૫ જો આ હોય મારું અન્તિમ પ્રવચન…

જો આ હોય મારું અન્તિમ પ્રવચન… પ્રવચનો કરવાનો મને ખાસ મહાવરો નથી, વ્યાખ્યાનો કરવાનો છે. એટલે એમ પણ કહીએ કે જો આ હોય મારું અન્તિમ વ્યાખ્યાન…

હું ઇચ્છું કે એ એમ હોય. તેમછતાં, અન્તરના ઊંડાણેથી અવાજ ઊઠે છે કે ના, એ એમ ન હોઇ શકે; એને એમ ન ઈચ્છી શકાય. મને ઇકોતેરમું ચાલે છે. એક્યાશી આસપાસ ઢીલો પડ્યો હોઇશ. એકાણું વખતે ઢીલોઢીલો ય લખતો હોઇશ, વ્યાખ્યાનો કરતો હોઇશ, કંઇ નહીં તો ઇન્ટર-નેટના  દ્વારેથી કંઇ ને કંઇ બોલતો હોઇશ. આ ક્ષણ સંમિશ્ર છે : ઇચ્છું છું ને ઇચ્છી શકતો નથી. આ વ્યાખ્યાન અન્તિમ છે અને આ વ્યાખ્યાન અન્તિમ નથી. છે અને નથી વચ્ચે એક સાંકડી ગલી છે. એ સાંકડી ગલીમાંથી મારે મારી વાતને આકારતા આકારતા નીકળી જવાનું છે.

જો આ વ્યાખ્યાન અન્તિમ છે, તો હું એ વાતો નહીં કરું જે મારા વિચાર-ભાવ-જગતમાં અમસ્તી જ પડી રહી છે, હંગામી છે, ટેમ્પરરી છે. વ્યાખ્યાન અન્તિમ છે તો મારે એ વાતો કરવી જોઇશે જે મારા છેડેથી અન્તિમ છે, ફાઇનલ છે; અથવા એવું મને લાગે છે.

મને મારી વક્તૃત્વ-શક્તિમાં નાનપણથી શ્રધ્ધા બેસેલી છે. ચોથા-પાંચમામાં હોઇશ. નિશાળમાં ગામડું સારું કે શહેર –એવા સામસામા સંવાદ યોજાય ને હું અચૂક જીતું. ઇનામમાં પવાલાં ડોલચાં ઘણાં ભેગાં થયેલાં. રવિશંકર માસ્તરે કહેલું : સામે ફૂલેવરનું ખેતર બેઠું છે એમ સમજી બોલ્યે રાખવું. છતાં દરેક વ્યાખ્યાન વખતે નર્વસ થઇ જવાય છે. નર્વસનેસ બહાર દેખાય : દહેશત –બધાંને સમજાય એવું બોલવાનું. અધીરાઇ –કેમકે સામે સમયમાં પૂરું કરાવવા ઊભેલો કાળ નામનો ચાબૂકધારી રિન્ગમાસ્ટર. નર્વસનેસ અન્દર પણ હોય : ઓજસ્વી અભિવ્યક્તિને માટેની ઊછળકૂદ. અન્દર આજે પણ એ ઊછળકૂદ છે. બહાર દહેશત છે, અધીરાઇ છે. અધીરાઇને હટાવીને મારે ધીરજથી કેટલીક ઓજસ્વી વાતો શોધી કાઢવી છે. બહારથી ખસીને અંદર ઊતરવું છે. વાતો ઓજસ્વી હશે તેથી થોડી અઘરી હશે પણ મને શ્રદ્ધા છે કે સમજવા માગનારને જરૂર સમજાશે.

મોટેભાગે હું ત્રણેય કાળમાં જીવતો હોઉં છું. ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં મારી અવરજવર ચાલ્યા કરતી હોય છે. દાખલા તરીકે, અત્યારે મને કારકિર્દીનું છેલ્લું વ્યાખ્યાન કરતો સુમન શાહ અનુભવાય છે; સાથોસાથ, મને ચાર-પાંચ વર્ષનો સુમન દેખાય છે –જેને છોકરીઓને હોય એવો ચોટલો રાખતા. બાબરી ઉતરાવવાનું આળસ હશે, કે કંઇ પણ કારણ હશે. હું સમજી શકું છું કે એ દૂરના ભૂતકાળમાં પણ હું કેટલો ન-રૂપાળો બલકે કદરૂપો લાગતો હોઇશ. સૂકલકડી શરીર. પ્હૉળી-પ્હૉળી ખાખી ચડ્ડી. માપથી મોટું ખમીસ. એના સોલ્ડર પર, બહાર, ઊભું ટાંકેલું ખીંટી-કાંટું. એક એ કારણે પણ મને તે જમાનાનું દરજીકામ અણઘડ લાગ્યા કરે. જોકે હમણાંના વિદેશવસવાટ દરમ્યાન કેટલાંક ‘માચો’ શર્ટ પર એ ખીંટી-કાંટું એમ જ ઊભું જોવા મળ્યું –લાગ્યું કે આપણા એ દરજી લોકો ખાસ્સા પ્રી-મૉડર્ન હતા ! મને ભલે કાળામાં ગણો. મારા રંગ અંગે ઇશ્વરને ફરિયાદ નથી. પણ એની અમુક કલાક્ષતિઓ માફ કરાય એવી નથી : જેમકે નાકને પૉઇન્ટેડ કરી શકાયું હોત. સમગ્ર દેહ-પ્રતિમા હજી ચાર-પાંચ ઇન્ચ ઊંચી ઘડી હોત તો સર્જકતા દીપી ઊઠત.

મારી જેમ દરેક વ્યક્તિને દેહ-પ્રતિમા મળી છે –જેને આપણે શરીર કહીએ છીએ. પણ જીવવા દરમ્યાન દરેક વ્યક્તિ પોતાની એક આગવી પ્રતિમા રચે છે –જેને આપણે એની ઇમેજ કહીએ છીએ. સમ્પ્રાપ્ત અવસ્થામાં હોવું –ટુ બી– એક વસ્તુ છે અને આ દુનિયામાં કશુંક બનવું –ટુ બીકમ– બીજી વસ્તુ છે. ‘હોવું’ અને ‘બનવું’. હું હતો તેમાંથી પ્રોફેસર બન્યો, રાઇટર બન્યો. સૌ મને મારી એ પબ્લિક ઇમેજથી ઓળખે છે. મોટે ભાગે હું પણ મને એમ જ ઓળખું છું. યાદ કરું તો જ યાદ આવે છે કે હું ‘સુમન શાહ’ નથી, ખાલી એક વ્યક્તિ છું. આજે એ વ્યક્તિની વાતો કરવી છે. પબ્લિક ઇમેજની નીચે સૂતેલી પ્રાઇવેટ કે પર્સનલ ઇમેજને બોલવા દેવી છે.

