાડી દીધી. ક્હૅ, બધું બરાબર માનસી, બટ કાસ્ટ પ્રૉબ્લેમ, અમે વૈષ્ણવ છીએ, માય મૉમ બહુ ચુસ્ત છે. રાકેશને શેફાલી મળી ગયેલી, ખુશ હતો, મને ફોનમાં ક્હૅ –માનસી, શેફુને મળ, આવ સાંજે ક્રૉસવર્ડ, એટલી તો ફની છે, વન્ડરફુલ. હું મળી. પછી શેફુ રાકેશને છોડી ગઇ. ફોનમાં રાકેશ ક્હૅ, સાલી ફ્લર્ટ કરતી’તી, ક્હૅતી’તી –મને તારી જોડે ફાવે છે, યુ આર્ ઇન્ટરેસ્ટિન્ગ, ફ્રૅન્ડશિપ કન્ટિન્યુ કરીશ, પણ માય ફાધર, ગુસ્સૈલ છે, ક્લાસ-પ્રૉબ્લેમ, બિગ શૉટ ગણાય છેને એટલે…એટલે રેખા, રાકેશ પછી મને લાડથી ક્હૅ, આપણું ડાર્લિન્ગ, બ્રેક-અપ તો હતું જ નહીં, તો આજથી આપણું પૅચ-અપ પાક્કું –લૅટઅસ સ્ટાર્ટ ડેટિન્ગ…ગુસ્સો બહુ હતો તો ય મારાથી બોલાઇ ગયેલું, ભલે…પ્લીઝ રેખા, વેઇટ, આઇ’લ્બી રાઇટ બૅક, પૂણેથી મારી એક ઓલ્ડ ફ્રૅન્ડ આવી છે –બાળસખિ, સાવિ.

ઓકે ઓકે ! આઇ વુડ ડુ સમ્થિન્ગ એલ્સ ! પણ તેં ફોન કર્યો કે નહીં, રાકેશને ?

ના. એટલા માટે કે એ આવી રહ્યો છે, આજે જ, અત્યારે જ, રસ્તામાં હશે—

રીયલિઇઇ ! ઓ માય ગૉડ ! કેટલી બધી લકી છું ! ઓ ગૉડ ! કેટલો સારો દિવસ !

સારો તો ખરો જ –બોલતી માનસી બાથરૂમ તરફ જવા જાય છે, પણ, પછી જઇશ –જેવા વિચારથી ના ગઇ, એમ લાગે છે.

સાવિ, સૉરી યાર, ફ્લાઇટ કેમ રહી ? : જવા દેને, અતિથિ દેવો ભવ-ના દેશમાં પાણી પણ માગીએ પછી આપે છે ! : ખબર છે મને, ઍડમાં અવર ગેસ્ટ અવર ગેસ્ટ  કરે છે !

નાલાયક બિટ્ટુડા, હરામી પોપટા ! બોલ ! સીતારામ બોલ; બોઓલ; બોલે છે કે નૈં…? કેટલી વાર કહ્યું…મારું લાકડી…?…

અધૂરામાં પૂરું સાવિ, કાલથી પાછી આ અન્સૂમાડી રમણે ચડી છે. એ બી મારા જીવની દુશ્મન છે. વારે વારે સતાવે છે બહુ મારા પોપટને…તને ખબર ? માસી થાય. પરણી નથી. છપ્પનની થઇ. કંટાળે. લાકડીને ટેકે ફરતી ફરે. ક્હૅતી હોય છે, દુનિયામાં નૈ પણ ઘરમાં તો મ્હાલું કે નૈ. પણ થાકે બચારી. એટલે પાછી પથારીમાં ને પથારીમાં. પડી રહૅ છે…શું કરું ?…સવાર સવારમાં નરી સંકડામણ થઇ ગઇ…જોકે પ્હૅલાં એને ટાઢી પાડું. કેમકે બિચારો મારો બિટ્ટુ…

માડી ! આને તમે કેટલી વાર કહ્યું, પણ નથી બોલતો; તો છોડોને ! સમજો કે એને તમારી જોડે મજા નથી ! ને જોયું નૈ તમે, પૂણેથી સાવિ આવી છે…અમેરિકા મારે વાત ચાલે છે…જપી જાવને જરા ! જપી જાવ. રૂમ તમારો ઠાલો વાહુ છું.

શેની વાત…  –એમ બબડતાં માડી પડખું બદલી લે છે.

