૪ મારી વાચનયાત્રા

    યાદ નથી હું કેટલો નાનો હોઇશ, કદાચ ત્રીજા-ચોથામાં, સમજો કે ૧૦-૧૧નો, રોજ બાળ-પુસ્તકાલયમાં ધસમસતો જતો. એટલા માટે કે લીધેલી ચોપડી ઝટ આપી દેવાય અને નવી ફટ લઇ શકાય. એક આંખે કાણા બાલુકાકા ગ્રન્થપાલ હતા. એમને કાણિયાકાકા એમના મોં પર કહી શકાતું. એટલો સમજદાર અને સહનશીલ જમાનો હતો. એક દિવસમાં એક ચોપડી એ મારો નિયમ, પણ એકથી વધારે ન આપી શાકય એ એમનો નિયમ. મારી ધગશમાં પિતાજીને કશો દમ વરતાયો હશે તે એમણે બાલુકાકાને ભલામણ કરી કે મને એકને બદલે બે ચોપડી આપે. પછી હું રોજની બબ્બે ચોપડીઓ આરોગી જતો. આજે યાદ કરું છું, તો થાય છે, શી ખબર મને કશી ઊંડી મજા આવતી. મારી બે રીત હતી : પાનાંનાં પાનાં બારીએ બેસીને વાંચું. થાકું એટલે આંગણામાં નજર પડે પણ ત્યાં તો એક-બે ચકલીઓ કૂદકારા કરતી હોય. અગાશી પરનાં પતરાંના છાંયડામાં ગાદલું પાથરી પડ્યો પડ્યો વાંચું. આકાશમાં નજર પડે પણ ત્યાં તો એક-બે સમડીઓ ઊડતી હોય. ખરેખર તો જોતો હોઉં શબ્દોની આરપાર –જે દેખાવા લાગ્યું હોય તેને. શબ્દો પારની મારી એ મનોમયી દુનિયામાં એ સમડીઓ, એ ચકલીઓ પણ હતી, હજી પણ છે.

એ મનોમયી દુનિયાની વીગતો શી હતી એ તો આટલાં વર્ષોમાં, સ્વાભાવિક છે કે ભૂંસાઇ ગઇ છે, પણ એનો પ્રભાવ યાદ કરું તો યાદ આવે છે. એ હતી બાળવાર્તાઓ. ‘ટચુકડી ૧૦૦ વાર્તાઓ’ એવું એક પુસ્તક હતું. એ વાંચી જવાનો આગ્રહ પણ પિતાજીનો. એ પુસ્તક મારો પહેલો પ્યાર. કદાચ એટલે જ એ, યાદ કરું તો યાદ આવે પ્રકારની યાદ બની ગયું છે. મને પરીઓની નહીં પણ ચોરોની વાર્તાઓ બહુ ગમતી : એક હતી ખીમા અને બીજલની : એક મામો, બીજો ભાણેજ. બન્ને ચોર. મોડી રાતે મન્દિરના ડંકા દસથી શરુ થઇ બારે પહોંચે. કુલ તેત્રીસ ડંકાની સગવડ. ડંકાએ ડંકાએ છીણીનો ઘા કરાય તે છેવટે, મન્દિરનો સોનાનો કળશ છૂટો –મામા-ભાણેજના કરારવિન્દે ! આજે એવા કોઇ મન્દિરનો કળશ નજરે પડે, તો એ પર ચડેલા મામો-ભાણેજ દેખાય. બકોર પટેલની વાર્તાઓ ગમતી, પણ એમાંનાં ચિત્રો વધારે ગમતાં. બકોર પટેલ મારે મન અપ્રતિમ મનુષ્યકૃતિ છે જેમ મારે મન વાન ગોઘનાં સૂરજમુખી છે, જેમ ડેસ્ડેમોનાને અપાયેલો શેક્સપિયરકૃત રૂમાલ છે, જેમ વર્ડ્ઝવર્થનાં ડેફોડિલ્સ છે, જેમ કાલિદાસકૃત દુષ્યન્તનો રથ છે. કાફ્કાકૃત કાસલ છે. કાસલની મારા ગામની મામલતદાર કચેરી જોડે હમેશાં સરખામણી થઇ છે. આયોનેસ્કો-પ્રણિત પેલો બેડરૂમ પણ છે કે જેમાંથી શબનો પગ વધતો વધતો રંગમંચને બીજે છેડે પહોંચે છે. એ બેડરૂમ, અમારો બેડરૂમ અને તેમાં વાન ગોઘ-આલેખિત બેડરૂમ –એટલે કે એમનું એ જગવિખ્યાત પેઇન્ટિન્ગ. મારી આવી બધી મનોમયી દુનિયામાં જીવન-કલા જુદાં નથી રહી શક્યાં. વાસ્તવ-અવાસ્તવના કે પૂર્વ-પશ્ચિમ જેવા દેશકાળ-ભેદ પણ ભૂંસાઇ ગયા છે.