મારી પબ્લિક ઇમેજ બચ્ચનની છે તેવી હ્યુજ, વિશાળકાય, નથી. દિલીપકુમારની કે ધીરુભાઇ અંબાણીની છે તેવી મારી કોઇ ગ્રેટ સક્સેસસ્ટોરી નથી, મહા સાફલ્યગાથા નથી. આજે દિલીપકુમારને એમ કહેવું પોસાય કે યાર, હમ તો કભી બમ્બઇ મેં ફલ ભી બેચા કરતે થે. ધીરુભાઇ કહી શકે, કે કોઇવાર અમે ભજિયાં ય વેચેલાં. મારી પાસે જાત સામે ઊભા રહેવાની સચ્ચાઇ જરૂર છે પણ એ મુકાબલામાં જે કંઇ સંભવે તે બધું જ કહેવાની હિમ્મત નથી. મારી બા કહેતી : પારકાં આગળ જાંઘ ખોલવાનો કશો મતલબ નથી હોતો. એટલે કે અન્તર ઠાલવવાનો અર્થ નથી હોતો. બાંધી મુઠ્ઠી લાખની. પરન્તુ મારા શ્રોતાઓ કદી મને પારકા નથી લાગ્યા. એ ચાહક વિદ્યાર્થીઓનો ને એ જિજ્ઞાસુ સાહિત્યરસિકોનો વિશિષ્ટ સમુદાય હમેશાં મને પોતીકો લાગ્યો છે. અને આપ જો આને મારું અન્તિમ વ્યાખ્યાન ગણતા છો, અને અવિનાશભાઇએ મને પ્રેમપૂર્વક બોલાવ્યો છે, તો એ કારણે પણ મારે બાના ઉપદેશથી ખસીને કેટલીક પેટછૂટી વાતો કરવી જોઇએ, અન્તરને ખીલવા દેવું જોઇએ.

એ વયનું ખાસ કશું યાદ નથી. સ્લેટો પેનો પેન્સિલો ને દફતર યાદ છે. દફતર એટલે ખાખી જિન્સની ઝોળી –કાંટાં ઘસાઇને તૂટુંતૂટું થતાં હોય. એક વાર પિતાજી વડોદરાથી મારા માટે કણવાળી પેન્સિલ અને પાકા પૂંઠાની ત્રણસો પાનની નોટબૂક લાવેલા તે મને હમેશાં યાદ આવે છે. પાંચેય ભાઇબહેનોમાં મને સૌથી હોશિયાર ગણતા તેનું જાણે કે હૃદયંગમ પ્રતીક. આજની મારી કમ્પ્યૂટર-નોટબૂક જોડે એ નોટબૂકની સરખામણી થઇ જાય છે. એ મને કોરી મળેલી, કમ્પ્યૂટરની કોરી નથી, ભરેલી છે. બન્ને નોટબૂક કામની ગણાય : કોરીને મેં લખીને ભરી છે. એનાં પાનાંમાં મારો ભૂતકાળ ફરફરે છે. કમ્પ્યૂટરની નોટબૂકમાં મારો સનસનતો વર્તમાન છે, આપણા સૌનું ભવિષ્ય ધમધમે છે. ફળિયામાં ચચૂકા કૉડીઓ લખોટીઓ રમતા. સતોડિયું ને લંગડી ખરાં, પણ આંખ ફૂટવાની બીકે બૉલબૅટ નહીં, ઘૂંટણ છોલાવાની બીકે હુતુતુ નહીં. એક વાર કાણિયા કે ઢબુ પૈસાથી પત્તાં રમવા બાજુની ખડકીમાં, ત્રિકમજીની ખડકીમાં, પ્હૉંચી ગયેલો. પાછળથી આવીને પિતાજીએ જોરથી થપ્પડ મારેલી તે નથી ભૂલ્યો. એ પછી જીવનમાં પત્તાં કદી પ્રવેશી શક્યાં નથી. આજે આત્મવિશ્વાસથી હું એક જ રમત રમી શકું છું –ચેસ. કેમકે, કહેતો હોઉં છું, એમાં લકની નહીં, બુધ્ધિની જરૂર પડે છે ! એ જ ખડકીમાં ત્રિકમજી ભગવાન સામે રામાયણ ભજવેલું –જેમાં હું, જુઓ તો, હનુમાન બનેલો ! પિતાજી હનુમાન-ભક્ત હતા તે ભક્તિ વારસામાં મળી છે. તેઓ શનિવાર કરે એટલે જમણમાં જલસો. એ માટે શિખંડ લેવા હું જતો. હિમ્મત ગોલો ઉપર ચપટી ઇલાયચી ને પાંચ-સાત ચારોળી ભભરાવી આપે. એક રૂપિયામાં બશેર. બરાબર યાદ છે. દેખાય છે અત્યારે કલાઇવાળો પિત્તળનો એ દાબડો. કલાઇ કરનારા આવતા. જરી-કસબના તાર માટે જૂના બનારસી સાલ્લા ખરીદનારા આવતા. પવાલું ઘઉં કે ચોખા સાટે કાશીબોર, જાંબુ કે સીતાફળ વેચનારીઓ આવતી. છરી-ચપ્પાં ને કાતરને ધાર કાઢનારા આવતા. માથે મૅલું ઉપાડવા આવતા હરિજન મેઘા(કાકા)નો છોકરો કાનજી મારો દોસ્ત યાદ આવે છે –કેમકે એ નિશાળે બનાતની કાળી ટોપી પ્હૅરીને આવતો. ટોપીની ચાંચ કચડાઇ ગયેલી. મારે કાનજીની વાર્તા લખવી છે, બાકી છે. મોટીબા મરજાદી વૈષ્ણવ તે બંટાગોળીનો પરસાદ કાયમ આપે. જોકે નિશાળેથી સીધો ગયો હોઉં એટલે બધાં કપડાં ઉતરાવે ને પછી જ લેવા દે –કેમકે કાનજી જેવાં કેટલાંયને અડકીને પ્હૉંચ્યો હોઉં. એને અડકેશ-આભડેશનું બહુ. કૂતરાનો છાયો પડે તો ય ન્હાય. એને અવારનવાર તાવ આવે. પિતાજીને પણ ટાઢિયો તાવ મહિને દા’ડે આવે જ આવે. શરીર પર રજાઇઓ ને જાડું ગાદલું નખાવે –કહે કે તું હવે ઉપર ચાલ. પિતાજી નરમદિલ હતા, જ્ઞાતિનાં સમ્મેલનો માટે પ્રાર્થનાઓ સંવાદો ગરબા લખી શકતા. ખાસ તો, ગમતી વાતોનું ગાણું ગાઇ શકતા. હું વાર્તા રચું ત્યારે પિતાજી યાદ આવે ને વિવેચન કરું ત્યારે બા. બા તીખી, દાઝીલી. ખોટી કોઇ પણ વાતની વિરોધી. એ માટે કંકાસ થાય ત્યાં લગીનો ઝઘડો કરે. હું મોટો તે સંચે દળણાં દળાવવા મને જ મોકલે. ઘાણીએ તેલ, ધૂપેલ લેવા મારે જ જવાનું. એ મગની કે મઠની દાળો ઘરે પાડતી. ડાંગર પલાળીને પૌંઆ ખાંડતી. છાપરે ભીંડા ને ટીંડોળાંની કાચલીઓ માટેનાં સૂકવણાં કરતી. પાપડ અથાણાં થાપડા સાળેવડાં બધું જ ઘરે બનાવે. કાછડો વાળીને લીંપણ કરે, જાળાં પાડે. એનાં આવાં બધાં કામોમાં મારે એની પડખે રહેવાનું…