તને કહું સાવિ, રેખાડી લુચ્ચીને કોઇની બી જોડે મૅરેજ કરવાં જ ન્હૉતાં. લૉન્ગ આઇલૅન્ડ રહૅ છે, અત્યારે જૉયઇની ગર્લફ્રૅન્ડ છે. જૉયઇ તે જયદીપ. જયદીપે રાખી છે પોતાને ત્યાં; અમેરિકન બૉયફ્રૅન્ડ બી કરી આપ્યો છે; વિક્ટર. તો ય સૅલ્ફિશ એને ઍબિસીડી  ક્હૅ છે  —અમેરિકા બૉર્ન કન્ફ્યુઝ્ડ દેસી. જૉયઇની એક બીજી ગર્લફ્રૅન્ડ બી છે, લિન્ડા. ચારે જણાં સાથે રહૅ છે. શેનો કન્ફ્યુઝ્ડ ?  કોઇ નિક-મારિયા, કોઇ સ્ટિફન-બેલા, વગેરે પણ આવતાં-જતાં છે. તે દિ રેખાડી ક્હૅ, આ અમારું કૉમ્યુન છે, તને અમારી ઍન્જોઇન્ગ સ્ટાઇલ ડીસ્ક્રાઇબ કરું. સ્ટાઇલ સાંભળીને મને ઉબકો આવેલો. ગંદાં સાલાં ! એમનાંથી તો ભાદરવાનાં કૂતરાં ય હારાં ! અત્યારે રાત દિવસનો ફરક છે…કાયમનો ફરક…

અરે પણ કેટલા નૅપ્કિન વાપરું…બાથરૂમ…વારંવારનો બાથરૂમ મને હાલ દૂર-નો-દૂર કેમ લાગે છે…રસ્તાઓમાં મારા આટઆટલાં અટવામણ કેમ છે…

પણ હું જોઉં છું કે માનસી બાથરૂમ ભણી ન જતાં, ખંચકાઇને, બારણેથી, –જુઓ માડી, રાકેશ આજે તમારે માટે નેઇલ પૉલિશ લાવવાનો છે, યાદ છેને, હમણાં જ આવે છે, આજે તમે એની જોડે પેટ ભરીને વાતો કરજો –એમ બોલતી-બોલતી કમ્પ્યૂટર પાસે પ્હૉંચી ગઇ ને હું જોઉં છું કે કમ્પ્યૂટરમાં જોઇ રહી છે. હા, એમ જ…પણ જોકે પાછી ફરી. રેખા કદાચ ઍપીયર નહીં થઇ હોય.

પણ સાવિ, તને ખબર નથી, માડી અન્સૂયા નસીબદાર કેવી, તારા-મારા જેવી નહીં, અરે એવી, કે સોળમા વરસે જ પ્રેમ થયેલો ! ગ્રેટ ન ? પણ મનહરનાં માબાપ જક્કી તે ના-ની હા નહીં થયેલી. પણ આને તો એ દા’ડાથી વ્રત લીધું –કોઇ કરતાં કોઇને પૈણું જ નહીં, આજીવન કુંવારી રહીશ ! તે કુંવારી છે ! કુંવારી વાંઢી, બોલ !

આપણા જમાનામાં તો કુંવારી કોઇ બચી છે જ કાં…વાંઢી ય તે શું વળી…

ઓકે, તો પછી, તું રહી જ જાય છે –વિથ મી– સાવિ…સ્ટે ટુ ગેધર…ફૉર એવર…બરાબર…?

ઓય્યા ! આ’હૅવ ડીસાઇડેડ. તારો વિચાઆર…શું…બદલાયો છે…?

નો-નો, નૉટ ઍટૉલ ! ઇફ યુ લાઇક, ઇટ્સ ફાઇન !

કમ્પૂટર પર આન્સર-ની રિન્ગ થઇ, એટલે માનસી પાછી ગઇ : અરે યાર રેખા, આવું છું, સ્ટિલ ગિવ મી વન મૉર સૅક કહૅતી માનસી ઝડપમાં એનાથી છૂટી થઇ. એ મને સમજાયું નહીં. પણ હું જોઉં છું કે કમ્પ્યૂટરમાંથી પેનડ્રાઇવ છૂટું કરી ઝટપટ સામેના લૅપ્ટૉપની સિસ્ટમમાં ખોસી જાણવા કરે છે કે એમાં છે શું. મને કોઇ ચતુર ચોર લાગી. રાકેશનો અવાજ. કાન નજીક લઇ ગઇ છે. હું પણ સતેજ થઇ ગયો છું, કાન બરાબ્બર જોડ્યા છે –મને પણ સંભળાય :

ધિસ ચાન્સ ઇઝ લાસ્ટ ચાન્સ હની, ટુ-નાઇટ, યસ ઑર નો : મારી તો ક્યાં ના છે –બોલતી માનસી સ્ટૉપ  દબાવતી કમ્પ્યૂટર ભણી પાછી ફરે છે…બબડતી બબડતી, કે —પણ તું માગે છે એ તો નહીં જ નહીંટુનાઇટ-ફુનાઇટ કશું નહીં…જે થાય એ મૅરેજ પછી : ભરોસો શું –બોલતી ઝટપટ ખસીને પાછી બાથરૂમ ભણી જાય છે.