હું ડરપોક હતો. બા ત્રીજે માળ કશું લેવા મોકલે તો ધોળે દિવસે પણ બીતો. એટલે પછી ડિટેક્ટિવ હરનામસિંહની જાસૂસી કથાઓ ગમતી થયેલી. ભયના દરેક પ્રસંગે થાય, હરનામસિંહ મારી સાથે છે. એ પછી, કોઇ લેભાગુ લેખકનો ડિટેક્ટિવ હાથ ચડેલો. એવો તકલાદી કે જાસૂસી દુનિયાના મારા રસને કાયમ માટે નષ્ટભ્રષ્ટ કરી ગયો. આજે મને જેમ્સ બૉન્ડની ફિલ્મો ગમે છે ને જૅકી ચાનની નથી ગમતી. કથા કે નાટકમાં બધું અસ્વાભાવિક હોય, ખોટે ખોટા પ્લૉટ ઠઠાડ્યા હોય, મને ન ગમે. ભલેને લેખકનું મોટું નામ હોય, મારાથી ઉદાર તો ન જ થવાય, એને માફ પણ ન કરાય. મારી આવી માનસિકતાનાં કારણોમાં આ તકલાદી–ના-તકલાદીનું એટલે કે જીવન-સચ્ચાઇનું ધોરણ જરૂર હશે. કલાના સત્-ને જાણ્યા-માણ્યા પછી પણ મનમાં વસ્યું છે કે શા માટે પ્લેટો સાહિત્યને અસત્ ગણે છે, અમુક લોકો શા માટે સાહિત્યને બનાવટ કહે છે. એ જુદી વાત છે કે પ્લેટો સમજીને કહે છે અને લોકો કશી હૈયાઉકલતથી કહે છે. મારા વિદ્યાર્થીઓને હમેશાં કહેતો, સાહિત્ય બનાવટ છે પણ બનાવટના સ્વ-રૂપને ઓળખતાં શીખો. જીવનના ઠોસ આધાર વગરના કહેવાતા સાહિત્ય પાછળ જિન્દગીનો કીમતી સમય ના વેડફશો. જે રચના આપણને પકડે ને ભીતરે ઊતરે, અચેતન મનની સમ્પદા બની જાય, એને સાચી જાણજો; એને સાચવી જાણજો.

તે જમાનામાં, ગામડું સારું કે શહેર એવા સંવાદ થતા. શિષ્ટ વાચન સ્પર્ધાઓ થતી. શીઘ્ર વક્તૃત્વ હરીફાઇઓ થતી. હું હમેશાં જીતતો, હારું ત્યારે ક્યાંય લગી મારું મોઢું ચડેલું રહે. એ માટે વાંચવાનું જે હોય, હું અકરાંતિયાની જેમ વાંચી જતો. વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષામાં હું આખા તાલુકામાં ફર્સ્ટ આવેલો. એનું કારણ ‘ગોકળદાસનો સૅટ’. એ નામના લેખક હતા, એમનાં સાત પુસ્તકો, સાતેય વિષયનાં; સૅટ કીમ્મતમાં ય મૉંઘો. તે છતાં મને ગણિત આવડતું નહીં. માધ્યમિકમાં ઍલ્જિબ્રાએ અને કૅમેસ્ટ્રીનાં સૂત્રોએ મને બહુ પજવેલો. કક્કા પર આંકડાની એ ચડઊતર મારાથી જિરવાતી નહીં. જેમ આજે નાનીની જગ્યાએ મોટી ‘ઇ’ કે નાનાને સ્થાને મોટું ‘ઉ’ વેઠાતું નથી. યાદ એમ આવે છે કે સાહિત્યકારોમાં સૌ પહેલાં મેં જ્યોતીન્દ્ર દવેને વાંચેલા. એટલા માટે કે એઇટ્થના મારા ક્લાસ-ટીચર વર્ગમાં મારી પાસે જોક્સ કહેવરાવતા. એમની જાહેર સમજ એ હતી કે મને કહેતાં સરસ આવડે છે, ને ખાનગી એવી કે હું જ્યોતીન્દ્ર જેવો લાગું છું. દુબળો હતો પણ એટલો બધો નહીં. હું દયારામના ગામનો તેથી દયારામને ત્યારે વાંચવાની જરૂર નહીં પડેલી. ‘વાંસલડી’માં છે તેમાંની અનેક રચનાઓ હું અસ્સલમાં ગાઇ શકતો. ખબર નહીં ગાન ક્યારે કોણે છીનવી લીધું. સંસ્કૃતમાં ત્યારે મિ વસ્ મસ્  –સિ થસ્ થ  –તિ તસ્ અન્તિ-નું રટણ કરવાની, કે વનમ્ વને વનાનઇઇ એમ હ્રસ્વ-દીર્ઘની પરવા વગર રૂપો ગોખવાની લ્હૅર પડતી. રામ: રામૌ રામા: –મને, રામ ભગવાન તો એક છે, પણ આ દ્વિવચનમાં બે છે તે શી રીતે હોઇ શકે એવો પ્રશ્ન થતો. લાઇટ ધ લૅમ્પ્સ અપ્ લૅમ્પલાઇટર જેવાં કાવ્યો ગોખવાની મજા આવતી, પણ વન્સ અપૉના ટાઇમ ધૅર વૉઝા કિન્ગનું એ, અંગ્રેજી એકદા-નૈમિષારણ્યે, બહુ ગમતું. ‘પાઠમાળા’નાં ગ્રામર લેસન્સ ગમતાં પણ રવિશંકર માસ્તરે આપેલું એનું હોમવર્ક કરવાની લિજ્જત આવતી. કેમકે ત્રીજી-ચોથી ઍબીસીડીમાં ત્રાંસા મરોડ રાખી સ્ટાઇલથી હાથ ચલાવતો તેથી એમ થતું કે મને પણ એ લોકોની માફક અંગ્રેજી લખતાં કેવું આવડી ગયું ! રવિશંકર ટ્યુશનના માત્ર બે રૂપિયા લેતા  –મહિને બે રૂપિયા ! ન ગયો હોઉં તો કારણ જાણવા ચાલીને ઘેર આવતા ! ત્યારે શિક્ષકો પાસે વાહનો નહીં.