આજે મારા અને આપણા સૌના જીવનમાં બધું એટલું બધું બદલાઇ ગયું છે કે આવી બધી વાતો ગઇગુજરી લાગે છે; સાચકલી છે છતાં વારતા જેવી લાગે છે. પણ મારા ભાવજગતમાંથી એ કદ્દીયે ગઇ નથી. જિવાયેલા એ ભૂતકાળની સાથે આજકાલ મને મારું એક અન્તિમ ભવિષ્ય દેખાવા લાગ્યું છે : એમ કે હું અમેરિકાની કે યુરપની કોઇ હૉસ્પિટલમાં કે તેના કોઇ નર્સિન્ગહોમમાં પથારીવશ છું. ત્યાં કેમ? એટલા માટે કે એક દીકરો અમેરિકામાં અને એક યુરપમાં સ્થાયી વસે છે. કલ્પના આમ ચગે છે : હું જાણે છેલ્લા શ્વાસની રાહ જોઉં છું. અનેક સગાંવહાલાં નથી, મિત્રો કે ચાહકોનું કોઇ મોટું ઝૂમખું નથી. સફેદ ફ્રૉકમાં ગોરી નર્સ આમતેમ ફરી રહી છે. ચોપાસ ડિસ્ઇન્ફૅક્ટન્ટની વાસ છે તેને સૂંઘતો છું. છત જોયા કરું છું. સામે વૉલ-ક્લૉકમાં સેક્ન્ડ કાંટો સરકે છે. મને ક્યારે બોલાવી લેવો તે માટે છતની પેલે પાર ઇશ્વર પણ વારે વારે પોતાના કાંડા-ઘડિયાળમાં ટાઇમ જુએ છે. જોકે જોયા જ કરશે કેમકે ત્યારે કે પછી ક્યારેય હું એમને ના જ પાડવાનો છું, જવાનો નથી, કેમકે મારે જવું જ નથી…

આ વ્યાખ્યાનનો પૂર્વકાલીન દાયકો ને તે અગાઉના ચારેક દાયકા માત્ર સાહિત્યવિદ્યાવ્યાસંગમાં વીત્યા છે. એટલે કે જિન્દગીનાં પચાસેક વર્ષ લખવા-વાંચવા ને વ્યાખ્યાનો કરવામાં વીત્યાં છે. શબ્દની નિરન્તર ઉપાસના સિવાયનો કશો જ વ્યવસાય કર્યો નથી. હવેનાં વર્ષોમાં એથી જુદું કરવાની ઇચ્છા નથી, જરૂરત નથી, શક્યતા પણ નથી.

હું એમ કહેવા માગતો’તો કે દેહ-પ્રતિમા ભલેને ગમે તેવી મળી હોય, માણસ પોતાની આગવી પ્રતિમા ઘડ્યા જ કરે છે. ઇમેજ બનાવવી ને ઇમેજ ટકાવવી. એનું નામ જ જીવનપુરુષાર્થ. હવે, બને છે એવું કે માણસ ‘હોવું’ એ વીસરી જાય છે ને ‘બનવા’ પાછળ મંડ્યો રહે છે; મરે ત્યાં લગી મંડ્યો રહે છે. આ બાબતે આપણે અન્ય પ્રાણીઓથી સાવ જુદા છીએ. જુઓ, કૂતરાઓને કશું બનવું નથી –મિનિસ્ટર, મેયર કે પંચાયત પ્રમુખ. બિલાડીઓમાં કોઇને મિસ યુનિવર્સ કે મિસ વર્લ્ડ બનવું નથી. બળદોમાં ચૂંટણીઓ નથી હોતી. વરુ કે દીપડા ક્રિકેટ નથી રમતા. શિયાળ જાતિમાં ‘આઇપીએલ’ નથી. વાઘ-સિંહે કારખાનાં નથી ખોલ્યાં. હરણ મજૂરીએ નથી જતાં. ચકલીઓ પ્રોફેસર નથી થતી. કાગડાઓ વ્યાખ્યાનો નથી કરતા. અધિવેશનો જ્ઞાનસત્રો પરિસંવાદો શિબિરો વ્યાખ્યાનમાળાઓ, આ પ્રકારનું અન્તિમ વ્યાખ્યાન, મનુષ્યેતર સૃષ્ટિમાં નથી.

આનું મુખ્ય કારણ તો મનુષ્યનું પોતાનું બંધારણ છે. એ સ્વપ્નદ્રષ્ટા છે. કોઇએ એને રીઢો સ્વપ્નદ્રષ્ટા કહ્યો છે. રીઢો ગુનેગાર જેમ એક પછી એક ગુના કર્યે જાય એમ માણસ એક પછી એક સપનાં ઘડતો ચાલે છે. એક સ્વપ્ન સિધ્ધ થાય કે ન થાય તરત બીજું ઘડી કાઢે છે. શાસ્ત્રીય સંગીત શીખવતી ગાયકવાડી ગાયનશાળામાં મેં ત્રણ વર્ષ કાઢેલાં. પણ કહેવામાં આવેલું એમ, કે ગવૈયા નથી થવાનું. મારું ડ્રૉઇન્ગ સારું –ઇન્ટરમીજ્યેટ પાસ છું. એટલે થયેલું કે આર્કિટેક્ટ તો જરૂર થવાય. પણ મૅટ્રિકમાં સાઠ ટકા ન આવ્યા. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નામનું દુનિયાનું જે એક અતિ કઠિન સ્વપ્ન છે, તેમાં સંડોવાયો. એ માટે કૉમર્સમાં ગયો ને બે-બે વાર નપાસ થયો. મને બરાબર યાદ છે ખૂણાની બારીએ બેસી ખૂબ રડેલો. સપનાં મનુષ્યના મનોજગતમાં વસે છે. પણ સપનાંની સિધ્ધિની શક્યતાઓ બહારના જગતમાં હોય છે. દરેક સપનાની સામે અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો હોય છે. સંજોગો અનુકૂળ ન હોય તો સપનાંમાં ઘણીબધી તોડફોડ થતી હોય છે, કરવી પડતી હોય છે. મારે સંગીત કે ચિત્રને પડતાં મૂકી ‘બૅન્ક રીકન્સિલિએશન સ્ટેટમૅન્ટ’ અને કૉમર્સિયલ જ્યૉગ્રોફી હાથમાં લેવાં પડેલાં  –જેણે મને હેરાન પરેશાન કરી મૂકેલો.