એ મારા માલિક ને હું એમનો સેવક. એમને લીધે મને પણ ઝીણું વિચારવાની આદત પડી ગઇ છે. એમને લીધે ખાસ તો મારી કલ્પના સુધરી ગઇ છે. હા, રાકેશ જ છે, દેખાય છે, ગ્રે બુશ્શર્ટમાં. એનું કાંડું દેખાયું. એ પર ટૅટૂ હતું. ટૅટૂ ઍન્લાર્જ થયું. રિહ્નોનું એકશિંગ કપાળ. ખુરશીમાં બેઠો છે. કૉણી ટેબલ પર ગોઠવીને દાઢીને ટેકો કરેલો છે. પગોને નચવે છે. અવાજથી રાકેશ જ છે, મને વિચાર આવે છે કે, પેનડ્રાઇવમાં આગળ શું ભર્યું હશે. સંભળાય છે. છતાં મને એમ પણ થાય છે કે કોઇ બીજો બોલે છે, કે કોઇ બીજાથી યે બીજો…એક્કી શ્વાસે…માનસી, તેં મને મારો દિમાગ સંભાળવા કહેલું એટલે મેં ટ્રાય શરૂ કરી દીધો, તો જણાયું કે મારા દિમાગને તળિયું જ નથી, ગૂમ છે, ત્યાં હવે કશું જ સંઘરાતું નથી, એકની પાછળ બીજું કૂદી કૂદીને બહાર આવે છે…હેઅય ! તું ઝીલી લેને ! નાઉ લૅટઅસ સ્ટાર્ટ રીયલ લવ-લાઇફ…મને બહુ મન છે તારા બૉડિનું, માનુ…ચલને યાર…

મારું ધ્યાન તૂટ્યું કેમકે બાથરૂમથી પાછી આવીને માનસી કમ્પ્યૂટર પર ના આવી. સાવિ જોડેની વાતને આગળ ચલાવતી છે :

હવે એને ઘૂંટણની તકલીફ થઇ છે. જ્યારે ને ત્યારે બેઠી બેઠી નોટબુકના કાગળ પર રામ રામ લખે છે. પણ એકાએક મનમાં શુંયે થાય, તરત બારી બ્હાર છત નીચેના પિન્જરમાં બિટ્ટુને, બોલ, સીતારામ બોલ, હરામડા, બોલ –કરતી તાડૂકવા લાગે. જોકે આ ઉમ્મરેય એના શૉખ તો જો સાવિ, વાળ ઘાસિયા થઇ ગયા છે તો ય વૅણી જોઇએ, મોગરાની જ જોઇએ. રાકેશને રામ રામ-વાળા કાગળ આપે, ને ક્હૅ, હનુમાનદાદાની બરાબ્બર છાતીએ ચૉંટાડજે. એ એને બહુ સાચવે છે. માગે તે લાવી દે છે. આજે નેઇલ-પૉલિશ લાવવાનો છે, સ્કિન કલરની…આંગળાં સુકાયેલાં થઇ ગયાં છે, તો ય ! બોલ ! બાકી, બિટ્ટુને તો શું ? બોલવું હોય તો બોલે. પણ એટલે પછી, એવિયા વધારે ખિજાય…સાવિ, હું પેલીને પતાવું, યુ પ્લીઝ, થોડો આરામ કર મારા બેડમાં, ન્હાઇ લે, અટેચ્ડ બાથરૂમ છે, એસી કરજે.

મારા માલિકને આવે કે કેમ –નથી ખબર– પણ મને કલ્પના આવે છે કે આ રાકેશ એક લેભાગુ જેવો માણસ છે. જોકે ચૉંટ્યો રહ્યો છે એટલે બને કે એવો ન પણ હોય. ઘરમાં આવતો થયો હશે એ અન્સૂમાડીને ગમ્યું હશે. પ્હૅલેથી કહ્યા કરતી હશે –ઘરમાં કોઇ પુરુષ જોયે પુરુષ ! એનાં પાછલાં વર્ષોની વાતોથી રાકેશને બોર કરતી હશે. કદાચ રાકેશ પોતાનાં ચાલુ વર્ષોની વાતોથી એને બોર કરતો હશે. માનસી બન્નેને સાંભળતી વખતે પોતાને સાંભળતી હશે પણ પછી બિટ્ટુ જોડે લવલવારા કરતી હશે. મોગરાની વૅણી પરથી લાગે છે કે માડીના ભલે છે અધૂરા ઑરતા, પણ છે મૉજીલી. એને જૂના જમાનાનું અત્તર બહુ ગમતું હશે. મનહરે પ્હૅલા પ્યારની નિશાની રૂપે આપ્યું હશે. રાકેશને પૂછતી હશે –ક્હૅ તો શેનું છે : ખસનું : ખુશ થઇને ક્હૅતી હશે, એક દા’ડો મને તું નવરાવને આનાથી ! પણ ત્યારે રાકેશનું સ્મિત સ્થિર થઇ જતું હશે. ડોશી વાતની મજા લેતી-લેતી રૂમની ફ્લોરિન્ગ જોયા કરતી હશે. ત્યારે બિટ્ટુને શાન્તિ હશે એટલે ચાંચથી પાંખો સાફ કરતો હશે. જોકે…સાવિ…સાવિ અહીં રહૅવા આવી…તે કેમ…? નથી સમજાતું…હું અટકું કેમકે માનસી, સંભળાય છે કે પોતાની મૂળ વાત કરવા લાગી છે :