પેજની કોરી જગ્યાઓમાં પેન્સિલથી કંઇ ને કંઇ પ્રતિભાવો ટપકાવવા ને પુસ્તકને એવી ચૉક્સાઇથી વાંચવું –એવી એક ત્રીજી રીત મારામાં મોટી ઉમ્મરે જન્મી. જેમાંથી પછી, ભવિષ્યમાં જેની વાત થઇ શકે એવાં લખાણો ઉતારી લેવાની ટેવ પડી. મને યાદ છે, ‘મેઘદૂત’ સુલભ નહોતું તે મેં પાકા પૂંઠાની નોટમાં દરેક નવા પાને એક શ્લોકનો નિયમ રાખી આખેઆખું ઉતારી લીધેલું. ઘરમાં જ છે, જડતું નથી. સુન્દરમ્-લિખિત ‘અર્વાચીન કવિતા’ના કેટલાય અંશો આજે પણ એક નોટબુકમાં છે. વાંચેલું ગમી ગયું હોય તો એને શબ્દશ: ગોખી લેવું એ પણ સારા વાચનની જ રીત છે. પણ ઝેરોક્ષના જમાનામાં ઉતારી લેવું કે ગોખવું મફતિયા મહેનત ગણાય; જોકે તેનું તો શું થઇ શકે ? બાકી, એમ.એ.ની પરીક્ષા માટે મેં  શ્રીહર્ષનું એરુડિશન –વિદ્વત્તા– ચીંધતા ‘નૈષધીયચરિતમ્’ના ૩૦ શ્લોકો પ્રાત:પારાયણ કરીને ગોખેલા ને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન અને ઍક્સ્પ્લેનેશન સાથે પેપરમાં લખેલા  –જેણે મને ફર્સ્ટ ક્લાસ મેળવવામાં ચોક્કસ મદદ કરેલી. આજે મને એમાંનો એક પણ શ્લોક યાદ નથી. કશું ગોખવું ન ગમે એ મારી નબળાઇ છે. સારા વક્તાઓને રમરમાટ લલકારતા જોઉં તો સાત્ત્વિક ઇર્ષા થાય, પણ પછી, ગઝલનો એક શેઅર યાદ આવે છે કહેનારાઓને જોઉં ત્યારે ઇર્ષા-શમન આપોઆપ થઇ જાય…

સાહિત્ય પાસે વાચકો મને ત્રણેક હેતુથી જતા દેખાયા છે :

એક તો રસીલા, કે જેઓ રસના હેતુથી વાંચતા હોય છે. એમને ખબર ન હોય કે રસ શાથી પડે છે ને શા કારણે પોતાને જ પડે છે. એ પેલા ૧૦-૧૧ વર્ષના બાળક જેવા નિર્દોષ હોય છે. એમાં કેટલાક રંગીલા હોય કે જેઓ માત્ર ટાઇમપાસ માટે વાંચી લેતા હોય.