સમજવાનું એ છે કે સંજોગો માણસે ઊભાં કરેલાં ભાત ભાતનાં તન્ત્રોને, એટલે કે સિસ્ટમ્સને આભારી છે. કુટુમ્બ જ્ઞાતિ સમાજ પ્રદેશ રાષ્ટ્ર વગેરે સંદર્ભોમાં અનેકાનેક તન્ત્રો છે –જે મારાં સપનાંને અમુક જ કદ-માપમાં ને ભાતમાં વેતરી નાખે છે. શિક્ષણ એક ભારે મોટી સિસ્ટમ છે. સંસ્કૃતિ અને સભ્યતા નામની સુપર સિસ્ટમનું એ પ્રવેશદ્વાર છે –ગેટ-વે. એ રસ્તે થઇને ‘હોવું’ નામનું માનવીય દ્રવ્ય કશાક બીબામાં ઢળાઇ જાય છે. અંદરના માણસને એ થોડા જ સમયમાં બહારની દુનિયામાં દોડે એવો બનાવી આપે છે. એવો માણસ શિક્ષિત સંસ્કારી અને સભ્ય કહેવાય છે. હવે, વિચિત્રતા તો જુઓ, આ શિક્ષિત સંસ્કારી ને સભ્ય ગણાતા બધા જ લોકો બીજાંનાં સપનાંને માટેની સિસ્ટમ્સ વિચારે છે, ને બનાવે છે પણ ખરા. પ્રપંચથી પ્રપંચ વિસ્તરે છે. એ લોકો સ્વર્ગ-નરક, પાપ-પુણ્ય, નીતિ-અનીતિ વગેરે જોડકાંઓ રચીને કુટુમ્બ જ્ઞાતિ કે સમાજને, કહો કે, પ્રજા સમગ્રને માનવતા અને જનકલ્યાણના રસ્તા બતાવે છે : અમુક સરિયામ રસ્તા. અમુક વાંકાચૂંકા. કેટલીક ભુલભુલામણીભરી ગલીકૂંચીઓ. બધો પ્રપંચ-વિસ્તાર. સપનાં અને સિસ્ટમ્સનું આ દ્વન્દ્વ ઘણું ધ્યાનપાત્ર છે. ચીની ફિલસૂફીમાં યિન્-યાન્ગનું એક પ્રતીક છે –સર્પના જડબામાં એનું પોતાનું પુચ્છ. મારું માનવું થયું છે કે સિસ્ટમ્સ અને ડ્રીમ્સ, એટલે કે સપનાં, એકમેકથી એ રીતે જોડાયાં છે. મારી દૃષ્ટિમાં સિસ્ટમ્સ યાન્ગ છે –બહિર્ વાસ્તવ. અને સપનાં યિન્ છે –આન્તર વાસ્તવ. હું છું, પણ મારું સમગ્ર હોવાપણું દુનિયાના જડબામાં ગ્રસ્ત છે. મારું સ્વ સર્વથી જકડાયેલું છે. સપનાં વારંવાર ઊડી જાય છે ને જાગીને જોઉં છું તો ? જગત, જગત જ દીસે છે! વ્યાખ્યાનમાં મારે એમ બતાવવું છે કે સિસ્ટમ્સ અને સપનાંના આ દ્વન્દ્વને તોડી શકાય છે. મારા વ્યાખ્યાનની આ ‘પ્રતિજ્ઞા’ છે. એનો લક્ષ્યવેધ કરી શકાય છે –જેમ અર્જુને મત્સ્યવેધ કરેલો. એટલે પછી મળે છે શું ? બહારના જકડાટથી છૂટકારો. ચોપાસ આન્તર વાસ્તવના પોતાના જ સત્ત્વનો વિલાસ. જ્યાં કશોક જીવનધર્મ ઝલમલે છે. કહો કે અન્તરમાં દીવા દીવા પ્રગટે છે !

આનું બીજું કારણ મને એ સમજાયું છે કે મનુષ્ય સ્વપ્નદ્રષ્ટા હોવા ઉપરાન્ત વિજિગીષુ અને સત્તાખોર પ્રાણી છે. એને પ્રકૃતિ પર વિજય મેળવવો છે. એને સ્વજનો પર તેમજ પરાયાં પર વિજય મેળવવો છે. એને ઘરમાં ને ઘર બહાર સર્વત્ર સરહદો વિસ્તારીને સત્તાશાળી બનવું છે. રાજસત્તા અને ધનસત્તા એટલે જ એને કાયમથી આકર્ષે છે. પોતાના નામના એને સિક્કા પડાવવા છે, ધજાઓ ફરકાવવી છે. મનુષ્ય સ્વપ્નદ્રષ્ટા વિજિગીષુ ને સત્તાખોર છે તેથી એનું જીવન વિધવિધની સિસ્ટમ્સમાં હમેશાં વ્યસ્ત રહે છે. સિસ્ટમ્સ, સુપર સિસ્ટમ્સ. સ્ટ્રક્ચર્સ, સુપર સ્ટ્રક્ચર્સ. ધર્મો, વિજ્ઞાન, યન્ત્રવિજ્ઞાન. પાવર, સુપર પાવર.  પ્રોડક્શન, માસ પ્રોડક્શન, માસ ડિસ્ટ્રીબ્યુશન. મીડિયા, માસ મીડિયા. પોલિટિક્સ, વર્લ્ડ પોલિટિક્સ. ઇકોનૉમી, ગ્લોબલ ઇકોનૉમી. અલબત્ત એની ના નહીં કે આ બધી સિસ્ટમ્સને પ્રતાપે માનવજાતની આગેકૂચ થઇ છે –ઍડવાન્સમૅન્ટ, પ્રગતિ. પરન્તુ એને જ પરિણામે, અકસ્માતો ધાંધલ-ધમાલ ઘોંઘાટ સંઘર્ષ હુમલા ભાંગફોડ આગ આતન્ક હિંસા બૉમ્બમારો વિશ્વયુધ્ધો ને વ્યાપક નરસંહાર પણ થતાં રહ્યાં છે. એને માટે માનવસંસાર આધુનિકીકરણની એક અવિરત પ્રક્રિયામાં મૂકાયો છે –અ કન્ટિન્યુડ મૉડર્નાઇઝેશન; જેની ચરમ સીમા વર્તમાન વૈશ્વિકીકરણ છે, ગ્લોબલિઝેશન. પણ, જુઓ તો ખરા, આ બધું, બધું જ, માણસને કોઠે પડી ગયું છે. ચોપાસ અર્થશૂન્યતા છે એમ સમજવા છતાં માણસ એને વેઠ્યા જ કરે છે. શું ધરમકરમ, શું જ્ઞાન-વિજ્ઞાન, શું આધુનિક, શું વૈશ્વિક, બઅધ્ધાંને વિસારે પાડીને માણસ પોતાની ગતમાં જ જીવ્યે રાખે છે. સપનાં ભૂલાઇ જાય, તેના ચૂરેચૂરા થઇ જાય, દુ:સ્વપ્નની વિભીષિકા માંહ્યલાને ચૂંથી નાખે, તો ય માણસ જીવ્યે જાય છે. માણસના આ નર્યા સંસારી સ્વભાવનું શું કરી શકાય? એની આ મન્ડેન રીયાલિટીનું, ઐહિક વાસ્તવિકતાનું, શું કરી શકાય? આ મૅટર ઓવ્ ફૅક્ટ છે અથવા તો મૅટર ઓવ્ ફૅક્ટ-નેસ છે. કાળમીંઢ હકીકત અથવા કાળમીંઢ હકીકત-તા. એનું શું કરી શકાય?

પરમ્પરાગત ધર્મો, નીતિ-સદાચારનાં શાસ્ત્રો માણસ નરમાંથી નારાયણ બને એવા રસ્તા દેખાડી શકે છે. હું પણ ધાર્મિક, સદાચારી અને નિર્દોષ મનુષ્યજાતિની કલ્પના તો કરી શકું છું. પણ એ ન સ્વીકારી શકાય એવી વાત છે. કેમકે માણસજાત વાસ્તવમાં કોઇ કાળે પણ એમ હતી નહીં. હું કે આપણે કહી શકતા નથી કે કોઇ પણ ભાવિમાં માણસો એવાં હશે જ હશે. એમ કહેવું અને સાંભળવું ગમે છે કે માણસ પશુથી ચડિયાતો છે. એમ પણ કહેવાયું છે કે આ સંસારમાં મનુષ્યથી શ્રેષ્ઠ કોઇ નથી. વાત સાચી છે : પ્રાણીઓમાં મહાભારત યુધ્ધ નથી લડાયું. જાનવરો આપણા જેટલાં સંઘરાખોર નથી. માણસ જેવું અસત્યવચની કોઇ નથી. એના જેટલું નિદર્ય પણ કોઇ નથી. પશુઓ આપણા જેવાં હિંસક તો નથી જ. આખલાઓ તલવારો લઇને નથી ઘૂમતા. પાડાઓ ગન નથી રાખતા. દીપડાઓ રાઇફલ લઇને નથી ફરતા. કબૂતરની પાંખમાં ખંજર નથી હોતું. પ્રાણીજગતમાં ન્યૂક્લિયર વેપન્સ કે એ.કે. ફોર્ટી સેવનના ગુપ્ત ભંડારો નથી. એમની દુનિયામાં ઔદ્યોગિક અને અનુ-ઔદ્યોગિક ક્રાન્તિઓ કે વિશ્વયુધ્ધો નથી થયાં. એમને હન્ગર પ્રોજેક્ટ નથી કરવો પડ્યો. એમને ઇંધણ-બચાવ કે ગરીબી-હટાવ ઝૂંબેશો નથી ચલાવવી પડી. પૉલ્યૂશન અને સોનિક પૉલ્યૂશનથી પ્રાણીઓનાં નાક અને કાનને ગૂંગળામણોના વિકટ પ્રશ્નો નથી થયા. સાવ જ ભયાવહ હકીકત તો એ છે કે આ મહા ફસામણમાંથી છૂટવાનો એકેય માર્ગ માણસજાત માટે બચ્યો નથી. રીટર્ન-ટુ-નેચર કે ગો-બૅક હવે શક્ય નથી.