રેખા, પ્હૅલી વારનું ડેટિન્ગ, ખાલી પાવાગઢ. શિખરે પ્હૉંચેલાં. ત્યાં ગુલમૉરના ઝાડ પર બે વાંદરાં બાથંબાથી કરતાં’તાં. જોઇને રાકેશ એટલો બધો ગૅલમાં આવી ગયેલો, ક્રેઝી, કે મને ઢીંકો પર ઢીંકો મારવા લાગેલો. કોઇ કોઇ ઢીંક તો મને સાચી હોય એવી વાગી’તી. મારાથી ખિજાઇ જવાયેલું –યુયુયૂ…! એણે એવું મૉં બગાડેલું –વાત જ ના કરીશ. હું ડિસ્ટર્બ્ડ્ થઇ ગયેલી.

હું તો ના થઉં. સો મચા મૅન-થિન્ગ ! એનું એવું મૉં પકડીને કિસી પર કિસી કરવા માંડું. મારો એ ચસ્કો તો જ રહી ગયો યાર.

ચૂપ મર હરામડી ! તારી એ રીત તું જાણે રેખા, આગળ સાંભળ.

બીજી વાર, કશ્મીર ગયેલાં, પહેલગાંવ. વાદળછાયા દિવસમાં ભૂરી પ્હાડી નીચે હારમાં શંકુદ્રુમ ઊભેલાં. એકની નીચે ત્રણ કશ્મીરી બાઇઓ વાતોએ વળગી’તી. એકે એનાં બન્ને થાને એક એક બાળકને વળગાડ્યું’તું. ધવરાવતી’તી. પપૈયા જેવડાં મોટાં ખુલ્લાં ભરાવદાર ગુલાબી થાન–

હાઉ વન્ડરફુલ !

બન્ને બચ્ચાં બચ બચ ધાવે ને બાઇ તો બસ પેલી બે જોડે વાતોમાં ગુલતાન. મૉંમાં પાન હશે. દબાવીને બોલતી’તી, ને પછી પિચકારી મારીને થૂંકેલી. મારાથી મારી છાતી સામું જોવાઇ ગયેલું –ટૉપ જે પ્હૅરેલું, એ પર, જે પર, ડાન્સિન્ગ માઇકલ જૅક્સન હતો.

ઇન્ટ્રેસ્ટિન્ગ !

મને બાઇની ઇર્ષા થઇ આવેલી, રેખા. મેં રાકેશને કહેલું, ડાર્લિન્ગ, જો તો, ત્યાં, ત્યાં જો તો. એણે જોયેલું પણ પછી ખિજવાઇ ગયેલો –મૂંગો મૂંગો પ્હાડી ચડતો’તો. મને યાદ છે, એ પણ થૂંકેલો, ક્હૅ, આઇ કાન્ટ શૅઅર સચ વલ્ગર થિન્ગ્સ—

માનસી વેઇટ ! લૂક, ધિસિઝ મનોજ. અને, અવર ફ્રૅન્ડ્ઝ, નિક-મારિયા. સ્ટિફન-બેલા. ઍન્ડ ધિસ ઍમિલી, ધિસ વિલિયમ –ન્યૂ વન્સ, ફ્રૉમ ઍલે. યુ પીપલ, પ્લીઝ કમ ક્લોઝર..