બીજો હેતુ સાહિત્યના શિક્ષણનો છે, સાહિત્ય ભણવું ને ભણાવવું. નિષ્ઠાવાન અધ્યાપકો કે જેઓ દેવપૂજાની ધાર્મિકતાથી સાહિત્યને વાંચતા હોય છે. એમાં કેટલાક એવા જરૂર હોય જેમને વાંચવું મકાનનું ભાડું ભરવા જેવું ફરજ્યાત લાગ્યું હોય. કેટલાક એવા જરૂર હોય જેમને કારમાં પૅટ્રોલ ભરાવવા જેવું ના-છૂટકાનું જણાયું હોય. પરન્તુ સાહિત્યના અધ્યાપકોની નિર્દોષતા કેળવાતી કેળવાતી શિક્ષા બની બેસે છે. એક અવશ્યંભાવી ઘટના. જતે દિવસે એમને ચોક્કસ ખબરો પડી જાય છે કે શાથી પોતાને અમુક સાહિત્ય અને અમુક સાહિત્યકારો ગમે છે. કારણો આપી શકે ને વ્યાખ્યાનો કરીને ઠસાવી પણ શકે. એ શિક્ષા અન્યોને પહોંચે એ જાતનો વિનિમય કરી શકે. શિક્ષાનાં એ શસ્ત્રાસ્ત્ર વિવેચક બનીને વાપરી પણ જાણે. એના ચિત્તમાં એવી હઠો પણ બંધાય કે રચના કે રચનાકાર તો પછી, પહેલાં વ્હાલા મારા સિધ્ધાન્તો, મૉંઘા મારા આનન્દવર્ધન ને મારા ઍરિસ્ટોટલ ! વર મરો કે કન્યા મરો, મારું તરભાણું ભરો-વાળો ઘાટ. એને અવારનવાર થાય, સાહિત્યસુન્દરી ભયમાં છે ને એનો બચાવણહાર એ પોતે એકલો છે. લિટરરી શિવલ્રી. અધ્યાપક કે વિવેચક સાવધ ન હોય તો શિક્ષાના એ ભ્રાન્ત ઉપયોગોથી બચી શકતો નથી. જતે દિવસે એવું પણ બને કે ઉત્તમ સાહિત્યભોગથી સ્ફુરનારી પેલી મનોમયી દુનિયાને વિશેનો એનો રસ નષ્ટભ્રષ્ટ થઇને રહે. કેમકે એની સમજ પર જાતભાતના સમ્પ્રત્યયો અને વિભાવોના લેપ થયા હોય, સિધ્ધાન્તોના વાઘા ચડ્યા હોય. શિક્ષા પોષે, તેમ આ પ્રકારે મારે પણ ખરી.

સાહિત્ય પાસે જવાનો ત્રીજો હેતુ સાવ જુદો છે. લેખકો પોતે વાચકો, જેઓ ખૂબ જ અંદરની કોઇ અનામ વ્યથાથી દોરવાઇને ઉત્તમ લેખકોનાં સર્જનાત્મક લેખનોને વાંચતા હોય છે. એમને ખબર ન હોય કે હેતુ શો છે અને શાથી છે. એવી હેતુ વગરની હેતુ-તા. માણસને રોમ રોમથી ઓળખાવનારી જે જાદુઇ રીત, નામે કલા, તેનું એને ઘેલું હોય. કદાચ એને જ એ જીવનનું પરમ સત્ય સમજતો હોય.

માણસ કશા જ હેતુ વિના વાંચે અને હેતુથી દોરવાઇને વાંચે –બન્ને વચ્ચેનો ફર્ક સમજી શકાય છે.  પચાસેક વર્ષની મારી વાચનયાત્રા આ ત્રણેય હેતુથી ચાલી છે ને એટલે તો હું આમ બધું બેધડક કહી રહ્યો છું :