અહીં મારા વ્યાખ્યાનનો પૂર્વ ભાગ પૂરો થાય છે. રીટર્ન-ટુ-નેચર કે ગો-બૅક હવે શક્ય નથી એ આ પૂર્વ ભાગનું છેલ્લું વાક્ય છે, ભરતવાક્ય છે. ભરતવાક્ય હમેશાં આશીર્વાદ સૂચવે, જ્યારે આ ભારોભારની અશક્યતા સૂચવે છે.

+++

હવે ઉત્તર ભાગ. અને તે શક્યતા સૂચવનારો છે.

તો શું શક્ય છે? એક શક્યતા પહેલેથી ખુલ્લી છે. અર્થશૂન્યતા વચ્ચે અર્થ પેદા કરવાનો પ્રયાસ તો કરી જ શકાય છે. બહાર આટલી મોટી ફસામણ જે છે તેને બ્રૅકેટમાં મૂકીને, ઘડીભર વિસારે પાડીને, માણસ કંઇ નહીં તો પોતાનામાં પાછો તો ફરી શકે છે. દેખીતું છે કે ઍક્સ્પ્રેસ હાઇ-વે પર યુ-ટર્ન અનિચ્છનીય છે. પણ અંદરના ટ્રાફિકમાં યુ-ટર્ન હમેશાં શક્ય છે, હમેશાં ઇચ્છનીય છે. સ્વ-સ્વીકાર અને આત્મસાક્ષાત્કાર આખી માનવજાત માટે ભલે નહીં પણ વ્યક્તિ માટે તો હમેશાં શક્ય હોય છે. સ્વ-સત્તાને શરણે ચાલી જવું મારા માટે ક્યારેય અશક્ય નથી હોતું. જાત આગળ હું પૂરું સાચકલું રડી તો શકું છું. મારી વિજિગીષાને હું તો કાબૂમાં લઇ શકું છું. મારાં સપનાંની અશક્યતાઓને હું તો ઓળખી શકું –કપરી વાસ્તવિકતાઓનો સામનો કરવાનો તો પછી આવે.

મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો એટલે થવું’તું કે કુટુમ્બની ગરીબીનો નાશ થાય. ગવર્નમૅન્ટ વર્કશોપમાં ટાઇમકીપરની નોકરી પણ કરી છે –ત્રણ રૂપિયાના ડેઇલી-વેજીસથી. ભાઇઓ-બહેનોને પરણાવવામાં પિતાજીને મદદ કરી શકું. જોકે, જેમાં મારી પૂરી સમ્મતિ હોય એવું લગ્ન તો મારા એકલાનું જ થયું છે. મારી માન્યતા બંધાઇ છે કે કોઇપણ લગ્ન સ્વની મરજીથી થવાં જોઇએ. સમ્મતિ કે બહુસમ્મતિ પાછળથી મેળવી શકાય છે, અથવા તો મળી આવતી હોય છે. બાળલગ્ન કે કાચી વયનાં લગ્ન હોય છે તેમ બાળપ્રેમ કે કાચી વયનો પ્રેમ પણ હોય છે. મને એ જાતના પ્રેમનો, જોકે નિષ્ફળ, અનુભવ જરૂર મળેલો. અલબત્ત, પ્રેમ માટે, ઉમ્મર ગમે તે હોય, ખાસ પ્રકારનું બાળકપણું જરૂરી છે. કેમકે હોશિયારીથી દુનિયાનાં બધાં કામ કરી શકાય છે, પ્રેમ નથી કરી શકાતો. મને એ જાતના પ્રેમમાં પડવાનો અવસર પણ સાંપડેલો, જેમાં, હું સફળ થયો. પ્રેમની વાત નીકળી જ ગઇ તો એને અંગેની મારી એક માન્યતા પણ જણાવી દઉં : હું પ્રેમને પરમ સત્ય ગણું છું કેમકે હું પ્રેમ કરું કે તરત સામાને ખબર પડે છે, સામો કરે કે તરત મને ખબર પડે છે. હું ન કરું કે એ ન કરે તો પણ તરત બધી ખબરો પડે છે. પ્રેમને પુરવાર નથી કરવો પડતો. મનુષ્યજીવનનું એકેય સત્ય આટલું સદ્ય, નિરાવરણ, પ્રમાણથી પર, સહજ અને સરળ નથી.

આપણે વાત કરતા હતા સ્વ-સ્વીકારની. સ્વ-સ્વીકાર એટલે પોતાની મર્યાદાઓનો સ્વીકાર. પોતાનાં આંસુઓની ઓળખાણ. સાથોસાથ, સ્વ-સ્વીકાર એટલે પોતાની શક્તિઓની ઓળખ : અતલ ઊંડાણે પડેલી છીપલી દેખાઇ જાય. તેમાં ગોઠવાયેલું મોતી મળી આવે. અંદર પડેલું એ રતનધન જડી આવે પછી જીવનના બધા ક્રમ-ઉપક્રમ, ક્રિયાકાણ્ડ ને વિધિ-વિધાન આપોઆપ બદલાઇ જાય છે –એક એવો ધર્મ જડી આવે છે, જેને સ્વકીય કહી શકાય, જે અંગત ફિલસૂફી પર ઊભો હોય. સ્વ-સ્વીકારનો અર્થ એ નહીં કે પારકાનો તિરસ્કાર. સ્વકીય ધર્મનો અર્થ એ નહીં કે પરધર્મની અથવા સર્વસામાન્ય ધર્મની અવહેલના. ના, એવું નહીં. નહીં જ નહીં.

મારો મતલબ એમ છે કે જે કંઇ સર્વસામાન્ય છે તેને ‘ઇરેઝર’ હેઠળ મૂકવાનું. એટલે કે છૅંકી તો નાખવાનું પણ એવું રાખવાનું  કે એ છૅંકેલું છે એમ દેખાય. એટલે પછી, કોઇ અંગત ભાવસંવેદનમાંથી જેમ મૌલિક કાવ્યનો પ્રસવ થાય છે તેમ સપનામાંથી મૌલિક જીવનશૈલીનો પ્રસવ થાય છે. કહો કે સપનું પોતે જ સિસ્ટમ બની જાય છે. યિન્-યાન્ગનું દ્વન્દ્વ તૂટે છે, તેનો વિલય થઇ જાય છે. અંદરના સત્ત્વને પ્રતાપે નાનો શો જીવનધર્મ જડી આવે છે. સ્વ-તન્ત્રે જીવવાનું શરૂ થઇ જાય છે. હવે એ બહાર ફાંફાં નથી મારતો, અંદર ફંફોસે છે. સ્વ સ્વને શોધે છે ને સ્વને પામે છે. પોતે જ લેણદાર ને પોતે જ દેણદાર. પોતાનો હિસાબ પોતે જ લે. પસંદગીઓ જો પોતે કરી છે તો તેનાં ચૂકવણાં પણ પોતે જ કરવાનો –પેમૅન્ટ ડ્યુ ટુ ઓન ચૉઇસિસ.