મને થયું, માલિકને કહું કે મેં જોયું –માનસીએ હાય નાઇસ ટુ સી યુ કહ્યું. કહું કે મેં જોયો મનોજને બોલતો કે ટુનાઇટ અમારી પાર્ટી છે, ટૂ બિઝી; માનસી, રેખા, બોથ ઓવ્ યુ પ્લીઝ કન્ટિન્યુ. કહું માલિકને કે મેં જોયું, પેલાંઓને બન્ને હાથની બાથમાં એ અંદર લઇ ગયો; માલિક, મને લાગે છે, દરમ્યાન રેખાએ ફટોફટ બધી લાઇટો કરી દીધી છે, કેમકે માનસી બોલી રહી છે :

તારે તો રાત પડી, ખરું ? : હાસ્તો, ઇન્ડિયા જેવું થોડું છે : ઓકે. ત્રીજી વાર અમે કાઝિરંગા ગયેલાં…રેખા, વેઇટ—

માનસી ચોરની જેમ જ પેનડ્રાઇવને છૂટું કરવા કરે છે, પણ થતું નથી. બાથરૂમ જવા વિચારતી હોય એવી દેખાય છે, પણ જતી નથી. કચવાઇને પાછી ફરે છે.

હા, હું શું ક્હૅતી’તી, હા, ત્રીજી વાર અમે કાઝિરંગા ગયેલાં. ત્યાં રેખા, યુનિકૉર્ન રિહ્નો –એકશિંગ ગૅંડો. એને બહુ ગમી ગયેલો તે મને બતાડ બતાડ કરે : જો તો, જો તો માનુ, પેલા ગૅંડાનો ગ્રે-વ્હાઇટ કલર કેટલો સાફ છે, રાખોડિયો –? : મેં માથું બે વાર ઉપર-નીચે કરીને હા  પાડેલી. તે રાત્રે ક્હૅ, ગ્રે કલર પ્હૅલેથી મને ગમે બહુ. પૂછે, તને ખબર છે, આ યુનિકૉર્ન શેને માટે પ્રખ્યાત છે…?…મેં માથું હલાવી ના  કહેલી. તો એ મને મારા કાનમાં હસી-હસીને કંઇક ઝટપટ ઝટપટ બોલી ગયેલો. મેં કહેલું, સમજાતું નથી, ચોખ્ખું બોલ. જવાબમાં, હું રિહ્નો છું રિહ્નો –બોલતો મારા બન્ને પગ વચ્ચે આવેશથી માથું ખોસી રહેલો ને એમ-ને-એમ મને અધ્ધર ઊંચકી લીધેલી. પછી ઠેકઠેકાણે બુચકારાભરી બચ્ચીઓ ભરતો મારા શરીર જોડે જાતભાતની વાતોએ વળગેલો !

ધિસિઝ નૉટ સો ડિફરન્ટ, છતાં કંઇક જુદું છે. આઇ ઍન્વી યુ બેબી, બહુ મજા પડી હશે.

હાઆ. છોડ. મજા તો પડેલી યાર. પણ–

ઍન્ડ ઇફ હી સેઇડ કે પોતે રિહ્નો છે…

હા પણ…

તું છે જ એવી ચીકણી ! તને નથી ખબર, વ્હૉટ હી મૅન્ટ કૉલિન્ગ હિમસેલ્ફ રિહ્નો. આગળ બોલ. માનસી, હું ભૂલી જઉં એ પ્હૅલાં પૂછી લઉં, પેલાં માસી, તારાં અન્સૂમાડી, છે કે…આઇ મીન, ડોસીની તબિયત કેમ છે ?

છે બાપા છે ! વૅરી મચ છે ! કાં હું મરું કાં એ…

રાકેશનો વાંધો નહીં લેતાં હોય—

જોયું ? રાકેશ માટે આ બિલાડી ક્યાં ક્યાં મૉઢાં મારે છે… ના, નથી લેતાં.

એટલાંમાં સાવિ આવી લાગી –ન્હાયલી-ધોયલી. છુટ્ટા વાળની મને સુગન્ધ આવે છે, સરસ દેખાય છે. માનસીને પાછળથી કોટે વળગે છે. ગાલથી ગાલ અડાડીને વ્હાલ કરે છે –જોકે પણ એવું કેમ…?…

આ છે સાવિ ? : હા. અમે પ્રાઇમરીમાં સાથે હતાં : નાઇસ ટુ મીટ યુ ! : સાવિએ સ્મિત સાથે ડોક જરાક જ હલાવી.

સાવિ, યુ ઑલ્સો મને લિસન કર, વાંધો નહીં, બેસ અહીં ! : ભલે : અણગમાને છુપાવવા હર વખતની જેમ ત્યારે પણ થોડા મલકાટથી મને તાકીને જોતો’તો, ને પછી, ઓકે ધૅન, લૅટ મી ફેસ ધ સેમ ગિલ્ટ –બોલેલો ને એ જ જાતના ત્યારે પણ ઝડપી આંટા મારવા લાગેલો. તને કહું રેખા, મને હજ્જી ખબર નથી પડતી કે એ કયા ગિલ્ટની શી વાત કરતો’તો…

બને કે તારા માઇન્ડ ને બૉડી જોડે ત્રણ ડેટિન્ગ દરમ્યાન એણે જે અને જેટલું કંઇ કર્યું તેનું એને ગિલ્ટ થયું હોય ને સતાવતું હોય ! પૉસિબલ છે !