મૅટ્રિક પછી કૉમર્સમાં મેં બે વર્ષ બગાડેલાં. ભણવાનું તો નહીં જ બીજું પણ કશું જ વાંચ્યું નહોતું. એ બન્યું હું આર્ટ્સમાં દાખલ થયો પછી. બચપણની પેલી મનોમયી દુનિયા ફરી જાગી અને જાણ્યે-અજાણ્યે અમુક રીતે વિસ્તરવા લાગી. મારી માન્યતા બની છે કે ભણાવનારા નીવડેલા મળે તેને ભાગ્ય કહેવાય પણ કાળના પ્રવાહ સામે ટકેલું સાહિત્ય ભણવા મળે તેને સદ્ભાગ્ય ગણાય. મારી કશી સરતચૂક નથી થતી એમ સમજીને કહું કે બી.એ.-એમ.એ. દરમ્યાન મને શેક્સપિયર, વર્ડ્ઝવર્થ, કાલિદાસ, ભાસ, બાણ, શ્રીહર્ષ, મુનશી, દોસ્તોએવ્સ્કી, હેમચન્દ્રાચાર્ય, અખો, પ્રેમાનંદ, ગોવર્ધનરામ, ક્લાન્ત, મણિલાલ નભુભાઇ, હરિશ્ચન્દ્ર ભટ્ટ, બ. ક. ઠાકોર કે રત્નમણિરાવ જોટે વગેરે મહા મનીષીઓ ભણવા મળેલા. પ્લેટો-ઍરિસ્ટોટલથી એલિયટ અને ભરતથી માંડીને જગન્નાથ લગીનાઓથી વિકસેલી રસ કે કલામીમાંસા ટુકડાઓમાં ભણવા મળી હતી ને તેથી ભાન પડેલું કે એને પૂરેપૂરી ભણવી રહેશે. એ જમાનાનો શિરસ્તો હતો  કે અભ્યાસક્રમમાં નિયત થયેલી રચના ઉપરાન્ત તે લેખકનું બધું વાંચી જવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો. મને યાદ છે હું બોચિયાની જેમ મંડી પડતો, અપવાદે  થાકી જતો ને તેથી છોડી પણ દેતો. મારી કારકિર્દીનો અતિ સુખદ વળાંક, હું જ્યારે આર્ટ્સના પહેલા વર્ષની સત્રાન્ત પરીક્ષામાં આખી કૉલેજમાં ફર્સ્ટ આવેલો; બીજો એટલો જ સુખદ, હું જ્યારે એમ.એ.માં ગોલ્ડ મેડલ સાથે ફર્સ્ટ આવેલો. એમ.એ. પછી મેં બરાબર સાત વર્ષે પીએચ.ડી. શરૂ કરેલું. એ સાત વર્ષમાં મુખ્યત્વે ચેખવ, હૅમિન્ગ્વે, કાફ્કા, કામૂનાં સર્જનાત્મક લેખનો ફાવ્યાં એટલાં અને સાર્ત્રના ‘બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ જેવા ગ્રન્થો આવડ્યા એવા/એટલા વાંચેલા. ત્યારે, વિમ્સાટ-બ્રૂક્સલિખિત ‘લિટરરી ક્રિટિસિઝમ’ વાંચવાનું શરૂ થયેલું. એનો અનુવાદ કરવાનો મનોરથ જાગેલો. ‘ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો’માં વર્ણવાયેલા આપણા તમામ નવલકથાકારોનો, ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’ અને  ‘કથાપદ’માંના અનેક વાર્તાકારોનો મેં પૂરો અભ્યાસ કરી લીધેલો. પીએચ.ડી.ના વિષય રૂપે મેં સુરેશ જોષી રાખેલા તે એમનું બધું જ, કંઇ પણ, વાંચેલું. પણ એ નિમિત્તે ‘ન્યૂ ક્રિટિસિઝમ’, ઓર્તેગા, સુસાન લૅન્ગર, વાલેરી, માલ્કમ બ્રૅડબરી અને રવીન્દ્રનાથનાં જે-તે લેખનોનો અભ્યાસ ખાસ કરેલો. ચાર વર્ષ લગભગ રોજ રાતે આઠથી બે વાગ્યા લગીનો ભરચક સમય મેં એ શોધનિબન્ધ માટે ખરચ્યો હતો. જીવનનો એને હું ઉત્તમોત્તમ સમયખર્ચ ગણું છું. સાહિત્યના શિક્ષક તરીકેની મારી ૪૦-૪૨ વર્ષની કારકિર્દીમાં ને તે પછીના પ્રવર્તમાન દાયકામાં સ્વાધ્યાય અને પ્રવચન બાબતે મેં ક્યારેય પ્રમાદ નથી કર્યો, નથી કરી શક્યો. એ મારું વ્યક્તિત્વ છે. એથી મેં એક પણ વખત, હા એક પણ વખત, દિલચોરીથી નથી ભણાવ્યું. ભણાવવાનું કે વ્યાખ્યાન આપવાનું  મને કદી કષ્ટદાયક પણ નથી જ લાગ્યું.

સમગ્રપણે કહું તો લેઇટ સિક્સીટ્ઝથી સેવન્ટીઝ દરમ્યાન પસંદગી–ના-પસંદગી મુજબનું વાંચ્યું, મુખ્યત્વે પશ્ચિમનું. પણ પછીનાં વરસોમાં એમાં પસંદગી અને જરૂરિયાત દાખલ થયાં; ખાસ તો લખવાનું વધતું ચાલ્યું. અધ્યાપક તરીકે મેં સંસ્કૃત અને પશ્ચિમની કાવ્યમીમાંસાનું અધ્યયન કર્યું તેમાં મને સૌથી વધુ ગમ્યા અભિનવગુપ્ત અને કુન્તક; ઍરિસ્ટોટલ અને એલિયટ. વિવેચક તરીકે મેં કોને વાંચ્યા તે તો મારાં લેખનોથી અને પુસ્તકોથી જ સૂચવાઇ જાય છે. સરજાતું ગુજરાતી સાહિત્ય હું મારી કારકિર્દીના પહેલા દિવસથી આજ સુધી વાંચતો રહ્યો છું ને એના પ્રતિભાવ રૂપે લખતો રહ્યો છું. એમાં કશી મોટાઇ નથી કે નથી મોટાઇને માટેની લીલા કે પૅંતરાબાજી. એ તો છે મારી અને મારાંની મર્યાદાઓ ને કુણ્ઠાઓના નાશને માટેનો નર્યો પ્રામાણિક પુરુષાર્થ. પચાસ વર્ષથી લગભગ રોજ સવારે હું સાહિત્ય સિવાયનું કંઇ જ કરતો નથી; નહીં કરું.