આ વ્યાખ્યાન મારે કરવું એ મારી પસંદગી છે. તમારે સાંભળવું એ તમારી પસંદગી છે. એ માટે આપણે બન્નેએ કરવું ઘટે તે બધું જ કરવું તે એનું ચૂકવણું છે. પસંદગીકાર પસંદગીનાં પરિણામો પણ જાતે જ ભોગવવાનો. હાથનાં કર્યાં હૈયે વાગ્યાં એમ નહીં, વાગેલાંને હૈયે વળગાળવાનો. મને જ્યારે કોઇ એક ક્ષણે બરાબર ખબર પડી કે મારામાં ભાષા-સાહિત્યની શક્તિ ખાસ છે, ત્યારે, ચીંથરે-વીંટ્યું રતન હથેળીમાં ખૂલે, ઝગમગે, ને ગરીબ આદમી ખુશીનો માર્યો ઘાંઘો થઇ જાય, એમ હું ઘાંઘો થઇ ગયેલો. આર્ટ્સના પહેલા વર્ષની સત્રાન્ત પરીક્ષામાં આખી કૉલેજમાં ફર્સ્ટ આવેલો. જુનિયર બી.એ.માં પહેલો લેખ કર્યો ને તે ‘બુધ્ધિપ્રકાશ’માં છપાયો. બે સ્વપ્ન જોડિયાં જન્મ્યાં : પ્રોફેસર થવું અને સાહિત્યમાં નામ કાઢવું. એમ.એ.માં ગોલ્ડ મૅડલ સાથે ફર્સ્ટ ક્લાસ ને તેથી ટ્યુટર કે લૅક્ચરર નહીં પણ સીધો જ પ્રોફેસર થયો. તે જ વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર થયો. માર્ચમાં એમ.એ.નો વિદ્યાર્થી હોય ને તે એ જ વર્ષના જૂનમાં એમ.એ.માં ભણાવતો થાય –કારકિર્દીનો એ તે કેવો પડકારભર્યો શુભારમ્ભ !

માણસ સ્વપ્નદ્રષ્ટા, વિજિગીષુ ને સત્તાખોર છે તેમ એ ભાગેડુ પણ છે. ખાસ તો એ પોતાની જવાબદારીઓમાંથી પલાયન કરી જાય છે. પેમૅન્ટ ડ્યુ ટુ ઓન ચૉઇસિસ માટે હમેશાં કાલાં કાઢે છે. પોતાની પસંદગીઓ સામેનાં ચૂકવણાં કરવામાં હમેશાં ઠાગાઠૈયા કરે છે. કૉમર્સમાં મેં રખડી ખાધેલું. પૂરાં પુસ્તકો વસાવ્યાં હોય, લાઇબ્રેરીએ ગયો હોઉં, તો વાંચવાનો પ્રસંગ આવે ! વડોદરામાં યુનિવર્સિટીનો સૅન્ટ્રલ હૉલ, કમાઠીબાગ, બૅન્ડ-સ્ટેન્ડ, પૅવેલિયન, રેલવે-સ્ટેશન, લારિલપ્પા, ન્યાયમન્દિર અમારી ટોળીને અતિ પ્રિય હતાં. ભટકી કરીને થાક્યા પછી કૅનેરા કાફેની રાઇસ-પ્લેટ ને કચોરી ખાવામાં કે ઇરાની રેસ્ટટોરાંની આમ્લેટ ખાવામાં ઘણી સાંજો ઊલટથી વાપરી છે. બિનાકા સાંભળવામાં; પ્રતાપ, મોહન કે શારદા ટૉકિઝમાં દિલીપકુમાર, રાજકપૂર ને દેવાનન્દની ફિલ્મો જોવામાં; છાત્રાલયમાં મોડે લગી છોકરીઓની વાતો કરવામાં; બેફામ ફૅન્ટસીઓમાં હસી-હસીને રાચવામાં; ઘણી બધી રાતો વીતાવી છે. હું અધ્યાપક થયો ત્યારે સમજાયું કે ઊગતી જુવાનીની એ બધી અડબંગ ને ઊડઝૂડ રંગતો કેવી તો ગર્તામાં ધકેલનારી લપસણી અને ખતરનાક હતી. કદાચ એટલે જ સમજાયું કે અધ્યાપકના ધંધામાં મારાથી સ્વાધ્યાય અને પ્રવચન બાબતે પ્રમાદ નહીં કરાશે. મારે જો સાહિત્યમાં નામ કાઢવું છે તો ગુજરાતી, સંસ્કૃત, ભારતીય અને વિશ્વનાં સાહિત્યોની મને ખબર હોવી જોઇશે; એટલું જ નહીં, મને તે-તેના મર્મોનું ય ભાન પડવું જોઇશે. સ્વાધ્યાય અને પ્રવચનનો એ સિલસિલો આજે પણ ચાલુ છે. લેઇટ સિક્સીટ્ઝથી સેવન્ટીઝ દરમ્યાન પસંદગી-ના-પસંદગી મુજબનું આડેધડનું ખૂબ વાચ્યું –મુખ્યત્વે પશ્ચિમનું. પણ પછીનાં વરસોમાં એમાં પસંદગી અને જરૂરિયાત દાખલ થયાં અને ખાસ તો, લખવાનું વધતું ચાલ્યું.

મને વિવેચક ભલે ગણો, એના ઉત્તમોત્તમ અર્થમાં હું એ નથી. ઉજ્જડિયા ગામના બેચાર એરંડિયામાંનો એક છું, અનુપજાઉ છું, એમ ભાસ્યા કર્યું છે. તેમછતાં મારાં વિવેચનો વડે હમેશાં મેં સાહિત્યપદાર્થની ભરપૂર ખેવના કરી છે. ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસનું હિત હરદમ ચિન્તવ્યું છે. મારી મને મળેલી ઓળખ એ હિતચિન્તાના કાયમના સહભાગી તરીકેની છે : ગુજરાતી ભાષામાં છેલ્લાં પિસ્તાળીસ-પચાસ વર્ષથી ચાલી રહેલા સાહિત્ય-સર્જન-વિવેચન-વિચાર નામના એક અપરમ્પરાગત શૈલીના કન્ટિન્યુડ ડિસ્કોર્સનો હું સહભાગી રહ્યો છું, નિત્યના વિચારપરામર્શનો સહભાગી રહ્યો છું : અરે, કહો તો, મારાં સર્જનાત્મક લેખનોને પણ હું એક રીતે એ ડિસ્કોર્સનો જ અંગત આવિષ્કાર ગણું ! એ હેતુએ પૂરા પ્રેમે કરીને મેં મારી સર્જકતાને અવારનવાર અભરાઇએ મેલી છે; ‘વિવેચક’-ગાળને ઘીની નાળ ગણી છે; ‘બરોડા-સ્કૂલ’ના કે ફલાણા-છાપના ગણાઇને કારકિર્દીમાં મોટાં મોટાં નુક્સાન વેઠ્યાં છે, સમજ-ના-સમજભરી ચર્ચાઓથી લાધેલાં માન-અપમાન સ્વીકાર્યાં છે. પણ આમાંની એકેય વાતનું મને ક્યારેય અંગત દુ:ખ નથી વસ્યું. બલકે, આ આપણી સાહિત્યિક વાસ્તવિકતા છે એમ ગણીને તેનો મેં ભરપૂર અંગીકાર કરેલો છે.