પણ ઍક્ચ્યુઅલિ, એવું તો કંઇ કર્યું નથી, આઇ મીન, મેં જ નથી થવા દીધું—

હા પણ એટલે જ એને થાય કે–

ને તું ક્હૅ છે એમ ભોગવવા દીધું હોત તો ? ગિલ્ટ વધત કે ઘટત ?

બેટા માન્સુઉઉ, નીચે જો, નીચેએ ! સું ચાલે છે તાંઆં ? : માડીની એકાએકની બૂમ. હું પણ ચૉંકી ગયેલો : સું કરે છે કા’રનીઇ…?

તું બેસ, હું જઉં છું  એવો ભાવ લાવીને સાવિ ઊઠી અને માડી પાસે પ્હૉંચી ગઇ.

માજી, મને ક્હૉ, શું કરવું છે ? માનસીની વાત પતી નથી…

દીકરાઆ, મારે એ જાનવું છે કે નીચે સું ચાલે છે. કા’રનાં કસાં ભજન હંભરાય છે…

સાવિ બાલ્કનીમાંથી નીચે જોતાં બોલે છે, કાંઇ નથી, કોઇનું બેસણું છે.

કોનું ? : મને નથી ખબર.

હું જોઉં છું કે સાવિને તાકી રહેલી માડીને અને માડીને તાકી રહેલી સાવિને કશું સમજાતું નથી. મને પણ નથી સમજાતું કે શેનું શું…

ના, ગિલ્ટ એથી વધે ના. ક્લૅરિટી આવી જાય રીલેશનમાં. એમ કે બધું કરાય છે, તો ભલે એ પણ કરાય. તને કહું, બીફોર આઇ બ્રોક વિથ સોહન, સંગીતાનો ઍક્સ-બૉયફ્રૅન્ડ, આઇ મેડ ધ સેમ મિસ્ટેક. બીકોઝ ઑફ ધૅટ, મારું ને સોહનનું બ્રેક-અપ થયું. લૅટ મી ટૅલ યુ, બૉડિ બૉડિ છે, લવ લવ છે. તારા બૉડિ માટે, બને કે એણે ગિલ્ટનું બ્હાનું બનાવ્યું હોય –મે બી. ને કહું તને, બૉડિ સૉંપી દેવાથી કશું બગડી નથી જતું ! ઍન્ડ હુ બ્લડી કૅર્સ ફૉર લવ…? જેવુંતેવું તો જેવુંતેવું, જીવી લેવાનું યાયાર…જીવનમાં કાયમ માટે રીલૅક્સ થઇ જવાય…તું બૉઘી છું…

મેં એને શરૂમાં જ કહેલું –ડેટિન્ગ શું કરવા ? ખાલીપીલી ખરચો કરવાનો ! તું ઘરે તો આવે-જાય છે. કાં કશી તકલીફ છે. એ વિદેશી રીતની જરૂર શી. તો બગડીને બોલેલો, વ્હૉટેવર યાયાર, બોર ના કર. બન્ને હથેળીઓથી મારા ચ્હૅરાને થપાટતાં ક્હૅ, તને નહીં સમજાય બેબી, મને રીયલમાં શું જોઇએ છે ! ડૉન્ટ ટૉક દેસી !

તને કહું, ઍક્ચ્યુઅલિ માનસી, હું ઇન્ડિયા હતી ત્યારની બહુ અગાઉની વાત છે. એક વાર એની આંખો આવેલી. મેં એને માઇસિડેક્સ નામની દવા લાવી આપેલી. મને ક્હૅ, તું જ નાખી આપ. પણ ત્યારેય સાલાએ ખૅંચીને મને એવી ભીંસી દીધેલી, બોલેલો –મને ક્યાં કશું દેખાય છે ! થૅન્ક્સ માઇસિડેક્સ ! મને બહુ ગમેલું. મેં કહેલું, નથી દેખાતું, તો ચલને…એ બોલેલો, નો, નૉટ ટુડે…પ..ણ, ઓ ગોડ, બીજો ટુડે  કદ્દી આવ્યો જ નહીંને…

આ હવે કાયમની જેમ ચાલુ પડી ગઇ…બાય ધ વે રેખા, થોડી તારી વાત તો કર. જોયઇને પરણીને ઘર માંડવાની કે—

કહું છું પછી. રાકેશને આવવા દે : તું સ્વાર્થણ, એની જ રાહ જુએ છે ! : અફકોર્સ !