ખરી વાત તો એ છે કે, પૂરેપૂરું, કે બસ આટલે લગી વાંચો એમ પુસ્તક પોતે જ કહેતું હોય છે. છતાં જેટલું કંઇ વાંચું, પ્રામાણિકતાથી વાંચું. એમ વાચવું એ મારી ચોથી રીત છે. ‘નવ્ય વિવેચન’ સાથે એલિયટ, પછી સંરચનાવાદ, તે પછી અનુ-સંરચનાવાદ ને ડિકન્સ્ટ્રકશન એમ વાચનરાહ સૂઝતો ગયો છે. એમાં, આપણા સાહિત્યના ક્ષિતિજવિસ્તારને માટેની સુરેશ જોષીથી ઊગેલી ઝંખનાએ અને તે માટે વિશ્વસાહિત્ય સાથે અનુસન્ધિત રહેવાની જરૂરતે ભાગ ભજવ્યો છે. એમાં, ગુરુની એ સલાહ અને ખાસ તો મારી અંગત જિજ્ઞાસા ને રસ કારણભૂત રહ્યાં છે. સૉસ્યૂરથી દેરિદા લગીના એ સંદર્ભમાં, મેં મુખ્યત્વે વાંચ્યા લેવી સ્ટ્રૌસ, ફૂકો, રોલાં બાર્થ, યાકોબ્સન, તોદોરોવ, ફાઉલર, જોનાથન કલર અને દેરિદા. પણ નોંધો, કે પેલી જરૂરતે વાંચ્યા, જરૂરત પૂરતા વાંચ્યા, કોઇ મોટી ધાડ મારવાને નહીં. કે તે-તેને સાહિત્યસંસારના મહાદેવ કે પરમ ઇશ્વર ગણીને પણ નહીં. કલામાં કોઇનું પણ વચન અન્તિમ ન હોય –દરેક વચનને પ્રેમથી સાંભળવું અન્તિમ ખરું. મારાં તે-તે પુસ્તકોની પ્રસ્તાવનાઓનો અભ્યાસ કરવાથી લેખન-પ્રકાશનને વિશેની મારી તત્કાલીન માનસિકતાને પ્રમાણી શકાય એમ છે.

લેઇટ સેવન્ટીઝ જેટલાં વહેલાં શરૂ થયેલાં એ લેખનોને આપણા તે-તે સંદર્ભોમાં જઇને કોઇ તપાસે, તેનાં માંડીને લેખાં-જોખાં કરે, તો ઠીક છે. બાકી હું પોતે જ એની ટીકા કરી શકું એમ છું  –કે એ જિજ્ઞાસાજનિત સાહસ હતાં, ક્યારેક તો દુ:સાહસ. કેમકે એ દિવસોમાં પશ્ચિમના એ જ્ઞાનરાશિને ગુજરાતીમાં મૂકવાને માટેની કોઇ સમુપકારક પરમ્પરાનો અભાવ હતો, પારિભાષિક હવામાન હતું નહીં, કહો કે શાસ્ત્ર-સંલગ્ન ઍપરેટસની, ઉપકરણસમવાયની, ખાસ્સી અછત હતી. એ હાયવલૂરાને સુધારને માટેના હાયવલૂરા રૂપે અને તે માટેના આવશ્યક તર્કથી/મનોવિજ્ઞાનથી જોવાય, તો કિંચિત્ કશુંક ચિહ્નિત થયું દેખાય. સાહિત્યના વાચકે સરજાતા સાહિત્યના ઇતિહાસને કાળજીભરી ઇતિહાસ-દૃષ્ટિથી, ખરેખર તો, તેના પ્રવાહી સ્વ-રૂપને પામવાની ગરજે, જોવાની જરૂરત રહે છે. નહિતર એને હેઝલિટ વાંચનાર નર્મદ, શૉપનહાવર વાંચનાર ગોવર્ધનરામ, બર્ગસૉં વાચનાર રમણભાઇ નીલકંઠ, સંસ્કૃત ને પશ્ચિમની બન્ને પરમ્પરાઓને સમભાવથી વાંચનાર રામનારાયણ પાઠક કે વિશ્વ-સાહિત્ય વાંચનાર સુરેશ જોષી વગેરેનાં વાચનોનું અને તે વિશેનાં તે-તેનાં ગુજરાતી લેખનોનું કશું મહત્ત્વ સમજાશે જ નહીં. બાકી, એકલી બૂમો પાડવાથી પરિસ્થિતિમાં કશો ફેર નથી પડતો; ઊલટાનો આપ-આદેશ જન્મે છે કે ટાઢા પડીએ ને હિસાબ જ્યાં ભૂલભરેલો છે ત્યાંથી સુધારી આપીએ, તો ઘણું. ત્યારેય મેં ક્યારેય વગર વાંચ્યે કે અધૂરા વાચને નથી લખ્યું. લેખન જો નર છે, તો વાચન માદા છે. અથવા ઊલટું. બન્નેના સમાગમ વિના સાહિત્યપદાર્થ અસંભવ છે. વાગર્થની સમ્પૃક્તિ ગાનારા ઘણા મળે છે પણ એની ચરિતાર્થતા માટે અનિવાર્ય એવા આ સમાગમ અંગે તેઓ ભાગ્યેજ કશું કરતા હોય છે. નહિતર જાતનું દૃષ્ટાન્ત આપી કહી શકે કે એ સમ્પૃક્તિ મેં અહીં અનુભવી ને એનો અનુભાવક હું તે આ રહ્યો. આ પાયાની વાત કહેવાની ન હોય પણ આ લેખ સવિશેષે વાચન વિશેનો છે અને સામ્પ્રતમાં એની ભારોભાર અછત વરતાય છે ત્યારે કહેવી ઉચિત ગણી છે.