સ્વાધ્યાય અને પ્રવચન અધ્યાપકનાં ધર્મ છે પણ મારા માટે તો જીવન છે. મારી જીવનશૈલીનાં એ ધારકપોષક પરિબળો છે. મેં એ માટે ઘણાં ચૂકવણાં કર્યાં છે ને એણે મને હમેશાં ઘણાં જ ઘણાં સુખ આપ્યાં છે. એ સુખનું પહેલું નામ સાહિત્ય-કલાનો આનન્દ છે, બીજું નામ વિદ્યાનો આનન્દ છે, ને એ સુખનું ત્રીજું નામ પ્રેમ છે. દેશ-વિદેશમાં સાહિત્ય-કલાએ મને કંઇ કેટલાંય અપરિચિતોનો ઊંડો પરિચય કરાવ્યો છે. એ અપરિચિતો તે મને હમેશાં ગમ્યા કરતા સર્જકો, વિવેચકો, ફિલસૂફો. એ અપરિચિતો તે મારું નાનું-મોટું વાંચ્યા પછી કાયમનાં મારાં થઇ ગયેલાં થોડા વાચકો, ચાહકો, કેટલાક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ, અમુક અધ્યાપકો. એ અપરિચિતો તે મને સાહિત્યના માણસ તરીકે જાણ્યા પછી મને એ વાતે ચાહ્યા કરતા મારા કેટલાક બિન-સાહિત્યિક મિત્રો. શી ખબર, હવે મને આનન્દ પાસે સાહિત્ય સમાપ્ત થાય તે પૂરતું નથી લાગતું –આનન્દમાંથી છેવટે તો પ્રેમ પ્રગટવો જોઇએ. કલારસાયન એવું હોય જે પ્રેમે ભોગવાય ને અખૂટ એવું જીવનરસાયન બની જાય. હમણાંનો હું એમ માનવાને મજબૂર થયો છું કે સાહિત્યનું મૌલિભૂત પ્રયોજન અને પરિણામ ભલે આનન્દ છે, પણ સાથોસાથ, પ્રેમ પણ છે. સાહિત્ય-સર્જન પ્રેમથી પ્રયોજાય અને એનું છેલ્લું પરિણામ પ્રેમ હોય. સાહિત્ય-વિવેચન પ્રેમથી પ્રયોજાય અને એનું છેલ્લું પરિણામ પ્રેમ હોય. ખરેખર તો કલાકાર માણસની પહેલી અને છેલ્લી પ્રતિબધ્ધતા પ્રેમ પ્રત્યે છે. પહેલી અને છેલ્લી અભિમુખતા પણ પ્રેમ પ્રત્યે છે. નહીંતર, સંભવ છે સર્જનને નામે સાહિત્યકારો કશી ગમતીલી શબ્દરમતમાં કાલયાપન કરતા હોય. સંભવ છે કે કશા કહેવાતા વસ્તુલક્ષી વ્યાપારને નામે અંગત રાગ અને દ્વેષના વાટણને વિવેચન કહેતા હોય. વાક્-છલ એવી છલના છે જેથી માણસ ખરેખર ન હોય તોપણ પ્રતિબધ્ધ કે અભિમુખ લાગે છે. વાક્-છલ એવી છલના છે જેની છલનાકારને પોતાને જ ખબર નથી પડતી, અને જ્યારે પડે છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે.

પેમૅન્ટ ડ્યુ ટુ ઓન ચૉઇસિસ, પોતાની પસંદગીઓ સામેનું ચૂકવણું, મારે મન મોટી ફિલસૂફી છે. મારા આ વ્યાખ્યાનનો એ મુખ્ય સૂર છે, કી-નોટ છે. હકીકત એ છે કે દરેક માણસમાં એનાં, એનાં પોતાનાં જ કર્તવ્યોમાંથી છટકી જવાની ચતુરાઇ ભરી પડી છે. આરામ શાહ બોરડી નીચે સ્વપસંદગીએ સૂતેલા છે. એ સજ્જન એમ ઇચ્છે છે કે એમની છાતી પર પડેલું બોર કોઇ બીજો જણ એમના મૉંમાં મૂકે ! અથવા એમને બેઠા કરે ! દરેક માણસમાં પોતાની જ જવાબદારીઓ બીજાને માથે ઓઢાડવાની હોશિયારી ભરી પડી છે. નબળો માટી બૈયર પર શૂરો હોય છે. શેઠિયો એમ ઠસાવે છે કે કજગાએ ફોલ્લી જે થઇ તે એના ચાકરના આળસને કારણે થઇ ! પસંદગી માગે તે બધું કરવાની તત્પરતા હોય તો તેનાં સારાં પરિણામોનો માણસ અઢળક આનન્દ પામે છે. ભૂરા આકાશ નીચે લહેરાતા ઘઊંના સોનેરી પાકને જોઇને ખેડુને જે રાજીપો થાય છે તે સ્વર્ગીય હોય છે. માણસો જાતને જવાબદાર હોય તો સ્વપસંદગીનાં માઠાં પરિણામોને પણ વધાવી શકે છે. દેવાળું કાઢીને બબલદાસ કારાવાસ વેઠે પણ સમજે કે એ તો પોતે કરેલા બેફામ સટ્ટાનું ફળ છે. એમનામાં એવું સાનભાન પ્રગટે. ચૂકવવા નીકળેલો માણસ એ રીતે જાત પ્રત્યે ઉદાર થઇ શકે છે. ને તેથી સામાની પસંદગીઓ બાબતે પણ ઉદાર થઇ શકે છે. ને એટલે એને સામાનો સ્વીકાર કરવાનું મન પણ થાય છે. સ્વ-સ્વીકારને લીધે જ પર-સ્વીકાર સરળ થઇ જાય છે. પોતાની જીવનસંગિની માટેની અમારા બન્ને દીકરાઓની પસંદગીઓ અમારે સ્વીકારવાની આવી ત્યારે આ ફિલસૂફીએ ઠીકઠીક મદદ કરી. બધું સમજાયું. દુ:ખ તો ખાસ્સું પડેલું પણ પછી થયું કે પસંદગી એમની છે તો ચૂકવણું પણ એમનું હશે –ચિત્ત તું શિદને ચિન્તા કરે…