અન્સૂમાડી એકદમ ચીડાઇને બરાડવા લાગી –એમ ચાલે કૈં, જાનવું જોયેને, કોન મર્યું ! કોન મર્યું એ ય ના જાનોઓ ! જાઆ !

સારું –ક્હૅતી સાવિ પડોશમાં ગઇ ઝટ પાછી પણ ફરી ને માડીને ક્હૅવા પણ લાગી : એ તો પરસોતમકાકા, ગયા, છ મહિનાથી માંદા હતા : એમ ! પસો ગયો ? તો તો મને લઇ જા નીચે ! : હા પણ તમારથી ના જવાય : કેમ ? : તમે ય કાં હાજાં છો ! : એ પણ ખરું : પ્રાર્થના કરો એમને માટે : હાઅઅ…પ..ણ સુંઉંઉં…? : રામરામ, સીતારામ, રાધેરાધે, કે કૈં પણ…

ત્યાં ડોરબેલ વાગ્યો. મને થયું, રાકેશ. હું પણ એ હીરોને જોવા આતુર હતો. સાવિ ગઇ. માનસીને ખ્યાલ આવી ગયો પણ રેખા બોલી નહીં. બન્નેને ખબર કે બન્ને રાકેશની રાહ જોઇ રહી છે. જોકે મેં જોયું કે પોતે બોલી નથી એ બાબત ધ્યાનમાં આવતાં બન્ને તરત જ હસી પડી છે.

આવી ગયો !

ઓ ગૉડ ! ગ્રેટ ગૉડ ! થૅન્ક્સ !

હા પણ લુચ્ચી તને પૂછશે તારું, શું કહીશ ?  –એમ બબડતાં માનસી મોટેથી બોલી –તને પૂછશે તારું, શું કહીશ ?

કહીશ, અમે હજી પરણ્યાં નથી, ચાલે છે. સાથે રહીએ છીએ, ચાલે છે. એ ફ્રી, હું  ફ્રી. બસ ફ્રી રહૅવું. ઍક્સ ગર્લફ્રૅન્ડોને મદદો કરવી. બૉયફ્રૅન્ડો શોધી આપવા. વ્હૉટ એલ્સ !

પછી ?

કહીશ, જોઇય મને સમજે છે, પણ રાકેશ, તારા જેવું નૈં. મારો માઇન્ડરીડર છે, પણ તારા જેવો નૈં. અમે બધાં ફ્રી, પણ, ઇન ઇસેન્સ, ઠીક છે બધું. એક વાત છે રાકેશ, આઇ મિસ્સ્યુ. લૉટ. કાન્ટ ફર્ગેટ. આઇ સ્ટિલ લવ યુ–

માનસી એકાએક બાથરૂમ તરફ દોડી ગઇ. શી ખબર. જોરથી બોલી– મારે બ્હાર આવવું જ નથી ! ઓ મારા રસ્તાઓ ! ઓ ભગવાન !  શી ખબર. બાથરૂમનું બારણું ધડામ્ બંધ થયું.

પણ એટલે, જે બ્હાર હતાં એ બધાં કશે નાસી જવાનું હોય એમ ઘાંઘાં થઇ ઊઠ્યાં. માનસીના એ જોરુકા બોલને કારણે કે કોઇપણ કારણે દોડાદોડી મચી ગઇ ને એ બધાંનાં બોલ એકસામટા ઊઠ્યા. ઊંચા ઊંચા ફુવારા. પણ એકાએક એકમેકથી અથડાતા પડતા અટવાતા-અમળાતા એકબીજામાં ભળતા થઇ વ્હૅતા થયા. ઝીણાં ઝીણાં ઝરણાંનો જાણે કે ગૂંચવાડો : રાકેશ જણાયો –બાથરૂમ તરફ જતી સાવિને ઓળખતો ન્હૉતો છતાં એને મીઠાશથી જોઇ રહૅતો જણાયો. માનસી, ક્યાં છે તું, મારા પેનડ્રાઇવનો જવાબ લાવ. રેખા કમ્પ્યૂટર પર રાહ જોતી દેખાઇ. કશું કશે જુદું નથી હોતું. સ્ક્રીનના પાછલા ભાગમાં કૉમ્યુન-વાળાંનાં શરીર જાણીતી હિલચાલમાં શરૂ થયાં દેખાયાં. જે હોય છે એ જ હોય છે. કોણ બોલ્યું ? તું પૉલિશ લાવ્યો પણ વૅણી ક્યાં ? આજે ક્યાં લાવવાની’તી ? અન્સૂમાડી ઊભી થઇને લાકડી પછાડતી, તરત, રાકેશ સામે ઉગામીને ખડી થઇ ગઇ. સાલાં લુચ્ચાં, વંઠેલ. માડીએ દોડી જઇને બિટ્ટુના પાંજરાને લાકડીથી ઉલાળી નીચે પાડ્યું. હરામી ! તને ય મારી કશી દરકાર નથી. લાકડીનો છેડો ઘોચી ઘોચી બિટ્ટુને કચડી કાઢ્યો. કારમી ચિચિયારી થઇ. રાકેશ, મારે ઇન્ડિયા પાછા આવવું છે, મારે તને મારો કરી લેવો છે, જીવનભરને માટે, તું હા બોલ, હું પાછી આવું. રાકેશનો ચ્હૅરો પૂતળા જેવો અબુધ દેખાયો જાણે એને સમજાયું નહીં કે કોણ બોલે છે, ક્યાંથી બોલે છે. મારા નખ આજે તું રંગી દે. મારી કને બેસ. મને નીચે લઇ જા. પરસોતમ તારો મરી ગયો. હા પણ આ સાવિ અહીં શું કરવા આવી છે ?  બિટ્ટુ પણ મરી ગયો ! ઓ બાપરે, ઓ રામ, મેં પાપ કર્યું !  પણ માનસી સુખી થશે ? પણ ના, એ પ્હૅલાં તું માન્સુને પૈની જા. આ તો નેઇલ-પૉલિશની વાસ. રાકેશભાઇ, બ્લીડિન્ગ બહુ છે, હું હૅલ્પમાં છું.  કેટલી તીવ્ર વાસ. આખા ઘરમાં પ્રસરતી જોવાઇ. બ્હાર આવને દીકરી ! કોઇ બ્હાર કાઢોને એને બચારીને !