શું વાંચવું એ મેં કોઇને પૂછ્યું નથી, કોઇએ મને કહ્યું પણ નથી. મેં લાઇબ્રેરીઓમાં બેસીને ક્યારેય નથી વાંચ્યું. બાળ-પુસ્તકાલય પછી હું ગામના સયાજી સાર્વજનિક પુસ્તકાલયમાં જતો થયેલો. ઘોડી પર ટેકવેલાં છાપાંને ઊભાં-ઊભાં વાંચવા આવતા કાયમના નક્કી માણસો અને ચોપાસનાં ભોળાં કબૂતરો સિવાયનું કંઇ યાદ નથી. હંસા મહેતા લાઇબ્રેરીનું મકાન બનતું જોયેલું ને ત્યારે ખૂબ અદ્યતન લાગેલું તે એમાં બેસીને વાંચનારને કશી વિદ્વત્તાનો અહેસાસ થતો. ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરી મને ક્યારેય આકર્ષી શકી નહીં. હૈદરાબાદમાં સિફેલની, અમેરિકામાં યેલ અને પૅનની યુનિવર્સિટી-લાઇબ્રેરીઓ જોઇને અભિભૂત થયો છું. મારી હોમ-લાઇબ્રેરીની વિશષતા છે, જોઇતું પુસ્તક જડે એટલી જ મહેનતે એ-નું-એ બીજી વાર જડે ! મેં જોયેલી મિત્રોની હોમ-લાઇબ્રેરીઓમાં મને બાબુ સુથારની સર્વોત્તમ લાગી છે. તેમછતાં, લાઇબ્રેરીઓ મને નર્વસ કરી મૂકે છે, એ દીવાલો વચ્ચે હું ઠંડો પડી જઉં છું. આટલું સરસ ક્યારે વંચાશે ? વાંચી રહેવાશે ? એથી સમયવ્યય તો નહીં થાયને ? થાય, ચોપડી લઇને ત્યાંથી તો ભાગી જ જઉં. ઇચ્છા એમ હોય કે ચિત્ત ઝટપટ એનો નિકાલ કરી આપે. વસવું હોય તો ત્યાં વસે, નહિતર કમાડ ખુલ્લાં છે ! સામ્પ્રતમાં હવે ચિન્તાળુ સ્વભાવના સૌને થાય છે કે પુસ્તકોનું ભાવિ શું હશે. અમેરિકામાં તાજેતરમાં જ મેં બાર્ન્સ ઍન્ડ નોબલ્સમાં માર્ક્વેઝની નવલકથાઓનું અદ્ભુત સુન્દર પ્રકાશન નિહાળ્યું. મને થાય, હું ડિ-ડમાસનું હીરા-ઝવેરાત જોઇ રહ્યો છું, એટલું રૂપાળું ને એટલું જ મૉઘું ! પણ બીજી જ ક્ષણે થયું, આનું ભાવિ શું. સાહિત્યના વાચનને વિશેની સમસામયિક ચિન્તાનો એ છેલ્લો છેડો છે. શાણા દરેક લેખકે અને સમજુ વાચકે કોઇને પણ પૂછતાં પહેલાં જાતને પૂછવાની જરૂર છે કે પોતે શું વાંચ્યું છે. કેમકે આજે તો આપણે ત્યાં સાહિત્યકારો જ એકમેકને નથી વાંચતા ને કહેતા ફરે છે એમ કે સાહિત્યના વાચકો નથી રહ્યા, મરી ગયા છે !