પસંદગી માગે તે બધું કરવાની તત્પરતા હોય તો આત્મશ્રધ્ધા જાગે છે. એથી માણસ પોતાની ઇમેજને બરાબર સ્વરૂપે ઘડી શકે છે. એથી એને શક્યતાઓની અને અશક્યતાઓની ખબર પડે છે. વિવેક આવે છે કે કરવા યોગ્ય શું છે, શું નથી. જાત એ રીતે ઘડાય એટલે ખબર પડે કે બીજાને માટે પોતે કેટલો કામનો છે, કે નકામો છે. સમજે કે બીજાથી પોતે છેતરાતો નથી તે એટલા માટે કે પોતે ક્યારેય બીજાને છેતરતો નથી–પોતાની જાતને તો નહીં જ. સત્ય તો એ છે કે દુનિયા આખીને છેતરનારાઓએ સૌ પહેલાં પોતાની જાતને છેતરી હોય છે. મારી માન્યતા બંધાઇ છે કે કદાચ બધાં પાપના મૂળમાં આત્મવંચના છે. એ ન વરતાય એવું પાપ છે કેમકે પોતે કર્યું હોય છે. સમજાય છે કે હું બીજાની સ્વતન્ત્રતા સાચવીશ તો મારી આપોઆપ સચવાશે. હું બીજાનાં હિતો જાળવીશ તો મારાં એની મેળે જળવાશે. પસંદગીનું ચૂકવણું ખરેખર તો એક સાથે બે કામ કરે છે : મનુષ્યને એના પોતાના દ્વિપમાં, એની પોતાની આબોહવામાં, બરાબર ખીલવે છે. ધરતી જેમ વૃક્ષને પોતાની સાથે જોડી રાખે છે તેમ સ્વકીય કેન્દ્ર એને પોતાની સાથે જોડી રાખે છે. એટલે, સ્વ-ઉપાર્જિત સુખની લહરો કે દુ:ખના ઝંઝાવાતો વચ્ચે પણ એ ડગતો નથી. અને છેવટે તો આ ધરતી પર હોવાના પોતાના અધિકારનો આનન્દ માણી શકે છે. બીજું કામ આપોઆપ થઇ જાય છે : એવો સ્વસ્થ જણ સામા દ્વિપમાં નિવસતા બીજા મનુષ્યના એવા જ અધિકારને, એના એવા જ આનન્દને એટલી જ સારી રીતે પ્રમાણી પણ શકે છે. માણસો એકબીજા માટે કાયમી ધોરણે ઐતરેય હોય –બીજા– એના કરતાં ભલેને કાયમી ધોરણે દ્વૈપાયન હોય. સામાને હું ઐતરેય ગણું, કે સામો મને ગણે, એના કરતાં અમે બન્ને પોતપોતાને દ્વૈપાયન ગણીએ એ જ શું નરવી નમ્રતા નથી ?

અહીં ઉત્તર ભાગ પૂરો થાય છે.

+++

હવે, પ્રશ્નાર્થભર્યો એક એપિલોગ, ઉપસંહાર.

મને એવો વહેમ છે કે આપસૂઝથી જડી આવેલી ફિલસૂફી પ્રમાણે હું બરાબર જીવું છું. બધું સારું લાગે છે. ગમે છે. એટલે એમ પણ માનું છું કે વ્યક્તિ પોતા માટે આવોતેવો નાનો શો ધર્મ ઉપજાવીને ખુશીથી જીવી શકે. જોકે, તેમછતાં, ધ્યાન રહે, ધ્યાન રહે, એમ કર્યેથી વાત કાયમ માટે સુખાન્ત નથી થઇ જતી. બહાર ઊભેલાં તન્ત્રો વ્યક્તિના સ્વને ગમે એ ઘડીએ પછાડીને રહે છે. ધ્યાન રહે, દુનિયા આગળ સ્વ-ધર્મ અને સ્વ-કર્મની સત્-તા ઘણીવાર ગરીબડી પડી જાય છે. ધ્યાન રહે, વૈયક્તિક સત્યો કમજોર પડી જાય છે, તેને પુરવાર નથી કરી શકાતાં. સપનું પોતે જ સિસ્ટમ બની ગયું એમ જે લાગ્યું હોય તે ક્ષણિક હોઇ શકે છે; આભાસ હોઇ શકે છે. છેવટે છોભીલા પડી જવાય કેમકે ભાન પડે કે યિન્-યાન્ગનો મત્સ્યવેધ નથી થયો; સમતુલા બરાબર સાચવી’તી પણ તીર નકામું ગયું છે. કસીને પ્હૉળા રાખેલા ટાંટિયા ને તાણી રાખેલી આંખો દુખે છે. આન્તર વાસ્તવ વેરવિખેર થઇ ગયું છે. અર્થશૂન્યતા વચ્ચે અર્થ પેદા કરવાનો પ્રયાસ વળી પાછો શૂન્યમાં ઑસરી ગયો છે. જુએ છે કે મૅટર ઓવ્ ફૅક્ટ-નેસમાં પોતે ફરી પાછો આથમી ગયો છે. ધ્યાન રહે, સ્વકીય ધર્મનો આવો પરાભવ અવશ્યંભાવી છે, પરાભવ જરૂર થવાનો છે.

જોકે એ પણ ધ્યાન રહે, કે એ સ્તો છે મોટી જીવન-કસોટી ! સાથોસાથ એ પણ ધ્યાન રહે, સ્વ-પસંદગીવીરો પેલા દેવહુમા પંખીની જેમ, ફિનિક્સની જેમ, પોતાની જ રાખમાંથી વળી પાછા બેઠા પણ થઇ જવાના છે…

ઇશ્વર મારા આ કે આ પછીના કોઇ એક વ્યાખ્યાનને તો અન્તિમ ઠેરવવાનો છે. મારી ના છે છતાં મારે જવું તો પડશે. સૌને પૂછે છે એમ મને ય પૂછશે : કેમ કેવું લાગ્યું ? શું લઇને આવ્યા છો ? પાપ કે પુણ્ય ? હું કહીશ : કંઇ પણ લાવ્યો નથી. બધું ચૂકવીને આવ્યો છું. અને સારું તો જર્રાય નથી લાગ્યું. ફરિયાદ છે. એઓશ્રી કહેશે : બોલો : એટલે હું કહીશ : માણસ ધરતી પર હોવાની જવાબદારીનું આટઆટલી કાળજીથી વહન કરે, માણસ હોવાનું વારંવાર મૂલ્ય ચૂકવે, છતાં એને તમે દરેક વખતે પછાડો જ પછાડો –એવું કેમ ? એનો એવો તે શો વાંક ? મૅટર ઓવ્ ફૅક્ટ-નેસ આટલી બધી કાળમીંઢ કેમ ? સર્જનની તમારી આ એક-ની-એક ભાત એમ બતાવે છે કે તમે ઘરેડિયા કલાકાર છો. તમે પૂરા સર્જક નથી. છૂટી પડ્યા છો. કેટલા બધા સજ્જડ ને લાપરવા દીસો છો ! ના ચાલે !  વિચારો ! તમારું આ તે કેવું ક્રૂર બખડજન્તર છે ! કહો તો, ચાલે ? મને ખબર છે, બચારા કશું કહી શકશે નહીં. એમની પાસે કશો ઉત્તર હશે નહીં. વિચારવા જશે પણ વિચારાશે નહીં. હસવા કરશે પણ હસાશે નહીં. છોભીલા પડી જશે. એમને છોભીલા જોઇને મને મત્સ્યવેધની નિષ્ફળતા વખતનું મારું છોભીલાપણું યાદ આવશે. મને મારું, સારું લાગશે. મને બધું જ સારું લાગશે, બધું જ ગમશે… ને હું એમની આંખોમાં જોઇ એક એવું કાતિલ સ્મિત ફૅંકીશ, જે એમનાથી ઝિલાશે નહીં… અસ્તુ…***

*** ‘કોફીમેટ્સ’ – ‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે બીજી મે ૨૦૧૦ના દિવસે આપેલા વ્યાખ્યાનનું લેખસ્વરૂપ.                                                               

                                                        ===

Of Genesis & other details this Document has:

Size: 65.1KB Pages: 14 Words: 4837 Total editing time: 3199 Minutes

Created: 04/05/2010 Last modified: Today, 17/07/ 2012 10.20am

Author: Suman Shah

Sent to Dipak Doshi to publish in ‘Navneet-Samarpan’ and it was published.

 : Not anthologized yet :

===

Leave a Reply

You must be logged in to post a comment.

Facebook Auto Publish Powered By : XYZScripts.com