3. સુમન શાહનો પરિચય – સંક્ષેપમાં

ગુજરાતી સાહિત્યક્ષેત્રે વાર્તાકાર નવલકથાકાર નિબન્ધકાર સમીક્ષક અનુવાદક અને તન્ત્રી/સમ્પાદક તરીકે જાણીતા પ્રો. ડૉ. સુમન શાહનો જન્મ પહેલી નવેમ્બર ૧૯૩૯ના રોજ વડોદરા પાસેના ડભોઇમાં થયો હતો. એમનાં ૭૦થી વધુ પ્રકાશનો છે. એમનો શોધનિબન્ધ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ગ્રન્થ સ્વરૂપે પ્રકાશિત છે. વૈશ્વિકીકરણ અને પ્રાદેશિક સાહિત્ય, ઉપરાન્ત, સાહિત્ય-અધ્યયન-અધ્યાપનના પ્રશ્નો એમના વર્તમાન ધ્યાનવિષયો છે. વિશ્વ-સાહિત્ય, આધુનિક અને અનુ-આધુનિક સાહિત્ય એમનાં પ્રમુખ રસક્ષેત્રો છતાં એમની સઘળી નિસબત ગુજરાતી સાહિત્યના સુધાર અને વિકાસ માટે રહી છે. એ ખેવનાને એઓ પોતાનો કાયમી ધ્યાનમન્ત્ર ગણે છે. એ ખેવનાભાવથી પ્રેરાઇને એમણે ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’, ‘સન્નિધાન’ અને ‘પુનરપિ’ જેવાં અનૌપચારિક સંગઠનો રચીને ઉપકારક કાર્યશિબિરો કર્યા છે. ૨૦૦૮માં એમના ‘ફટફટિયું’ વાર્તાસંગ્રહ સંદર્ભે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એમને અવોર્ડ અપાયો છે. એમના ચાર વાર્તાસંગ્રહો પ્રકાશિત છે. એમનો દાવો રહ્યો છે કે એમની પ્રત્યેક વાર્તારચના ચોખ્ખા અર્થમાં ‘સર્જન’ છે. જોકે, ૫૦થી વધુ વર્ષથી વાર્તાસર્જન કરતા આ વાર્તાકાર ઇચ્છે છે કે પોતે ૨૦૦થી વધુ વાર્તાઓ લખી શકે, જેથી, વિશ્વ-સાહિત્યમાં બેસે એવી કદાચ બે-એક બની આવે. કાલિદાસ, બાણ, રવીન્દ્રનાથ ટાગોર, શેક્સપિયર, ચેખવ, દોસ્તોએવ્સ્કી, સાર્ત્ર, કાફ્કા, કામૂ, હેમિન્ગ્વે, કાલ્વિનો, નિત્શે, બૅકેટ, માર્ક્વેઝ, બોર્હેસ, પિન્ટર વગેરે એમને સદા ગમતા સાહિત્યકારો. શૈશવથી એમને ભક્ત-કવિ દયારામ ઘણા પ્રિય, કેમકે પોતે દયારામના ગામના. અઠવાડિયે ઓછામાં ઓછી એક વિદેશી ફિલ્મ જોવી કે સાથી જડી આવે તો એની જોડે ચેસ રમવી એ એમના કાયમના શોખ છે. પ્રાધ્યાપક તરીકેની ૪૨ વર્ષની કારકિર્દીમાં એમણે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય-સિદ્ધાન્તનું અધ્યાપન સવિશેષે કર્યું. કોઇપણ સાહિત્ય-રચનાના સઘન વાચન-ભાવનને એઓ સાહિત્યપદાર્થની કશી પણ વાત-વારતા માટે અનિવાર્ય લેખે એવો એમનો દૃઢ સંકલ્પ રહ્યો છે. ભરત મુનિ, કુન્તક, ઍરિસ્ટોટલ, એલિયટ, દેરિદા વગેરેનાં સાહિત્ય-દર્શન એમનાં ગમતીલાં વિચાર-મનનક્ષેત્રો છે. ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર-ઇમૅરિટસ પદે હતા. અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં વિઝિટિન્ગ ફૅલો અને યુનિવર્સિટી ઓવ પૅન્સિલ્વેનિયામાં રાઇટર-ઇન-રેસિડેન્ટ રૂપે પણ એમણે સેવાઓ આપી છે. ૨૦૦૨થી ઔપચારિક રીતે નિવૃત્ત આ સાહિત્યકાર નિરન્તરની શબ્દોપાસનાને કારણે વર્તમાનમાં ય એટલા જ સક્રિય રહ્યા છે.

Leave a Reply

You must be logged in to post a comment.

Facebook Auto Publish Powered By : XYZScripts.com