એ જ વખતે મને નાકમાં ગલીપચી થવા લાગી, છીંક આવવાની, પણ, મેં હથેળીથી બરાબ્બરની દબાવીને અંદર પાછી મોકલી દીધી.

ભઇલા, મને એ ક્હૅ કે મને મરેલાં આટલાં કેમ હાંભરે. હું ક્યારે મરવાની, ક્હૅને મને. એને કોઇને પરણવું જ નથી. ના, ના પૈન્તો. પછી મારું કોન. એને બોલાવ. કાં છે. સ્ક્રીનમાં દૂર પાછળ કૉમ્યુન ઝાંખું થઇ ગયું દેખાવા લાગ્યું. ક્હૅને એને.  રેખા કશું જ સમજતી ના હોય એવી લાગી. રાકેશ ક્યાં છે તું ? સ્ક્રીન પર આવને.  ઊંચી ડોકે રાહ જોતી ઠરી ગઇ દેખાઇ. મરેલો બિટ્ટુ ઉઘાડી આંખે બધાંને જોતો હોય એવો જીવતો લાગ્યો…

એકાએક એકમેકથી અથડાતા પડતા અટવાતા-અમળાતા એકબીજામાં ભળતા થઇ વ્હૅતા થઇ વ્હૅવા લાગેલા એ બધા બોલ એવા તો ઝડપી હતા કે મારાથી એટલી ઝડપમાં ઝડપાતા ન્હૉતા. ને એને પાછા જો કહી બતાવવા, તો કઇ રીતે ? માલિક જાણે ! બાકી હું તો ગડમથલમાં પડી ગયેલો બોલું છું. મારી કલ્પના પછાડ ખાઇ ગઇ છે –ગરોળીની કપાયેલી તરફડતી પૂંછડી…જોકે પણ, છેવટે તો, દબાવીને અંદર મોકલી દીધેલી છીંક રોકી રોકાઇ નહીં, ને આહ્ચ્છીં  કરતી આવી જ ! બધાં એકસામટાં  –શું થયું, છીંક, કોની છીંક, કોને આવી—  એમ આજુ, બાજુ, ઊંચે, નીચે, જોતાં ને જોતાં ફાંફાં મારતાં જોવાયાં…ચીતરેલા જાણે પડછાયા…

થોડી વારે હુંય મને ચીતરેલો ભળાયો. હવાથીય પાતળું કોઇ ગૂંચળું. કોઇ ક્હૅતું સંભળાયું કે મારે ચૂપ થઇ સીધામીધા હવે નીકળી જવું જોઇએ. પણ ત્યારે ગજવામાં વાઇબ્રેટ  ધધણ્યું. માલિકનો ફોન. કટ કરું ? ના કરું ? કરું. કટ !

= = =

===  Of Genesis & other details this Document has  ===

Size: 68.7KB  Pages: 12  Words: 4235  Total editing time: 4734 Minutes

Created: 10/11/2012  Last modified: Today, 31/10/2013 9.20am

Re-sent to Shree Kamal Vora to publish in ‘Etad’.

Author: Suman Shah

G/730 Shabari Tower Vastrapur Ahmedabad 380 015

E-mail : suman.g.shah@gmail.com

 

Facebook Auto Publish Powered By : XYZScripts.com