અધ્યાપકોને શું વાંચો છો પૂછવાથી ફાયદો થવાનો સંભવ છે. ક્યાં તો એમને વિશેના સંચિત જ્ઞાનમાં વધારો થાય, સદ્ભાગ્યે સુધારો પણ થાય. પણ નિત્યના સક્રિય લેખકને સમજદાર માણસ પૂછે નહીં કે તમે શું વાંચો છો. પેલો પ્રામાણિક હોય તો કહે, ખાસ કશું વાંચતો નથી કે વાંચી શકતો નથી. ચારસો-પાંચસો પાનની પલ્પ કે વર્ષની બે-ત્રણ નવલકથાઓ ઘસડતા રહેતા કલમનવીસો કોનું શું વાંચતા હોય ? અઠવાડિયે ત્રણ-ચાર જગાએ મતલબી લખાણો લખતા કૉલમનવીસો કોઇનું પણ ક્યારે અને શું કરવા વાંચે ? એવા નર્યા લેખકોને વાચકો ગણવામાં ઉદારતા ખરચાય છે ને ભાગ્યેજ કશું હાથ આવે છે. કુતૂહલ જો એમ જાગે કે કાલિદાસ કે પ્રેમચંદને પ્રિય સાહિત્ય કયું; ‘વૉર ઍન્ડ પીસ’ લખી રહ્યા પછી તૉલ્સ્તોય શું વાંચતા હશે; ‘હૅમ્લેટ’ લખતાં પૂર્વે શેક્સપિયરે કોને વાંચેલા; સાર્ત્ર કે બૅકેટને ગમતા લેખકો કોણ હશે; બોર્હેસ કે માર્ક્વેઝ વાંચે તો કોને વાંચે; નિત્શે કે દેરિદાની મનોમયી દુનિયાઓ શેનાથી બની હશે; વગેરે વગેરે; તો ખબર પડે કે સાહિત્યસર્જનમાં અન્યોનાં વાચનોથી કેવી તો સૂઝબૂઝો પ્રગટે છે. કંઇ નહીં તો, એટલું તો નક્કી થાય છે કે કલાની આ બધી સિદ્ધ ઊંચાઇઓ છે, ને તો, હવે મારે લખવું કે કેમ. મારી વાત કરું તો સર્જક તરીકે મેં જે કંઇ વાંચ્યું વાંચુ છું ને વાંચીશ, દોરીસંચાર પેલી અનામ વ્યથાનો હશે. એવાં વાચનોની સમગ્ર વાત કરવાનું આ સ્થળ નથી, છતાં થોડી વીગતો આપી શકાય : ‘ત્રણ બહેનો’ –એ અનુવાદ પછી હું નવેસરથી ચેખવ પાસે ગયો, ને વાર્તાકાર ચેખવ પાસે ગયો. એમ.એ.માં ‘ક્રાઇમ ઍન્ડ પનિશ્મૅન્ટ’ ભણવાથી જાગેલા રસને કારણે દોસ્તોએવ્સ્કી-સૃષ્ટિમાં પ્રવેશવાનું બન્યું. એ જ દોરીસંચારને પરિણામે સર્જક સાર્ત્રને અને તેથી જ સાહિત્યચિન્તક સાર્ત્રને, ઉપરાન્ત, કામૂ અને કાફ્કાને વાંચવાનું બન્યું. મને એ રીતે ગમતા સાહિત્યકારોમાં નિત્શે, બૅકેટ, કાલ્વિનો, માર્ક્વેઝ, બોર્હેસ અને પિન્ટર પણ છે. ડોનાલ્ડ બાર્થેલ્મ, જોહ્ન બાર્થ અને વોન્નેગન પણ છે. આ સૌને મેં હેતુ વગરની હેતુ-તાથી વાંચ્યા છે. એઓથી મને મારી સર્જકતાની છત-અછતનાં માપ મળ્યાં છે. પરન્તુ એઓથી મારી મનોમયી દુનિયા અવ્યાખ્યેય રૂપે સમૃધ્ધ થઇ છે. મોટે ભાગે મન મારું એમાં આળોટે છે.

દેરિદા આપણા સમયનો એવો વિચાર છે જેણે શબ્દ અને જ્ઞાન માત્રનાં મૂળને હચમચાવ્યાં છે, બલકે, હાથમાં લઇ ધ્યાનથી જોવા કહ્યું છે. એથી પ્રગટેલી ઝકઝોળ બૌધ્ધિકતામાં થવાય એટલા તરબોળ થવું મને હમેશાં ગમ્યું છે. પરન્તુ કદાચ એટલે જ મને મારી અત્યાર લગીની વાચનયાત્રા વિશે પ્રશ્નો થવા માંડ્યા છે : કે જે કંઇ વાંચ્યું તેથી જુદું વાંચ્યું હોત તો શું થાત ? વધારે તો હેતુથી વાંચ્યું છે, ને તેથી સાહિત્યકલાને વિશેની મારી સમજ હેતુબધ્ધ અને અમુક જ બની એવું તો નથીને ? હવેનાં વર્ષોમાં બાકી જે ઉત્તમ છે તેને કશાપણ કારણ વગર વાંચું તો કેવું ? મારે હવે ભણવા-ભણાવવાનાં સીધાં કારણો નથી રહ્યાં અને ઉત્તમ સર્જનાત્મક લખવાની લ્હૅ લાગી છે ત્યારે થાય છે કે મારી વાચનયાત્રાને અને વાચનના એ સમગ્ર અનુભવને ઇરેઝર હેઠળ મૂકું. ચૅંકી નાખું પણ ચૅંકેલો દેખાય એમ રાખું. ૭૨ વર્ષની ઉમ્મરે એમ કરવું પોસાય, પણ ખાસ તો, જરૂરી સમજાય છે. કેમકે એ અનુભવ મને ન નિવારી શકાય એવો લાગે છે છતાં એટલો જ અપૂરતો પણ લાગે છે. અનિવાર્ય અને અપર્યાપ્તની એ શિગડાંભીડ વચ્ચે રહ્યાં વર્ષોમાં મસ્તકને છૂટું રાખીને વાંચવું છે, જેથી એ કશા અપૂર્વ મનોમયને વિશે તત્પર રહી અવારનવાર તાજું થયા કરે…                                                    ===

Of Genesis & other details this Document has:

Size: 48.4KB Pages: 8 Words: 3126 Total editing time: 1557Minutes

Created: 28/09/2010 9.08pm Last modified: Today, 18/07/2012 10.20am

Author: Suman Shah.

Sent to Jayesh Bhogayta to publish in ‘Tathapi’ and got published.

 :Unantholozised :

Leave a Reply

You must be logged in to post a comment.

Facebook Auto Publish Powered By : XYZScripts.com